News of Thursday, 17th September 2026
"સ્ત્રી-દ્વેષી અને તકલાદી પત્રકારિતા!": પત્ની પલ્લવી જોશીની ઓળખ પતિ તરીકે આપતાં ન્યૂઝ પોર્ટલ પર ભડક્યા વિવેક અગ્નિહોત્રી
૪ રાષ્ટ્રીય એવોર્ડ જીતનાર સ્વતંત્ર મહિલાને પતિના નામથી વ્યાખ્યાયિત કરવી એ પિતૃસત્તાક માનસિકતાનું પ્રતીક: 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના ડિરેક્ટરે મીડિયાની સખત શબ્દોમાં ઝાટકણી કાઢી

નવી દિલ્હી, તા.૧૭: સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) ની નવી પુનર્ગઠિત સમિતિમાં જાણીતી અભિનેત્રી અને નિર્માતા પલ્લવી જોશીની સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. જોકે, આ જાહેરાત બાદ એક ન્યૂઝ પોર્ટલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર શેર કરેલા લેખમાં પલ્લવી જોશીનો ઉલ્લેખ મુખ્યત્વે 'ફિલ્મ મેકર વિવેક અગ્નિહોત્રીની પત્ની' તરીકે કર્યો હતો. પોતાના પતિના નામે પલ્લવી જોશીની ઓળખ મર્યાદિત કરવાની આ રીત જોઈને ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રી અત્યંત કોપાયમાન થયા હતા અને તેમણે સોશિયલ મીડિયા પર સંબંધિત પોર્ટલની આકરી ટીકા કરી હતી.
લેખની કેપ્શન સામે સખત વિરોધ નોંધાવતા વિવેક અગ્નિહોત્રીએ એક લાંબી પોસ્ટમાં લખ્યું કે, "આ કેવા પ્રકારની તકલાદી, દૂષિત અને સ્ત્રી-દ્વેષી પત્રકારિતા છે? પલ્લવી જોશી ચાર રાષ્ટ્રીય પુરસ્કાર (National Awards) વિજેતા અભિનેત્રી છે. તેમણે માત્ર ચાર વર્ષની ઉંમરે પોતાની એક્ટિંગ કરિયર શરૂ કરી હતી અને જ્યારે આ લેખ લખનારા ઘણા પત્રકારોનો જન્મ પણ નહોતો થયો, ત્યારે તેઓ દેશના સૌથી લોકપ્રિય ટીવી સ્ટાર્સમાંના એક હતા." તેમણે વધુમાં ઉમેર્યું કે ભારતીય નૌકાદળ પર આધારિત મહિલા-કેન્દ્રિત ટીવી શો 'આરોહણ'નું નિર્માણ કરીને તેમણે પોતાની સ્વતંત્ર ઓળખ ઊભી કરી હતી.
અગ્નિહોત્રીએ મીડિયાની માનસિકતા પર પ્રહાર કરતા જણાવ્યું કે, ચાર દાયકા સુધી સખત મહેનત કરીને પોતાની સફળતા હાંસલ કરનાર સ્વતંત્ર મહિલાને માત્ર તેના પતિના નામ સાથે જોડીને દર્શાવવી એ ઊંડી પિતૃસત્તાક માનસિકતાનું ઉદાહરણ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સમસ્યા પલ્લવી જોશીમાં નથી પરંતુ પત્રકારિતાના નામે ચાલતી આવી માનસિકતામાં છે. ઉલ્લેખનીય છે કે, CBFC ના આ નવા બોર્ડમાં પલ્લવી જોશી ઉપરાંત પ્રીતિ ઝિન્ટા, પંકજ ત્રિપાઠી, સુનીલ શેટ્ટી, પ્રિયદર્શન અને રૂપાલી ગાંગુલી જેવી દિગ્ગજ હસ્તીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
(4:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
