News of Wednesday, 1st July 2026
કુલ્લુમાં મંજુ શર્માના મોત પર હોબાળો: ડૉ. અનુ બાદ નર્સ રેશ્મા પણ સસ્પેન્ડ થતાં ભભૂક્યો ડૉક્ટરોનો રોષ, બંટી સારાજી સહિતના ટોળા સામે ફરિયાદ
હોસ્પિટલમાં હજારોની ભીડ એકઠી કરી અરાજકતા ફેલાવવાનો અને મેડિકલ સ્ટાફને ધમકાવવાનો આરોપ; સુરક્ષા મુદ્દે ડૉક્ટર્સ એસોસિએશને મુખ્યમંત્રી સુખુ સુધી પહોંચાડી લડત

કુલ્લુ, તા.૦૧: હિમાચલ પ્રદેશની કુલ્લુ જિલ્લા હોસ્પિટલમાં ગત બે દિવસથી ચાલી રહેલો હંગામો હવે એક મોટા વિવાદમાં ફેરવાઈ ગયો છે. ગાયનેકોલોજિસ્ટ ડૉ. અનુ બાદ હવે સ્ટાફ નર્સ રેશ્માને પણ સસ્પેન્ડ કરવાના સરકારી આદેશને પગલે સ્થાનિક ડૉક્ટરો અને નર્સિંગ સ્ટાફનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો છે. તબીબી કર્મચારીઓ પર થયેલી આ કાર્યવાહીના વિરોધમાં અને હોસ્પિટલમાં સુરક્ષાના અભાવ મુદ્દે સમગ્ર મેડિકલ એસોસિએશન એક થઈને મેદાનમાં ઉતર્યું છે.
એક જ દિવસમાં ૯ ડિલિવરીનો કટોકટીભર્યો સમય
નર્સિંગ સ્ટાફ એસોસિએશનના પ્રમુખ અમિતા પોલે આ કડક કાર્યવાહીનો વિરોધ કરતાં જણાવ્યું છે કે નર્સો સામેના તમામ આરોપો તદ્દન પાયાવિહોણા છે. હોસ્પિટલમાં સ્ટાફ પર કામનું ભારે દબાણ રહે છે. ગત ૨૧ જૂને જ્યારે મંજુ શર્માની પ્રસૂતિ થઈ, તે જ દિવસે હોસ્પિટલમાં અન્ય ૯ ગર્ભવતી મહિલાઓની પણ ડિલિવરી કરાવવામાં આવી રહી હતી. તબીબોના મતે, મર્યાદિત સંસાધનો વચ્ચે જીવના જોખમે કામ કરતા સ્ટાફને બલિનો બકરો બનાવવામાં આવી રહ્યો છે.
ટોળાએ ઘેરાવ કરીને સોશિયલ મીડિયા પર લાઇવ કર્યું!
હિમાચલ પ્રદેશ મેડિકલ ઓફિસર્સ એસોસિએશને જિલ્લા મેજિસ્ટ્રેટ મારફતે મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ અને આરોગ્ય મંત્રીને એક કડક મેમોરેન્ડમ મોકલ્યું છે. જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે સંજય ચૌહાણ, બંટી સારાજી અને સુમિત ઠાકુર નામના શખ્સોએ ૨,૦૦૦ થી ૨,૫૦૦ લોકોની ઉશ્કેરાયેલી ભીડ હોસ્પિટલના કેમ્પસમાં એકઠી કરી હતી. આ ટોળાએ ઇમરજન્સી વિભાગ, પીડિયાટ્રિક વોર્ડ અને વહીવટી કચેરીઓમાં ઘૂસીને ભારે અરાજકતા ફેલાવી હતી. એટલું જ નહીં, મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ પર દબાણ લાવીને આંતરિક તપાસ અહેવાલ જાહેરમાં વંચાવ્યો હતો, જેનું ફેસબુક પર લાઈવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું.
ડૉક્ટરોના પરિવારો પર તોળાતું જોખમ
એસોસિએશનના પ્રમુખ ડૉ. રાજેન્દ્ર કોહલી અને ડૉ. મહેશ કપૂરે ભારે નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું છે કે જે રીતે હોસ્પિટલના સ્ટાફને જાહેરમાં 'ખૂની' કહીને અપશબ્દો બોલવામાં આવ્યા અને આરોગ્ય કર્મચારીઓના ફોટા તેમજ અંગત વિગતો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી, તેનાથી ડૉક્ટરોના પરિવારોની સુરક્ષા જોખમમાં મુકાઈ ગઈ છે. ઘટના સમયે હોસ્પિટલમાં ૨૧૮ ગંભીર દર્દીઓ દાખલ હતા, જેમની સારવારમાં આ હંગામાને કારણે વિક્ષેપ પડ્યો હતો. હાલ પોલીસે મેડિકલ સ્ટાફની ફરિયાદના આધારે બંટી સારાજી અને અન્ય ઉપદ્રવીઓ સામે ગુનો નોંધીને એએસપી સંજીવ ચૌહાણની આગેવાનીમાં તપાસ શરૂ કરી છે.
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
