News of Tuesday, 2nd June 2026
બંગાળની સત્તા ગુમાવ્યા બાદ મમતા બેનર્જીનો રૌદ્ર અવતાર : કોલકાતાના રસ્તા પર ઉતરીને ભાજપ અને પોલીસ સામે આંદોલનનું રણશિંગું ફૂંક્યું
"જ્યાં સુધી તમે દેશમાંથી ભાજપને સત્તા પરથી હટાવશો નહીં, ત્યાં સુધી હું શાંતિથી મરવાની પણ નથી : મમતા બેનર્જીની ગર્જના

કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા બાદ, તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સુપ્રીમો અને પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી લાંબા સમય પછી પોતાના એ જ જૂના, આક્રમક અને લડાયક અંદાજમાં પરત ફર્યા છે. કોલકાતાના હાર્દ સમાન રાણી રાસમોની એવન્યુ પર 'વાય ચેનલ' પાસે ભવ્ય ધરણા પ્રદર્શન પર બેઠેલા દીદીએ કેન્દ્રની ભાજપ સરકાર સામે સીધો મોરચો ખોલ્યો છે. પોતાની પ્રથમ ભવ્ય જાહેર સભાને સંબોધતા મમતા બેનર્જીએ સિંહગર્જના કરતા કહ્યું કે, "જ્યાં સુધી તમે દેશમાંથી ભાજપને સત્તા પરથી હટાવશો નહીં, ત્યાં સુધી હું શાંતિથી મરવાની પણ નથી; આપણી પાસે હવે માત્ર બે જ વિકલ્પ છે—કાં તો આરપારની લડાઈ લડીશું અથવા શહીદ થઈશું." પક્ષના કાર્યકરો અને નેતાઓ પર થઈ રહેલા કથિત હુમલાઓનો વિરોધ કરવા રસ્તા પર ઉતરેલા મમતાના આ આકરા તેવરે બંગાળના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો લાવી દીધો છે.
દીદીએ પોતાના ભાષણમાં ભાજપના નેતાઓ સાથેના જૂના સંબંધોને યાદ કરીને અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા, જેણે રાજકીય વિશ્લેષકોને પણ વિચારતા કરી દીધા છે. તેમણે દાવો કર્યો કે ભાજપના ટોચના નેતાઓએ ભૂતકાળમાં અનેકવાર ફોન કરીને તેમની પાસે મદદ માંગી હતી અને તેમણે મુશ્કેલ સમયમાં હંમેશા રાજધર્મ નિભાવીને તેમને સાથ આપ્યો હતો, પરંતુ આજે એ જ લોકો તેમની પીઠમાં છરો ભોંકી રહ્યા છે. આ સાથે જ તેમણે વર્તમાન મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર સીધો કટાક્ષ કરતા કહ્યું કે, ભાજપના અસલી અને વફાદાર જૂના સભ્યો આજે સત્તાવિહીન બનીને ખૂણામાં બેઠા છે, જ્યારે અન્ય પક્ષોમાંથી પક્ષપલટો કરીને આવેલા તકવાદીઓ સત્તા ભોગવી રહ્યા છે. પોતાના ભત્રીજા અને સાંસદ અભિષેક બેનર્જી પર થયેલા જીવલેણ હુમલાનો ઉલ્લેખ કરતા ભાવુક અને ગુસ્સે ભરાયેલા દીદીએ કહ્યું કે જો તે દિવસે પથ્થર સહેજ પણ આડોઅવળો વાગ્યો હોત તો અભિષેકનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હોત.
આ આંદોલન માત્ર ભાજપ સામે જ નહીં, પરંતુ સ્થાનિક પ્રશાસન અને પોલીસ તંત્ર સામેના યુદ્ધ સમાન બની ગયું છે, કારણ કે મમતાએ હવે સીધી કાયદો-વ્યવસ્થાને પડકારવાની શરૂઆત કરી દીધી છે. ટીએમસીના કાર્યકરોને રેલીમાં આવતા રોકવા બદલ પૂર્વ મુખ્યમંત્રીએ સ્થાનિક પોલીસને ખુલ્લી ચેતવણી આપી છે કે જો જનતાને રોકવાનો પ્રયાસ ચાલુ રહેશે, તો હજારો કાર્યકરો સાથે કોલકાતા પોલીસ મુખ્યાલયનો ઘેરાવો કરવામાં આવશે. પક્ષ છોડીને જઈ રહેલા બળવાખોર ધારાસભ્યો પર કટાક્ષ કરતા અને ચૂંટણીમાં 177 બેઠકો પર મતોની ગણતરીમાં ભાજપે ગોટાળા કર્યા હોવાનો ગંભીર આરોપ લગાવતા દીદીની સાથે મંચ પર ચંદ્રિમા ભટ્ટાચાર્ય, મદન મિત્રા અને ડોલા સેન જેવા દિગ્ગજ નેતાઓ અડીખમ ઊભેલા જોવા મળ્યા હતા, જે દર્શાવે છે કે બંગાળમાં આગામી દિવસોમાં રાજકીય હિંસા અને સંઘર્ષની આગ વધુ ભડકશે.
(6:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
