<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

પ્રજાની વચ્‍ચે જઈ મંત્રીઓએ સરકારની કામગીરી ઉજાગર કરવા સૂચના

ગાંધીનગર ખાતે નરેન્‍દ્રભાઈની મંત્રીઓ સાથે ડિનર ડિપ્‍લોમસી :૨૦૨૭માં યોજાનાર ચૂંટણી પહેલા મંત્રીઓ અને સંગઠનના હોદ્દેદારો સાથે રાત્રે ૯ થી ૧૨ મુખ્‍યમંત્રી નિવાસસ્‍થાને યોજાયેલ બેઠકે રાજકીય ચર્ચા જગાવીઃ પોતે ગુજરાતમાં મુખ્‍યમંત્રી હતા ત્‍યારની કામગીરી સમજાવી આગળ વધવા અને સોશિયલ મીડિયા ઉપર સરકારની કામગીરીની સમીક્ષા કરવા પણ સૂચના

(વિજય વસાણી દ્વારા)ગાંધીનગર તા.૧૪ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના ગઈકાલે યોજાયેલ ગુજરાત પ્રવાસ દરમિયાન ગાંધીનગર ખાતે મુખ્‍યમંત્રી નિવાસસ્‍થાને રાજ્‍યના મંત્રીમંડળ અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના મુખ્‍ય હોદ્દેદારો સાથે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈએ ડિનર ડિપ્‍લોમસી યોજી બેઠક કરતા ચૂંટણી

પહેલા રાજ્‍યમાં રાજકીય ગરમાવો આવી ગયો છે.

ગઈકાલે રાત્રે ૯ વાગ્‍યાથી શરૂ થયેલ આ બેઠક ૧૨ વાગ્‍યા સુધી ચાલી હતી આ બેઠકમાં નરેન્‍દ્રભાઈ મોદીએ તેઓ જ્‍યારે ગુજરાતના મુખ્‍યમંત્રી હતા ત્‍યારની કામગીરી વિશે મંત્રીઓને વાકેફ કર્યા હતા ૨૦૨૭માં યોજાનાર ચૂંટણી સંદર્ભ રાજ્‍ય સરકારની કામગીરીની સમીક્ષા લોકોની વચ્‍ચે જઈ કરવા તેમજ આગામી ચૂંટણી સોશિયલ મીડિયાના માધ્‍યમથી વધુ લડાશે ત્‍યારે સરકારની કામગીરી લોકો સુધી પહોંચાડવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા ભાર મૂકયો હતો.

વિરોધ પક્ષનું નામ લીધા વગર તેમણે જણાવ્‍યું હતું કે અમુક પક્ષ દ્વારા સોશિયલ મીડિયાના માધ્‍યમથી સાચી ખોટી વાતો કરવામાં આવશે તેની સામે કેમ લડાઈ લડવી અને લોકોને સાચી વાતોથી માહિતગાર કરવા સૂચનો કર્યા હતા.આગામી જાન્‍યુઆરીમાં રાજ્‍યમાં યોજાનાર વાઇબ્રન્‍ટ સમિટ ૨૦૨૭ ની તૈયારી સંદર્ભે મુખ્‍યમંત્રી અને મંત્રીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી આ ઉપરાંત બેઠકમાં હાજર રહેલા રાજ્‍યના પ્રદેશ પ્રમુખ વિશ્વકર્મા અને તેમની ટીમ પાસેથી પણ સંગઠનની કામગીરી વિશે અને આવનારી ૨૦૨૭ ની ચૂંટણીની તૈયારી વિશે વિગતવાર માહિતી મેળવી હતી. જોકે માહિતગાર સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ નરેન્‍દ્રભાઈ આ બેઠક દરમિયાન કોઈની સાથે ખાનગીમાં ચર્ચા ન કરી હોવાનું પણ જાણવા મળ્‍યું છે આમ છતાં વડાપ્રધાન દ્વારા યોજાયેલ આ બેઠકને લઈ રાજકીય ચર્ચાએ જોર પકડ્‍યું છે.(૪૦.૩૫)

 

(2:55 PM IST)