<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

ચીનની કોલસાની ખાણમાં ભયાનક વિસ્ફોટ થતાં ભારે તબાહી : 85 થી વધુ મજૂરોના કરુણ મોત : શાનક્સી પ્રાંતમાં હજુ પણ ૯ લોકો ગુમ

ખાણની અંદર ઝેરી ગેસના લીકેજ બાદ અકસ્માત સર્જાયો હોવાની આશંકા : બચાવ ટુકડીઓ દ્વારા યુદ્ધના ધોરણે રાહત કામગીરી શરૂ કરાઈ

 બેઇજિંગ:  ચીનના ઉત્તરીય વિસ્તારમાં આવેલા શાનક્સી પ્રાંતમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને મોટી દુર્ઘટના સામે આવી રહી છે. અહીં આવેલી એક કાર્યરત કોલસાની ખાણમાં અચાનક પ્રચંડ વિસ્ફોટ થતાં અંદર કામ કરી રહેલા 85 થી વધુ મજૂરોના કરુણ મોત નીપજ્યા છે. આ ભયાનક બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે ખાણનો મોટો ભાગ ધરાશાયી થઈ ગયો હતો અને હજુ પણ ઓછામાં ઓછા ૯ મજૂરો લાપતા હોવાના અહેવાલો મળી રહ્યા છે.

સ્થાનિક વહીવટી તંત્ર અને ખાણ પ્રબંધકના જણાવ્યા અનુસાર, જ્યારે આ વિસ્ફોટ થયો ત્યારે અંડરગ્રાઉન્ડ ટનલમાં મોટી સંખ્યામાં શ્રમિકો પોતાની ફરજ બજાવી રહ્યા હતા. પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે ખાણની અંદર કોઈ ઝેરી અથવા જ્વલનશીલ ગેસના લીકેજ અને દબાણના કારણે આ અકસ્માત સર્જાયો હોઈ શકે છે. વિસ્ફોટ બાદ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાં જ ચીનની રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન અને સ્થાનિક પ્રશાસનની બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ છે. ખાણની અંદર ફસાયેલા અને ગુમ થયેલા ૯ લોકોને બહાર કાઢવા માટે અત્યારે યુદ્ધના ધોરણે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. જો કે, ટનલની અંદર ધુમાડો અને કાટમાળ હોવાના કારણે બચાવકર્મીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ચીનમાં કોલસાની ખાણોમાં સુરક્ષાના કડક નિયમો હોવા છતાં આ પ્રકારની ઘાતક દુર્ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. આ અકસ્માત બાદ શાનક્સી પ્રાંતની તમામ ખાણોમાં સુરક્ષા માપદંડોની તપાસ કરવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. મૃતકોના પરિવારોમાં ભારે આક્રોશ અને શોકની લાગણી વ્યાપી ગઈ છે.

હોસ્પિટલમાં દાખલ કરાયેલા ઘાયલ મજૂરોમાંથી કેટલાકની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું તબીબો જણાવી રહ્યા છે, જેથી મૃત્યુઆંક હજુ પણ વધવાની આશંકા સેવાઈ રહી છે. સરકાર દ્વારા આ મામલે સંપૂર્ણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાની ખાતરી આપવામાં આવી છે.

(3:45 PM IST)