News of Saturday, 27th June 2026
અમેરિકા અને ઈરાન વચ્ચેના સૈન્ય પ્રહારોથી મધ્ય પૂર્વમાં ફરી ભીષણ યુદ્ધની જવાળાઓ ફરી ભભૂકી : વૉશિંગ્ટનના હુમલાથી સિરીક પોર્ટ પર કોઈ નુકસાન ન થયાનો તેહરાનનો દાવો
હોર્મુઝની સામુદ્રધુનીમાં કાર્ગો જહાજ પર ઈરાની દળોના હુમલા બાદ યુએસ સેન્ટ્રલ કમાન્ડે મિસાઈલ-ડ્રોન સ્ટોરેજ સ્થાનોને બનાવ્યા નિશાન : ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટનાને ગણાવી સીઝફાયર કરારનું મૂર્ખતાપૂર્ણ ઉલ્લંઘન : જેડી વેન્સે આપી સીધી ચેતવણી

વૉશિંગ્ટન: મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) માં તાજેતરમાં સર્જાયેલા ભારે તણાવ વચ્ચે શનિવારે અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર સીધો લશ્કરી સંઘર્ષ ફાટી નીકળ્યો છે. શુક્રવારે અમેરિકા અને ઈરાન દ્વારા એકબીજા પર કરવામાં આવેલા ઉપરાઉપરી સૈન્ય પ્રહારોના કારણે બંને દેશો વચ્ચે થયેલો નાજુક યુદ્ધવિરામ (સીઝફાયર) જોખમમાં મુકાઈ ગયો છે. આ હુમલા અંગે મહેર ન્યૂઝ એજન્સીએ સ્થાનિક અધિકારીઓના હવાલાથી જણાવ્યું છે કે, સિરીક પોર્ટ પર અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલાથી કોઈ મોટું નુકસાન થયું નથી અને હાલમાં ત્યાં સ્થિતિ સામાન્ય છે. જોકે, આ ભીષણ સૈન્ય પ્રહારોને પગલે આખા અખાતી પ્રદેશમાં ફરી યુદ્ધની સ્થિતિ નિર્માણ પામી છે.
કાર્ગો જહાજ પર હુમલાના જવાબમાં અમેરિકાની આકરી કાર્યવાહી:
યુએસ સેન્ટ્રલ કમાન્ડે સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું છે કે, અમેરિકા દ્વારા ઈરાનના મિસાઈલ અને ડ્રોન સ્ટોરેજ સાઇટ્સ તેમજ દરિયાકાંઠાના રડાર સ્થાનો પર કરવામાં આવેલા હુમલા એ ઈરાની દળો દ્વારા વ્યાપારી જહાજો પર કરવામાં આવેલા અકારણ આક્રમણનો જડબાતોડ જવાબ છે. અમેરિકાએ આક્ષેપ કર્યો છે કે ઈરાનની આ હરકતે યુદ્ધવિરામ કરારનું સ્પષ્ટ ઉલ્લંઘન કર્યું છે. અમેરિકી સેનાએ આ ઓપરેશનને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થઈ રહેલા એક વ્યાપારી કાર્ગો જહાજ પર શુક્રવારે ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલા સામેનો એક શક્તિશાળી વળતો પ્રહાર ગણાવ્યો છે.
ઈરાની સ્ટેટ ટેલિવિઝનનો દાવો અને રિવોલ્યુશનરી ગાર્ડ્સનો પલટવાર:
બીજી તરફ, ઈરાનના સરકારી ટેલિવિઝનના અહેવાલ મુજબ, શુક્રવારે મોડી રાત્રે દક્ષિણના બંદર શહેરના તાહેરોયેહ પિયર (જેટી) ખાતે એક જોરદાર વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. લશ્કરી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વિસ્ફોટ તે વિસ્તારમાં અમેરિકી પ્રોજેક્ટાઇલ (મિસાઈલ અથવા બોમ્બ) ના પ્રહારના કારણે થયો હતો. આ ઘટનાની ગણતરીની મિનિટો બાદ જ, શનિવારે સવારે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે સત્તાવાર જાહેરાત કરી હતી કે તેઓએ અમેરિકી હુમલાના બદલામાં અખાતી પ્રદેશ (ગલ્ફ રિજન) માં આવેલા અમેરિકાના સૈન્ય સ્થાનોને નિશાન બનાવીને જવાબી હુમલા કર્યા છે. રિવોલ્યુશનરી ગાર્ડ્સે ટેલિગ્રામ પર પોસ્ટ કરીને ચેતવણી આપી છે કે, જો અમેરિકા દ્વારા આ આક્રમણનું પુનરાવર્તન કરવામાં આવશે, તો અમારો વળતો જવાબ આના કરતાં પણ વધુ વ્યાપક અને ભયાનક હશે.
ડોનાલ્ડ ટ્રમ્પ અને જેડી વેન્સની ઈરાનને આકરી ચેતવણી:
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે માલવાહક જહાજ પર ઈરાન દ્વારા કરવામાં આવેલા આ ડ્રોન હુમલાની આકરા શબ્દોમાં નિંદા કરી છે. તેમણે આ ઘટના પર નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "સ્પષ્ટપણે, આ અમારા વચ્ચે થયેલા યુદ્ધવિરામ કરારનું એક અત્યંત મૂર્ખતાપૂર્ણ ઉલ્લંઘન છે." આ સાથે જ અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર ઈરાનને સીધી ચેતવણી આપતા લખ્યું છે કે, જો ઈરાન દ્વારા ભવિષ્યમાં કોઈપણ પ્રકારના વધુ હુમલા કરવામાં આવશે, તો અમેરિકા તરફથી "હિંસાનો જવાબ હિંસાથી જ આપવામાં આવશે." બંને દેશો વચ્ચે સર્જાયેલી આ યુદ્ધ જેવી પરિસ્થિતિ પર હાલ સમગ્ર વિશ્વની નજર મંડાયેલી છે.
(9:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
