<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th July 2026

દાવપેચ અને પક્ષપલટો: સંસદના ચોમાસુ સત્રના પહેલા જ દિવસે બદલાઈ જશે લોકસભાનું 'ભૂગોળ' : 48 સાંસદોની બેઠકો બદલાઈ

ગઠબંધન તૂટ્યા અને બળવાખોરો સક્રિય થતાં સ્પીકરે બેઠક વ્યવસ્થામાં કર્યો મોટો ફેરફાર : વિપક્ષ નબળો પડ્યો અને ટ્રેઝરી બેન્ચની શક્તિ વધી

નવી દિલ્હી:  ભારતીય રાજકારણના બદલાતા સમીકરણોની સીધી અને મોટી અસર દેશના સૌથી મોટા લોકશાહી મંદિર એટલે કે લોકસભા પર થવા જઈ રહી છે. સંસદના આગામી ચોમાસુ સત્રના પ્રથમ દિવસથી જ ગૃહની 'ભૂગોળ' અને બેઠક વ્યવસ્થા સંપૂર્ણપણે બદલાયેલી જોવા મળશે. પક્ષોમાં આંતરિક વિખવાદ, બળવા અને નવા રાજકીય ગઠબંધનોના કારણે લોકસભા સચિવાલયે એક મોટું કદમ ઉઠાવીને કુલ 48 સાંસદોની બેઠકોમાં ધરખમ ફેરફાર કર્યો છે. આ નવી વ્યવસ્થા સત્રના પ્રથમ દિવસથી જ અમલમાં આવી જશે, જે ગૃહની અંદર સત્તા પક્ષ અને વિપક્ષના બદલાયેલા શક્તિ પ્રદર્શનની વાસ્તવિકતા રજૂ કરશે.

આ નવી સીટિંગ એરેન્જમેન્ટમાં સૌથી મોટો ઝટકો પશ્ચિમ બંગાળના સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ અને મહારાષ્ટ્રના ઉદ્ધવ ઠાકરે જૂથને લાગ્યો છે. ટીએમસીના 20 બળવાખોર સાંસદોએ મૂળ પક્ષથી છેડો ફાડીને NCPI પક્ષના ભાગ તરીકે અલગ બેસવાની માંગ કરી હતી, જેને સ્પીકર ઓમ બિરલાએ મંજૂરી આપી દીધી છે. આ 20 બળવાખોરો હવે વિપક્ષની મુખ્ય બેન્ચથી અલગ બેસશે. તેવી જ રીતે, મહારાષ્ટ્રમાં શિવસેના  માંથી બળવો કરીને એકનાથ શિંદે જૂથમાં જોડાનારા 6 સાંસદો પણ હવે વિપક્ષી બેન્ચો છોડીને શાસક પક્ષ એટલે કે ટ્રેઝરી બેન્ચ તરફ બેસશે, જેનાથી સત્તાધારી એનડીએ ની તાકાતમાં નોંધપાત્ર વધારો થયો છે.

બીજી તરફ, તમિલનાડુના રાજકારણમાં આવેલા ભૂકંપની અસર પણ દિલ્હી સુધી પહોંચી છે. કોંગ્રેસ પક્ષે તમિલનાડુમાં TVK પક્ષ સાથે નવું જોડાણ કરી લેતાં, ડીએમકે સાથેનું તેનું જૂનું ગઠબંધન તૂટી ગયું છે. આ રાજકીય વિભાજનના પગલે DMK એ પણ લોકસભામાં તેના તમામ 22 સાંસદો માટે અલગ બેઠક વ્યવસ્થાની માંગણી કરી હતી, જેને સ્વીકારી લેવામાં આવી છે. આ ચોમાસુ સત્ર માત્ર 'વન નેશન, વન ઇલેક્શન' અને સીમાંકન (ડિલિમિટેશન) જેવા મોટા બિલના કારણે જ નહીં, પરંતુ ગૃહની અંદર બદલાયેલા આ નવા રાજકીય નકશા અને સાંસદોની અરસપરસની ચડભડને કારણે પણ અત્યંત હંગામેદાર અને રસપ્રદ બની રહેશે.

(6:48 PM IST)