<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

મિશન યુપી ૨૦૨૭: અખિલેશ યાદવનો મોટો દાવ, ભાજપના જ ગઢમાં ગાબડું પાડવા 'સનાતન'ના શરણે સમાજવાદી પાર્ટી

રામ મંદિર દાન વિવાદ પર ભાજપને ઘેર્યા અને શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદના આશીર્વાદ લીધા; ઇટાવામાં ₹૫૦ કરોડના ખર્ચે ભવ્ય કેદારેશ્વર મહાદેવ મંદિર બનાવી સપાની 'હિન્દુ વિરોધી' છબી બદલવા અખિલેશ મેદાને

લખનૌ, તા. ૧૪: ઉત્તર પ્રદેશમાં વર્ષ ૨૦૨૭ માં યોજાનારી વિધાનસભા ચૂંટણી આડે હવે એક વર્ષથી પણ ઓછો સમય બાકી રહ્યો છે, ત્યારે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટી (SP) ના વડા અખિલેશ યાદવ આ વખતે ભાજપને તેના જ સૌથી મજબૂત ગઢ એટલે કે 'સનાતન અને હિન્દુત્વ'ના મુદ્દે ઘેરવા માટે એક અત્યંત વ્યૂહાત્મક માર્ગ અપનાવી રહ્યા છે. શાસન, બેરોજગારી અને ભ્રષ્ટાચાર જેવા પરંપરાગત મુદ્દાઓ પર સરકાર પર પ્રહારો કરવાની સાથે સાથે અખિલેશ યાદવ હવે સપાની જૂની છબી બદલીને 'સનાતન તરફી' બ્રાન્ડિંગ કરવા માટે પૂરેપૂરું જોર લગાવી રહ્યા છે.
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સાથેની મુલાકાત ચર્ચામાં
આ નવી રાજકીય વ્યૂહરચનાના ભાગરૂપે તાજેતરમાં જ લખનૌમાં અખિલેશ યાદવે ઉત્તરાખંડના જ્યોતિર્મઠના વડા જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સાથે ખાસ મુલાકાત કરી હતી. આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે અયોધ્યા રામ મંદિરના જમીન દાનમાં કથિત અનિયમિતતાઓનો મુદ્દો ગરમાયેલો છે.
શંકરાચાર્યને મળ્યા બાદ અખિલેશે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી લખ્યું: "પૂજ્ય શંકરાચાર્યજીના દર્શન અને આશીર્વાદ મેળવવાનો અને સનાતન ધર્મ સામેના સંકટને દૂર કરવા તેમજ ધર્મને અધર્મીઓના ચુંગાલમાંથી મુક્ત કરવા માટે અર્થપૂર્ણ ચર્ચા કરવાનો આ એક ભાગ્યશાળી ક્ષણ હતી." અખિલેશના આ શબ્દો સ્પષ્ટ સંકેત આપે છે કે તેઓ હિન્દુ ધર્મ કે મંદિરના વિરોધી નથી, પરંતુ તેઓ આ કથિત વિવાદને હિન્દુ ધર્મના નામે રાજકારણ ખેલનારા તત્વો વિરુદ્ધની લડાઈ તરીકે રજૂ કરવા માગે છે.
₹૫૦ કરોડના ખર્ચે ઇટાવામાં ભવ્ય કેદારેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ
સમાજવાદી પાર્ટી પર લાંબા સમયથી લાગતા 'હિન્દુ વિરોધી' અને લઘુમતી તુષ્ટિકરણના આરોપોનો જવાબ આપવા અખિલેશે મોટો ધાર્મિક પ્રોજેક્ટ હાથ ધર્યો છે. પોતાના વતન ઇટાવામાં યમુના નદીના કિનારે તેમણે આશરે ₹૫૦ કરોડથી વધુના ખર્ચે ભવ્ય 'કેદારેશ્વર મહાદેવ મંદિર' નું નિર્માણ કરાવ્યું છે.
•    આ મંદિર પ્રખ્યાત કેદારનાથ ધામની શૈલી પર તૈયાર થઈ રહ્યું છે.
•    મંદિર પરિસરમાં ભગવાન રામની બાળ-સ્વરૂપ મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી છે.
•    આગામી ઓગસ્ટ મહિનામાં શ્રાવણ શિવરાત્રીના પવિત્ર અવસરે આ મંદિરનું ભવ્ય ઉદ્ઘાટન થવાની સંભાવના છે.
આ મંદિર નિર્માણ પાછળનો મુખ્ય રાજકીય હેતુ એ સાબિત કરવાનો છે કે હિન્દુ ધર્મ કે સનાતન પર કોઈ એક ચોક્કસ રાજકીય પક્ષની ઈજારાશાહી નથી.
દાન વિવાદને બનાવ્યો હથિયાર: "આ શ્રદ્ધાનો નહીં, જવાબદારીનો મુદ્દો"
અયોધ્યાના રામ મંદિર નિર્માણ ભંડોળમાં કથિત ગેરરીતિઓને લઈને અખિલેશે ભાજપ સામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે દલીલ કરી છે કે આસ્થાના નામે ઉઘરાવવામાં આવેલા નાણાંની હેરાફેરી એ સમગ્ર વિશ્વના સનાતનીઓનું અપમાન છે. અખિલેશે જણાવ્યું હતું કે, "જે કોઈ પણ આના માટે જવાબદાર છે, તેણે ભગવાન રામ દ્વારા સ્થાપિત ગૌરવને ઠેસ પહોંચાડીને બહુ મોટું પાપ કર્યું છે."
જુનો ઈતિહાસ અને બ્રાહ્મણ મતો પર નજર
રસપ્રદ વાત એ છે કે, વર્ષ ૨૦૧૫ માં જ્યારે સપા સરકાર સત્તામાં હતી ત્યારે વારાણસીમાં ગણેશ મૂર્તિ વિસર્જન વિવાદ દરમિયાન સાધુઓ અને શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ પર પોલીસ લાઠીચાર્જ થયો હતો. ૨૦૨૧ માં અખિલેશે શંકરાચાર્યની રૂબરૂ મુલાકાત લઈને પોતાની જૂની ભૂલ બદલ માફી માગી હતી અને સંબંધો સુધાર્યા હતા. શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ પોતે પણ અવારનવાર ભાજપ સરકારના નિર્ણયોની ટીકા કરતા આવ્યા છે, જેના કારણે અખિલેશ માટે તેમની નિકટતા મેળવવી વધુ આસાન બની ગઈ છે.
આ ઉપરાંત, આ સનાતન કાર્ડ પાછળ ઉત્તર પ્રદેશના બ્રાહ્મણ સમુદાયને પોતાની તરફ આકર્ષવાનો પણ અખિલેશનો મોટો પ્લાન હોઈ શકે છે, જેઓ શાસક પક્ષથી કેટલાક મુદ્દે નારાજ હોવાનું મનાય છે. ૨૦૨૭ ની ચૂંટણીમાં સપાની આ સનાતન સફારી કેટલી કારગત નીવડશે તે જોવું રસપ્રદ રહેશે.

(5:13 PM IST)