News of Monday, 5th October 2026
મમતા બેનર્જીના ૨૦૨૧ના મેડિકલ રેકોર્ડ લીક થતાં ખળભળાટ: હોસ્પિટલો અને આરોગ્ય વિભાગને કાનૂની નોટિસ ફટકારાઈ
સુવેન્દુ અધિકારીએ 'પગની ઈજાના નાટક'નો આક્ષેપ કરી રિપોર્ટ જાહેર કરતાં પૂર્વ સીએમ બેનર્જીના વકીલે સ્પષ્ટતા અને કાર્યવાહીની માંગ કરી

કોલકાતા : પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીના વર્ષ ૨૦૨૧ના ગોપનીય મેડિકલ રેકોર્ડ્સ તેમની પરવાનગી વિના જાહેર થવાના ગંભીર મામલે સોમવારે નવો રાજકીય વળાંક આવ્યો છે. મમતા બેનર્જીના લીગલ કાઉન્સિલ આર્કા નાગે રાજ્ય સંચાલિત એસએસકેએમ (SSKM) હોસ્પિટલ, બાંગુર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુરોસાયન્સિસ અને રાજ્યના આરોગ્ય વિભાગના મુખ્ય સચિવને કાનૂની નોટિસ મોકલી છે. ભાજપના નેતા અને વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારી દ્વારા તબીબી અહેવાલો જાહેર કરીને ૨૦૨૧ની વિધાનસભા ચૂંટણી સમયે તત્કાલીન મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પગની ઈજા અંગે ખોટા દાવા કર્યા હોવાના આરોપ બાદ આ કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે.
અધિકારીઓએ અને હોસ્પિટલ પ્રશાસને ઈમેલ દ્વારા પ્રાપ્ત થયેલી આ લીગલ નોટિસનો સ્વીકાર કર્યો છે, જેમાં પૂર્વ મુખ્યમંત્રીના વકીલે હોસ્પિટલો પાસે ખુલાસો માંગ્યો છે કે કોઈ દર્દીના અંગત અને ગોપનીય મેડિકલ રેકોર્ડ્સ ત્રીજી વ્યક્તિ સુધી કેવી રીતે પહોંચ્યા. કાનૂની નોટિસમાં કડક શબ્દોમાં જણાવવામાં આવ્યું છે કે, જો કોઈ સરકારી એજન્સી કે તપાસકર્તાઓએ કાયદાકીય પ્રક્રિયા હેઠળ આ દસ્તાવેજો મેળવ્યા હોય, તો પણ તેને સાર્વજનિક રૂપે જાહેર કરવાની કે રાજકીય હેતુ માટે વાપરવાની કાનૂની પરવાનગી આપી શકાય નહીં.
આ સમગ્ર વિવાદ ૩ ઓક્ટોબરના રોજ સુવેન્દુ અધિકારી દ્વારા બોલાવવામાં આવેલી એક પત્રકાર પરિષદ બાદ શરૂ થયો હતો. તેમણે ૧૧ માર્ચ, ૨૦૨૧ના રોજ બાંગુર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુરોસાયન્સિસના રેડિયો ડાયગ્નોસિસ વિભાગનો એક કથિત રિપોર્ટ દર્શાવીને દાવો કર્યો હતો કે પૂર્વ મુખ્યમંત્રીના પગમાં ફ્રેક્ચર હોવાના કોઈ પુરાવા તે સમયે મળ્યા નહોતા. અધિકારીએ આરોપ મૂક્યો હતો કે ૨૦૨૧ની ચૂંટણીમાં સાનુભૂતિ મેળવવા માટે 'ઈજાનું નાટક' કરવામાં આવ્યું હતું અને તેમની સરકાર આ મામલે નવી તપાસ શરૂ કરશે.
બેનર્જીના લીગલ કાઉન્સિલે નોટિસમાં પ્રશ્ન પૂછ્યો છે કે શું આ મેડિકલ રિપોર્ટ્સ કોઈ માન્ય કોર્ટના આદેશથી જાહેર કરવામાં આવ્યા હતા? અને જો કોઈ કાનૂની પરવાનગી વગર આ રેકોર્ડ્સ બહાર પાડવામાં આવ્યા હોય, તો દસ્તાવેજો લીક કરનારા હોસ્પિટલના જવાબદાર અધિકારીઓ કે કર્મચારીઓ સામે શું પગલાં લેવામાં આવ્યા છે તે અંગે પણ તાત્કાલિક સ્પષ્ટતા માંગવામાં આવી છે. તદુપરાંત, જાહેર કરાયેલા રિપોર્ટ્સ અસલ છે કે કેમ તે અંગે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ ઘટનાની પૃષ્ઠભૂમિ ૨૦૨૧ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીઓ સાથે જોડાયેલી છે. નંદીગ્રામ બેઠક પરથી ચૂંટણી પ્રચાર કરતી વખતે બિરુલિયા બજાર નજીક એક ઘટનામાં મમતા બેનર્જી ઘાયલ થયા હતા. ત્યારબાદ સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન તેઓ વ્હીલચેર પર બેસીને રેલીઓને સંબોધિત કરતા જોવા મળ્યા હતા, જેને લઈને ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) વચ્ચે જોરદાર રાજકીય ઘમાસાણ સર્જાયું હતું.
હાલમાં આરોગ્ય વિભાગ અને હોસ્પિટલ પ્રશાસન આ કાનૂની નોટિસના આધારે આંતરિક તપાસ હાથ ધરી રહ્યું છે કે રેકોર્ડ્સ લીક કેવી રીતે થયા. બીજી તરફ, પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીના કાનૂની ક્ષેત્રે લેવાયેલા આ આક્રમક વલણ બાદ આગામી દિવસોમાં આ મામલે ઉચ્ચ અદાલતમાં અરજી દાખલ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે, જેના કારણે બંગાળના રાજકારણમાં ગરમાવો વધી ગયો છે.
(6:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
