News of Monday, 29th June 2026
સાંજે દિલ્હીમાં ભારે પવન સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
લોકો ભારે ગરમી અને ભેજથી પરેશાન હતા :વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ

નવી દિલ્હી : દેશના જુદાજુદા રાજ્યોમાં કાળઝાળ ગરમી વરસી રહી છે ત્યારે રાજધાની દિલ્હીમાં સોમવારની સાંજે ભારે પવન સાથે વરસાદ વરસ્યો. જેને લઈ આકરી ગરમી સહન કરતા લોકોને થોડી રાહત મળી હતી. છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીના લોકો ભારે ગરમી અને ભેજથી પરેશાન હતા. વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ વર્ષે દિલ્હીમાં ચોમાસાના આગમનમાં વિલંબ થયો છે, જોકે આગામી સપ્તાહ દરમિયાન ચોમાસું દિલ્હી પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
સોમવારની સવારે પણ દિલ્હીમાં ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો હતો. રાજધાનીનું લઘુત્તમ તાપમાન 31.1°C નોંધાયું હતું, જે છેલ્લા 2 વર્ષમાં નોંધાયેલું સૌથી વધુ લઘુત્તમ તાપમાન ગણાયું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ તાપમાન સામાન્ય કરતાં 3.2°C વધુ હતું. આ અગાઉ 14 June 2024ના રોજ દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 33.3°C નોંધાયું હતું. હવામાન વિભાગે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન લગભગ 41°C રહેવાનો અંદાજ પણ વ્યક્ત કર્યો હતો. દિલ્હીના સફદરજંગ કેન્દ્રમાં 31.1°C, લોધી રોડ ખાતે 30.2°C, પાલમમાં 29.7°C, આયા નગરમાં 29.4°C અને રિજ વિસ્તારમાં 28.4°C લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. તમામ સ્થળોએ તાપમાન સામાન્ય કરતાં વધુ રહ્યું હતું.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 5 થી 6 દિવસમાં હવામાન ચોમાસા માટે અનુકૂળ બનશે અને 4 Julyની આસપાસ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંડીગઢ તેમજ પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં પહોંચવાની શક્યતા છે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે પણ સમાન આગાહી કરી છે. સતત વધી રહેલા તાપમાન અને હવામાં ભેજના ઊંચા પ્રમાણને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. હવે વરસાદ અને ચોમાસાના આગમનથી લોકોને ગરમીમાંથી વધુ રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
(7:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
