<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

CJP આંદોલનના કારણે દિલ્હીમાં મેટ્રો સેવાઓ ખોરવાઈ: હવે નવી દિલ્હી મેટ્રો સ્ટેશન પણ બંધ, કુલ ૧૮ સ્ટેશનો પર નો-એન્ટ્રી

જંતર-મંતર ખાતે પ્રદર્શનકારીઓની ભારે ભીડને પગલે DMRC નો મોટો નિર્ણય; રાજીવ ચોક અને મંડી હાઉસ સહિતના મહત્વના સ્ટેશનો પર માત્ર ઇન્ટરચેન્જ સુવિધા ચાલુ રહેશે

નવી દિલ્હી, તા.૨૪: રાજધાની દિલ્હીના જંતર-મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા ચાલી રહેલા વ્યાપક વિરોધ પ્રદર્શન અને ઉગ્ર આંદોલનને કારણે સામાન્ય નાગરિકો માટે મુસાફરી કરવી અત્યંત કઠિન બની ગઈ છે. પ્રદર્શનકારીઓની વધતી ભીડ અને સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) એ સુરક્ષા દળોની સલાહ બાદ નવી દિલ્હી મેટ્રો સ્ટેશનને પણ તાત્કાલિક અસરથી બંધ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
આ નવા નિર્ણય સાથે જ દિલ્હીમાં બંધ કરવામાં આવેલા મેટ્રો સ્ટેશનોની કુલ સંખ્યા વધીને ૧૮ થઈ ગઈ છે. આ તમામ સ્ટેશનો પર મુસાફરો માટે પ્રવેશ (Entry) અને નિકાસ (Exit) સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે.
બ્લુ અને યલો લાઇન પર અસર, ઇન્ટરચેન્જ સુવિધા ચાલુ
DMRC દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે યલો લાઇન અને બ્લુ લાઇન પર આવેલા ૧૮ સ્ટેશનો પર પેસેન્જર્સ માટે એન્ટ્રી-એક્ઝિટ બંધ રાખવામાં આવી હોવા છતાં, કનેક્ટિંગ સ્ટેશનો જેવા કે રાજીવ ચોક, મંડી હાઉસ અને કેન્દ્રીય સચિવાલય (સેન્ટ્રલ સેક્રેટરીએટ) પર ટ્રેન બદલવા માટેની ઇન્ટરચેન્જ સુવિધા રાબેતા મુજબ ચાલુ રહેશે.
કયા ૧૮ મુખ્ય સ્ટેશનો સંપૂર્ણ બંધ કરાયા?
સુરક્ષાના કારણોસર બંધ કરાયેલા ૧૮ સ્ટેશનોની યાદીમાં દિલ્હીના અત્યંત વ્યસ્ત વિસ્તારોનો સમાવેશ થાય છે:
•    નવી દિલ્હી, રાજીવ ચોક, પટેલ ચોક, જનપથ, અને લોક કલ્યાણ માર્ગ
•    મંડી હાઉસ, સેન્ટ્રલ સેક્રેટરીએટ, સુપ્રીમ કોર્ટ, અને બારખંભા રોડ
•    રામકૃષ્ણ આશ્રમ માર્ગ, ઝાંડેવાલન, શિવાજી સ્ટેડિયમ, અને ખાન માર્કેટ
•    જોર બાગ, ITO, દિલ્હી ગેટ, ઇન્દ્રપ્રસ્થ, અને સેવા તીર્થ
મુસાફરો પરેશાન, ઓટો ચાલકોની મનમાની
સતત બીજા દિવસે દિલ્હીના હૃદયસમા વિસ્તારોના મેટ્રો સ્ટેશનો બંધ રહેતા નોકરીયાતો અને દૈનિક મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મેટ્રો સેવાઓ બાધિત થતાં રસ્તાઓ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે, જેનો લાભ ઉઠાવીને ઓટો અને કેબ ડ્રાઇવરો મુસાફરો પાસેથી મનસ્વી રીતે બમણા-ત્રણ ગણા ભાડાં વસૂલી રહ્યા હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે.

(4:39 PM IST)