<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

અફઘાનિસ્તાનના કુનાર પ્રાંતમાં શાળા નજીક પ્રચંડ બ્લાસ્ટથી હાહાકાર: 7 વિદ્યાર્થીઓના મોત : આશરે 100 લોકો ઘાયલ

અસદાબાદની બહાર આવેલી મિડલ સ્કૂલની બાજુના મકાનમાં ખાણકામ કામદારોએ સંગ્રહિત કરેલા ડાયનામાઇટમાં બેદરકારીને કારણે વિસ્ફોટ થયાનું પ્રાથમિક તારણ

કાબુલ : અફઘાનિસ્તાનના પૂર્વીય કુનાર પ્રાંતમાં એક શાળા નજીક થયેલા પ્રચંડ વિસ્ફોટથી સમગ્ર વિસ્તાર ધ્રૂજી ઉઠ્યો હતો, જેમાં ઓછામાં ઓછા  7 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે અને આશરે 100 જેટલા લોકો ઘાયલ થયા છે. પ્રાંતીય સંસ્કૃતિ અને માહિતી નિયામક સમી-ઉલ-હકે ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે આ દુર્ઘટના પ્રાંતીય રાજધાની અસદાબાદની બહાર આવેલી એક મિડલ સ્કૂલ પાસે બની હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે વિસ્ફોટ કોઈ આતંકી હુમલો નહીં, પરંતુ નજીકના વિસ્ફોટકોના ડેપોમાં રખાયેલા જોખમી પદાર્થોમાં બેદરકારીને કારણે થયો હતો. ધડાકો એટલો શક્તિશાળી હતો કે શાળા પરિસર અને આસપાસના વિસ્તારોમાં ભારે અફરાતફરી અને ચીસાચીસ મચી ગઈ હતી.

આ ઘટના પાછળની વિગતો આપતા સમી-ઉલ-હકે 'અલ જઝીરા'ને જણાવ્યું હતું કે આ વિસ્ફોટ મિડલ સ્કૂલની બિલકુલ બાજુમાં આવેલા એક રહેણાંક મકાનમાં થયો હતો, જ્યાં ખાણકામ કંપનીના કામદારો રહેતા હતા અને તેમણે ત્યાં ગેરકાયદેસર કે અસુરક્ષિત રીતે ડાયનામાઇટનો જથ્થો સંગ્રહિત કર્યો હતો. દુર્ઘટના બાદ સ્થાનિક વહીવટીતંત્ર અને રાહત ટીમોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કર્યા હતા. તબીબી અહેવાલો મુજબ, ઘાયલોમાંથી મોટાભાગના લોકોને પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે, જ્યારે કેટલાક ગંભીર રીતે ઘાયલ દર્દીઓની હજુ પણ સઘન સારવાર ચાલી રહી છે.

હાલમાં સુરક્ષા અધિકારીઓ વિસ્ફોટના ચોક્કસ સ્ત્રોત અને બેદરકારી માટે જવાબદાર પરિબળોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે, જોકે આ મામલે હજુ સુધી કોઈની અટકાયત કરવામાં આવી છે કે કેમ તે અંગે કોઈ સત્તાવાર વિગતો જાહેર કરાઈ નથી. ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં શૈક્ષણિક સંસ્થાઓ આસપાસ સલામતીનો મુદ્દો અત્યંત સંવેદનશીલ રહ્યો છે; થોડા મહિના અગાઉ ઓગસ્ટમાં પણ રાજધાની કાબુલના એક શાળા કેમ્પસમાં હેન્ડ ગ્રેનેડથી હુમલો થયો હતો, જેમાં 40 થી વધુ બાળકો ઘાયલ થયા હતા. રહણાંક વિસ્તારો અને શાળાઓની નજીક વિસ્ફોટક સામગ્રીના સંગ્રહને કારણે નિર્દોષ નાગરિકો અને વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાતા સ્થાનિક સ્તરે ભારે ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે.

(7:02 PM IST)