<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

મિશન વર્લ્ડ કપ ક્વોલિફાયર: પ્રથમ એશિયન હોકી ફાઇવ્સ ચેમ્પિયનશિપ માટે ભારતીય ટીમોની ધમાકેદાર જાહેરાત, સરદાર સિંહ અને રાની રામપાલ માર્ગદર્શન આપશે

ઓમાનમાં રમાનારા આ મહાજંગમાં એશિયાના માંધાતાઓ ટકરાશે; દેશના યુવા હોકી સ્ટાર્સ પર ભારતને ચેમ્પિયન બનાવવાની મોટી જવાબદારી

 

 

નવી દિલ્હી, તા. 14: ભારતીય યુવા હોકી સ્ટાર્સ માટે એક સુવર્ણ તક અને રોમાંચક પ્રવાસની શરૂઆત થવા જઈ રહી છે. હોકી ઇન્ડિયાએ સત્તાવાર રીતે 20 થી 25 જુલાઈ દરમિયાન ઓમાનના મસ્કતમાં રમાનારી પ્રથમ 'FIH અંડર-18 યુથ હોકી ફાઇવ્સ એશિયન ચેમ્પિયનશિપ' માટે ભારતની સબ-જુનિયર પુરુષ અને મહિલા ટીમોની જાહેરાત કરી દીધી છે. આ ટુર્નામેન્ટ એટલા માટે અત્યંત મહત્વની છે કારણ કે તે આગામી 'FIH અંડર-18 હોકી ફાઇવ્સ વર્લ્ડ કપ' માટે એશિયાની ઓફિશિયલ ક્વોલિફાયર ટુર્નામેન્ટ છે.
પરંપરાગત હરીફ પાકિસ્તાન સહિત સાત દિગ્ગજ દેશો વચ્ચે ટક્કર
મસ્કતના મેદાન પર રમાનારી આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં પુરુષ અને મહિલા બંને વર્ગમાં એશિયાની ટોચની સાત ટીમો પોતાનું નસીબ અજમાવશે:
•    પુરુષ વર્ગ: ભારત, યજમાન ઓમાન, પાકિસ્તાન, ઈરાન, ઈરાક, સાઉદી અરેબિયા અને બાંગ્લાદેશ.
•    મહિલા વર્ગ: ભારત, પાકિસ્તાન, ઓમાન, ચીન, ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન અને ઈરાન.
રાષ્ટ્રીય કેમ્પમાંથી પસંદ કરાયા શ્રેષ્ઠ રત્નો
આ આંતરરાષ્ટ્રીય જંગ માટે ભારતીય સેના તૈયાર કરવા ભોપાલ અને ચંદીગઢ ખાતે ખાસ તાલીમ શિબિરોનું આયોજન કરાયું હતું. ભોપાલમાં મહિલા રાષ્ટ્રીય કેમ્પ અને ચંદીગઢમાં પુરુષોના કેમ્પમાં કલાકો સુધી પરસેવો પાડ્યા બાદ અંતિમ 15-15 ખેલાડીઓમાંથી વિજેતા ટીમો પસંદ કરવામાં આવી છે. મહિલા ટીમ માટે ખિલી કુમારી અને મહેક પરિહાર ગોલ પોસ્ટનું રક્ષણ કરશે, જ્યારે પુરુષોની ટીમમાં સાવન કુમાર અને આયુષ રજકને ગોલકીપર તરીકે નિયુક્ત કરાયા છે.
દિગ્ગજ કોચોનો હુંકાર: જીતથી ઓછું કશું મંજૂર નથી
ભારતીય મહિલા ટીમના મુખ્ય કોચ અને પૂર્વ સ્ટાર ખેલાડી રાનીએ જુસ્સો વધારતા કહ્યું, "અમે ઝડપ, કૌશલ્ય અને જબરદસ્ત ઉત્સાહ ધરાવતી સંતુલિત ટીમની પસંદગી કરી છે. અમારી છોકરીઓ મેદાન પર નિર્ભયતાથી રમીને ભારતનું નામ રોશન કરશે."
બીજી તરફ, પુરુષોની ટીમના મુખ્ય કોચ અને ભારતીય હોકીના લેજન્ડ સરદાર સિંહે આક્રમક રણનીતિનો સંકેત આપતા જણાવ્યું, "હોકી ફાઇવ્સ એ ખૂબ જ ઝડપી અને દબાણ હેઠળ સંયમ રાખવાની રમત છે. અમારા યુવા ખેલાડીઓ પ્રથમ મિનિટથી જ આક્રમક હોકી રમી વિરોધીઓને પરાસ્ત કરવા તૈયાર છે."
પડકાર માટે સજ્જ ભારતીય સેના (ટીમ યાદી):
ભારતીય મહિલા ટીમ:
•    ગોલકીપર્સઃ ખિલી કુમારી, મહેક પરિહાર
•    ડિફેન્ડર્સ: નીલમ ટોપનો, કિરણ એક્કા
•    મિડફિલ્ડર્સઃ દિયા, પુષ્પા માંઝી, શ્રુતિ કુમારી
•    ફોરવર્ડ્સ: નૌશીન નાઝ, સંદીપ કુમારી, સ્વીટી કુજુર (કેપ્ટન)
ભારતીય પુરૂષ ટીમ:
•    ગોલકીપર્સઃ સાવન કુમાર, આયુષ રજક
•    ડિફેન્ડર્સઃ કરણ ગૌતમ, આશિષ તાની પૂર્તિ
•    મિડફિલ્ડર્સઃ રાહુલ યાદવ, રોમિત પાલ
•    ફોરવર્ડ્સઃ કેતન કુશવાહા (કેપ્ટન), પ્રહલાદ રાજભર, અર્શદીપ સિંહ, શાહરૂખ અલી.

(3:57 PM IST)