News of Saturday, 18th July 2026
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધના ભડકા: ઈરાનના મિસાઈલ એટેકમાં જોર્ડનમાં યુએસ લશ્કરી બેઝ ધ્રૂજ્યા : પેટ્રિઅટ ડિફેન્સ નિષ્ફળ જતાં અમેરિકી સૈનિકો ઘાયલ!
જોર્ડનના વ્યૂહાત્મક મુવફ્ફક સાલ્ટી અને પ્રિન્સ હસન એર બેઝ પર ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે કર્યો ભીષણ મિસાઈલ અને ડ્રોન હુમલો: અમેરિકી એર ડિફેન્સ એડવાન્સ મિસાઈલોને રોકવામાં નિષ્ફળ રહેતા પરિસ્થિતિ બેકાબૂ બનવાના એંધાણ

જોર્ડન: મધ્ય પૂર્વમાં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક અને વિસ્ફોટક મોડ પર પહોંચી ગયો છે. ઈરાન અને અમેરિકા વચ્ચે સતત સાતમા દિવસે તીવ્ર લશ્કરી ટકરાવ જારી છે, જેમાં ઈરાને જોર્ડન સહિત સમગ્ર પ્રદેશમાં આવેલા યુએસ લશ્કરી મથકો પર એકસાથે અનેક બેલિસ્ટિક મિસાઈલો તથા ઘાતક ડ્રોન વડે ભીષણ હુમલો કર્યો છે. જોર્ડનમાં આવેલા રાજધાની અમ્માનથી પૂર્વમાં સ્થિત અત્યંત મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક 'મુવફ્ફક સાલ્ટી એર બેઝ' અને 'પ્રિન્સ હસન એર બેઝ'ને મુખ્ય નિશાન બનાવવામાં આવ્યા હતા. આ ભીષણ હુમલાઓમાં ફાઈટર જેટ કમાન્ડ સેન્ટર્સ, ડ્રોન હેંગર, દારૂગોળાના ડેપો અને ઈંધણના સંગ્રહ સ્થાનો પર સીધા પ્રહાર થયા હોવાના અહેવાલો છે, જેમાં અનેક અમેરિકી સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
આ હુમલા દરમિયાન અમેરિકાની અતિ-આધુનિક ગણાતી 'MIM-104 પેટ્રિઅટ એર ડિફેન્સ સિસ્ટમ'ની ઓપરેશનલ ક્ષમતા પર પણ મોટા સવાલો ઊભા થયા છે. સોશિયલ મીડિયા અને ઓપન-સોર્સ ઈન્ટેલિજન્સ ઓથોરિટી દ્વારા જારી કરાયેલા વિડીયો ફૂટેજ દર્શાવે છે કે ઈરાનની આવનારી બેલિસ્ટિક મિસાઈલોને રોકવા માટે પેટ્રિઅટ ઈન્ટરસેપ્ટર્સ લોન્ચ કરવામાં આવ્યા હતા, પરંતુ તેઓ નિશાન ચૂકતા ઈરાની મિસાઈલો સીધી અમેરિકી સ્થાપનો પર ત્રાટકી હતી. જોર્ડનની વાયુસેનાએ કેટલીક મિસાઈલોને હવામાં જ નિષ્ફળ બનાવી હોવાનો દાવો કર્યો હતો, છતાં ઈરાની મિસાઈલોએ કમાન્ડ સેન્ટર્સ અને વિમાન સુરક્ષા હેંગર્સને ભેદીને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું હતું. સત્તાવાર રીતે ઘાયલોનો ચોક્કસ આંકડો ગોપનીય રખાયો છે, પરંતુ સીબીએસ ન્યૂઝના રિપોર્ટ અનુસાર અમેરિકી સૈનિકોની ઈજાઓ ગંભીર હોવાનું માનવામાં આવે છે.
ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ અધિકૃત રીતે આ હુમલાઓની જવાબદારી સ્વીકારતા દાવો કર્યો છે કે તેમણે જોર્ડન સિવાય સીરિયા, કુવૈત, બહેરીન અને ઓમાનમાં આવેલા અમેરિકી લશ્કરી સ્થાપનો પર પણ એક સાથે આક્રમણ કર્યું છે. જોર્ડનમાં હાલ ૩,૦૦૦ થી ૪,૦૦૦ અમેરિકી સૈનિકો તૈનાત છે અને આ પ્રદેશ નાટો તથા યુએસની લશ્કરી કામગીરીનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે. ઈરાને સ્પષ્ટ ચેતવણી આપી છે કે યુએસ દ્વારા તેની ભૂગર્ભ શસ્ત્ર સુવિધાઓ અને લોજિસ્ટિક્સ પર કરવામાં આવેલા સતત હુમલાનો આ કડક જવાબ છે. આ ઘટના બાદ સમગ્ર મધ્ય પૂર્વમાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે એક મોટા યુદ્ધના એંધાણ વર્તાઈ રહ્યા છે
(6:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
