News of Friday, 10th July 2026
મેરઠમાં સરેઆમ સંગ્રામ: લલિતા ગૌતમ હત્યાકાંડ મામલે ભારે પથ્થરમારો અને તોફાન, ભભૂકેલા રોષને ડામવા પોલીસનો લાઠીચાર્જ
ઉગ્ર વિરોધ પ્રદર્શન વચ્ચે તોફાનીઓએ પોલીસ પર કર્યો હુમલો; મહિલા જવાન સહિત ૧૧ ઘાયલ, ગુસ્સે ભરાયેલા SSPએ કેદી વાહનમાં ઘૂસીને નેતાને ઠોક્યો સણસણતો તમાચો

મેરઠ, તા.૧૦: ઉત્તર પ્રદેશના મેરઠ શહેરમાં લલિતા ગૌતમ હત્યાકાંડને લઈને ફાટી નીકળેલો જનાક્રોશ હવે હિંસક સંગ્રામમાં ફેરવાઈ ગયો છે. આ ચકચારી હત્યાકાંડના બાકી બચેલા મુખ્ય આરોપીઓને તાત્કાલિક ઝડપી લેવાની માંગ સાથે એકઠા થયેલા પ્રદર્શનકારીઓએ અચાનક ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોતજોતામાં વાતાવરણ એટલું તંગ બની ગયું કે ઉશ્કેરાયેલા ટોળાએ કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવી પોલીસ પ્રશાસન પર જ સીધો હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
અંતે બેકાબૂ બનેલી પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસે પ્રદર્શનકારીઓ પર આકરો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. તોફાનીઓ દ્વારા કરવામાં આવેલા પથ્થરમારા અને હુમલામાં એક મહિલા પોલીસકર્મી સહિત અંદાજે ૧૧ જેટલા જવાનો લોહીલુહાણ થયા હોવાના અહેવાલ છે.
ભારે અફરાતફરી વચ્ચે ભડક્યા એસએસપી, વાહનમાં જઈને ભણાવ્યો પાઠ
આ હિંસક બવાલમાં સૌથી વધુ સનસનાટીપૂર્ણ દ્રશ્યો ત્યારે જોવા મળ્યા જ્યારે ઘટનાસ્થળે સુરક્ષા વ્યવસ્થા સંભાળી રહેલા મેરઠના એસએસપી (SSP) અવિનાશ પાંડેનો પિત્તો ગયો હતો. પોલીસ પર હુમલો કરાવી હિંસા ભડકાવનારા પકડાયેલા પ્રદર્શનકારીઓમાંથી એક ઉદ્ધત નેતાને જ્યારે પોલીસના કેદી વાહનમાં પૂરવામાં આવ્યો, ત્યારે એસએસપી પોતે તે વાહનની અંદર ઘૂસી ગયા હતા. કાયદા હાથમાં લેનારા આ તોફાની નેતાને એસએસપી અવિનાશ પાંડેએ સરેઆમ ગાડીમાં જ લપડાક ચોડી દીધી હતી, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
આ હિંસક વિરોધ પ્રદર્શન પાછળ કોનો હાથ હતો અને ભીડને પોલીસ સામે હુમલો કરવા માટે કોણે ઉશ્કેરી, તે દિશામાં હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિ કાબૂ હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.
(5:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
