<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

પ્રેમ પ્રકરણમાં આડખીલી બનતા માસૂમ ભત્રીજાને જમીન પર પછાડી મારી નાખનાર નરાધમને ફાંસી! ફિરોઝાબાદ કોર્ટે માત્ર ૪૦ દિવસમાં સંભળાવ્યો ઐતિહાસિક ચુકાદો

એકતરફી પ્રેમમાં અંધ કાકાએ દોઢ વર્ષના આરવને ચોકલેટ આપવાના બહાને શેરીમાં લાવી ૮ વાર જમીન પર પછાડ્યો હતો; સીસીટીવી ફૂટેજ અને ૧૩ સાક્ષીઓના આધારે ન્યાયની જીત

ફિરોઝાબાદ, તા.૧૦: ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાંથી કાનૂની વ્યવસ્થાની સજ્જતા અને પીડિત પરિવારને ઝડપી ન્યાય આપતો એક અભૂતપૂર્વ કિસ્સો સામે આવ્યો છે. પોતાની જ સગા ભાઈની પત્ની (ભાભી) ના પ્રેમમાં અંધ બનેલા એક પાપી કાકાએ જ્યારે તેના માસૂમ અને નિર્દોષ દોઢ વર્ષના ભત્રીજાની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી, ત્યારે આખા દેશમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ જઘન્ય અપરાધ મામલે ફિરોઝાબાદની ફાસ્ટ-ટ્રેક કોર્ટે ઐતિહાસિક ઝડપ બતાવીને માત્ર ૪૦ દિવસની અંદર ટ્રાયલ પૂરી કરી આરોપી વિરાજ પાઠકને મૃત્યુદંડ (ફાંસી) ની આકરી સજા ફટકારી છે.
શું હતી હૃદય કંપાવી દેનારી એ ઘટના?
મૂળ બદાયૂંના શેખુપુરાની રહેવાસી રતિ શર્માનો તેના પતિ સાથે વિવાદ ચાલતો હતો અને મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. આ દરમિયાન પતિના ભાઈ (સાડા) વિરાજ પાઠકે રતિને કોર્ટના કામમાં મદદ કરવાના બહાને તેની નજીક આવવાનો પ્રયત્ન કર્યો અને તે રતિના એકતરફી પ્રેમમાં પાગલ થઈ ગયો. વિરાજ રતિ સાથે લગ્ન કરવા માંગતો હતો પરંતુ રતિએ સાફ ના પાડી દીધી હતી. વિરાજને લાગતું હતું કે રતિનો દોઢ વર્ષનો દીકરો 'આરવ' તેના પ્રેમ જીવનમાં સૌથી મોટો અવરોધ છે.
ગત ૩૦ મે, ૨૦૨૬ ના રોજ શિકોહાબાદની યાદવ કોલોનીમાં, પાપી કાકા વિરાજ માસૂમ આરવને ચોકલેટ અપાવવાના બહાને ઘરની બહાર લઈ ગયો. શેરીમાં આવતા જ તેણે ક્રૂરતાની બધી સીમાઓ પાર કરી દીધી અને આરવને એક પછી એક એમ ૮ વખત જોરજોરથી જમીન પર પછાડ્યો, જેના કારણે માસૂમ બાળકે ત્યાં જ દમ તોડી દીધો. આ કાળજું કંપાવી દેનારી સમગ્ર ઘટના શેરીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેનો વીડિયો વાયરલ થતાં લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો.
૫ કલાકમાં એન્કાઉન્ટર અને ૪૦ દિવસમાં ન્યાય
હત્યાની આ ઘટનાના માત્ર ૫ કલાકની અંદર શિકોહાબાદ પોલીસે કડક કાર્યવાહી કરીને એક એન્કાઉન્ટર દરમિયાન આરોપી વિરાજની ધરપકડ કરી જેલ ભેગો કર્યો હતો. પોલીસની તત્પરતા એટલી પ્રશંસનીય હતી કે માત્ર એક અઠવાડિયામાં જ ઇલેક્ટ્રોનિક પુરાવા, વૈજ્ઞાનિક તપાસ અને સીસીટીવી ફૂટેજના પ્રમાણીકરણ સાથે ૮૦ પાનાની મજબૂત ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી દીધી.
કોર્ટમાં કેસ ચાલતા કુલ ૧૩ સાક્ષીઓએ ન્યાયાધીશ સમક્ષ હિંમતપૂર્વક પોતાની જુબાની આપી હતી. આરવની માતા રતિ શર્મા અને દાદી પિંકી શર્મા સતત નરાધમને ફાંસી આપવાની માંગ કરી રહ્યા હતા.
ન્યાયાધીશનો ચુકાદો આવતા જ માતાની આંખોમાં આંસુ ધસી આવ્યા
જિલ્લા ન્યાયાધીશ ડૉ. બબ્બુ સારંગે ગુરુવારે જ વિરાજને દોષિત જાહેર કર્યો હતો અને શનિવારે કોર્ટે તેને ફાંસીની સજા સંભળાવી દીધી છે. કોર્ટના આ ઐતિહાસિક ચુકાદા બાદ કાયદા પર જનતાનો વિશ્વાસ વધુ મજબૂત થયો છે. ચુકાદો સાંભળ્યા બાદ બાળકની માતા અને દાદીએ ભીની આંખે પ્રશાસન અને કોર્ટનો આભાર માનતા કહ્યું કે, "ભલે અમારો વ્હાલસોયો આરવ પાછો નહીં આવે, પણ આજે તેની આત્માને સાચો ન્યાય મળ્યો છે અને સમાજમાં એક મોટો દાખલો બેઠો છે."

(5:17 PM IST)