News of Thursday, 16th April 2026
અમેરિકાના મિલવૌકીમાં મેઘતાંડવ: મુખ્ય હાઈવે બન્યા દરિયો, કારની છત પર ચડીને લોકોએ જીવ બચાવ્યા!
ભયાનક વાવાઝોડા અને પૂરના કારણે ઇન્ટરસ્ટેટ-43 ઠપ્પ; મિડવેસ્ટમાં કુદરતનો કહેર યથાવત, સેંકડો મકાનો જમીનદોસ્ત અને અનેક શહેરોમાં રેડ એલર્ટ.

મિલવૌકી, તા. 16: અમેરિકાના મિડવેસ્ટ પ્રદેશમાં કુદરતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. બુધવારની રાત મિલવૌકીના રહેવાસીઓ માટે કોઈ દુઃસ્વપ્નથી ઓછી નહોતી. મુશળધાર વરસાદ અને ભયાનક વાવાઝોડાએ શહેરની રફ્તાર થંભાવી દીધી છે. મિલવૌકીના મુખ્ય હાઈવે (ફ્રીવે) પર પાણીનું સ્તર એટલું વધી ગયું કે જોતજોતામાં વાહનો ડૂબવા લાગ્યા અને વાહનચાલકો રસ્તાની વચ્ચે જ મોત સામે જંગ લડતા જોવા મળ્યા.
હાઈવે પર દિલધડક રેસ્ક્યુ ઓપરેશન
મિલવૌકી કાઉન્ટી શેરિફ ઓફિસના જણાવ્યા અનુસાર, ઇન્ટરસ્ટેટ 43 (I-43) જે શહેરનો મુખ્ય ઉત્તર-દક્ષિણ કોરિડોર છે, તે પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. સ્થિતિ એટલી ગંભીર હતી કે કેટલાક ડ્રાઈવરોએ પોતાની કાર છોડીને કોંક્રિટના બેરિયર્સ અને ડિવાઈડર્સ પર ચડી જવું પડ્યું હતું. ઇમરજન્સી કામદારોએ ધોધમાર વરસાદ વચ્ચે જીવના જોખમે આ લોકોને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા. ડાઉનટાઉનને ઉપનગરો સાથે જોડતા રસ્તાઓ બંધ થતાં હજારો લોકો કલાકો સુધી ફસાયેલા રહ્યા હતા.
સ્ટેડિયમની છત ટપકી, કેમ્પસમાં પૂરની ચેતવણી
આ કુદરતી આફતની અસર માત્ર રસ્તાઓ પર જ નહીં, પણ રમતગમતના મેદાન પર પણ જોવા મળી. પ્રખ્યાત બ્રુઅર્સ બેઝબોલ મેચ દરમિયાન અમેરિકન ફેમિલી ફીલ્ડ સ્ટેડિયમની છતમાંથી પાણી લીક થવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. સ્ટેડિયમની આસપાસના રસ્તાઓ નદીમાં ફેરવાઈ જતાં ટ્રાફિક જામની ભયાનક સ્થિતિ સર્જાઈ હતી. માર્ક્વેટ યુનિવર્સિટીએ પણ પોતાના કેમ્પસમાં પૂરની કટોકટી જાહેર કરી વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થાને રહેવા સૂચના આપી છે.
એક અઠવાડિયાથી કુદરતનો કહેર
છેલ્લા સાત દિવસથી ટેક્સાસથી લઈને ગ્રેટ લેક્સ સુધીના વિસ્તારોમાં વાવાઝોડાની પરેડ ચાલી રહી છે. સોમવારે મિયામી કાઉન્ટીમાં આવેલા વાવાઝોડાએ 100 જેટલી ઈમારતોને નુકસાન પહોંચાડ્યું હતું, જ્યારે મિશિગનમાં ડેમ તૂટવાની ભીતિને કારણે સેંકડો લોકોને રાતોરાત ઘર છોડવા પડ્યા હતા. હવામાન વિભાગે આગાહી કરી છે કે માત્ર બે કલાકમાં જ બે ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકી શકે છે, જે અચાનક પૂર (Flash Flood) લાવી શકે છે.
હજુ ખતરો ટળ્યો નથી!
જોકે ગુરુવારે થોડી શાંતિ રહેવાની આશા છે, પરંતુ શુક્રવારથી ફરી મુસીબત આવી શકે છે. મિઝોરી, આયોવા, વિસ્કોન્સિન અને ઓક્લાહોમા જેવા રાજ્યોમાં ફરીથી મોટા કરા અને વિનાશક વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. સત્તાવાળાઓએ લોકોને બિનજરૂરી પ્રવાસ ટાળવા અને હવામાનની ચેતવણીઓ પર નજર રાખવા કડક અપીલ કરી છે.
રેકોર્ડ બ્રેક વરસાદ: છેલ્લા 15 એપ્રિલ સુધીના ડેટા મુજબ, સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સમાં આ વર્ષે એપ્રિલ માસમાં વિક્રમી વરસાદ નોંધાયો છે, જેણે દાયકાઓ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે.
(4:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
