<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th September 2026

બાંગ્લાદેશમાં ઓરીનો ભયાનક કહેર: ૯૯૪ માસુમ બાળકોના મોત : આરોગ્ય તંત્રમાં ભારે ફફડાટ

છ મહિનાથી હાહાકાર મચાવતા ઓરીના વાયરસથી દેશભરમાં ૧.૬૪ લાખથી વધુ શંકાસ્પદ કેસ: હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ

ઢાકા: પાડોશી દેશ બાંગ્લાદેશમાં છેલ્લા છ મહિનાથી ઓરી ના વાયરસે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે, જેના કારણે આરોગ્ય ક્ષેત્રે કટોકટી જેવી સ્થિતિ નિર્માણ પામી છે. દેશના ડિરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ (DGHS) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરમાં મળતા સત્તાવાર આંકડા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં ઓરી જેવા લક્ષણો ધરાવતા વધુ ૩ માસુમ બાળકોના મોત નીપજ્યા છે. આ સાથે જ આ વર્ષે ઓરીના કારણે થયેલા પુષ્ટિ થયેલા અને શંકાસ્પદ કુલ મૃત્યુનો આંકડો વધીને ૯૯૪ પર પહોંચી ગયો છે.
યુનાઇટેડ ન્યૂઝ બાંગ્લાદેશ અને ઢાકા ટ્રિબ્યુન દ્વારા આપેલા રિપોર્ટ મુજબ, છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેશભરમાં ઓરીના વધુ ૧,૦૪૩ શંકાસ્પદ કેસ સામે આવ્યા છે, જેની સાથે જ દેશમાં શંકાસ્પદ દર્દીઓની કુલ સંખ્યા ૧,૬૪,૧૪૮ થઈ ગઈ છે. આ જ સમયગાળામાં ૫૫ નવા લેબોરેટરી કન્ફર્મ કેસ નોંધાતા કુલ પોઝિટિવ ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા ૧૯,૬૯૬ પર પહોંચી છે. મૃત્યુઆંકમાં ૮૯૪ શંકાસ્પદ મોત અને ૧૦૦ લેબોરેટરી પુષ્ટિ થયેલા મોતનો સમાવેશ થાય છે.


ડીજીએચએસ  ના ડેટા દર્શાવે છે કે, ૧૫ માર્ચ ૨૦૨૬ થી અત્યાર સુધીમાં ૧,૪૪,૧૬૮ શંકાસ્પદ દર્દીઓને દેશની વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી ૧,૩૮,૭૭૨ દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. જોકે, દિન-પ્રતિદિન નોંધાતા નવા કેસોના કારણે બાંગ્લાદેશનું સાર્વજનિક આરોગ્ય તંત્ર ભારે દબાણ હેઠળ આવી ગયું છે અને હોસ્પિટલોમાં પથારીઓની અછત સર્જાઈ છે.

(8:57 PM IST)