News of Tuesday, 30th June 2026
દેશના અર્થતંત્ર માટે મિશ્ર સંકેતો: એપ્રિલ-મે મહિનામાં ભારતની રાજકોષીય ખાધ ₹૧.૬૨ લાખ કરોડ નોંધાઈ; પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે મૂડીખર્ચ વધીને થયો ₹૨.૫૧ લાખ કરોડ!
ઉચ્ચ કર વસૂલાત અને ટેક્સ સિવાયની આવકે સરકારની તિજોરીને આપ્યો મજબૂત ટેકો; મે મહિનામાં સરકારે નોંધાવ્યું ₹૨ લાખ કરોડનું મોટું રાજકોષીય સરપ્લસ

નવી દિલ્હી : ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ ના પ્રથમ બે મહિનામાં ભારત સરકારના નાણાકીય સરવૈયાના સત્તાવાર આંકડા જાહેર થઈ ગયા છે. કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ (CGA) દ્વારા જારી કરાયેલા ડેટા અનુસાર, એપ્રિલ અને મે મહિનામાં દેશની રાજકોષીય ખાધ (Fiscal Deficit) ₹૧.૬૨ લાખ કરોડ રહી છે. જોકે, આ ગાળામાં દેશના આર્થિક વિકાસને ગતિ આપવા માટે જરૂરી એવા સરકારી મૂડીખર્ચ (Capex) માં વાર્ષિક ધોરણે નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જેને ટેક્સ કલેક્શન અને નોન-ટેક્સ રેવન્યુના મજબૂત આંકડાઓથી સારો સપોર્ટ મળ્યો છે.
ખાધમાં વધારો છતાં મૂડીખર્ચમાં તેજી
સરકારી આંકડાઓ મુજબ, ગયા વર્ષના સમાન સમયગાળામાં (જ્યારે રાજકોષીય ખાધ માત્ર ₹૧૩,૨૦૦ કરોડ હતી) ની સરખામણીએ આ વર્ષે શરૂઆતના બે મહિનામાં ખાધ વધીને ₹૧.૬૨ લાખ કરોડ થઈ છે. આનું મુખ્ય કારણ કુલ સરકારી ખર્ચમાં થયેલો ૧૮ ટકાનો મોટો વધારો છે.
રાહતની વાત એ છે કે, સરકારે આ નાણાંનો મોટો હિસ્સો દેશના વિકાસ કાર્યોમાં વાપર્યો છે. નાણાકીય વર્ષના પ્રથમ બે મહિના દરમિયાન દેશનો મૂડી ખર્ચ (રોડ, રેલવે જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર થતો ખર્ચ) ૧૩.૪ ટકા વધીને ₹૨.૫૧ લાખ કરોડ થયો છે, જે ગયા વર્ષે સમાન ગાળામાં ₹૨.૨૧ લાખ કરોડ હતો.
મે મહિનામાં સરકારે મેળવ્યું મોટું 'સરપ્લસ'
· ટેક્સમાંથી કમાણી: એપ્રિલ-મે મહિના માટે સરકારની કુલ કર આવક (ચોખ્ખી કર વસૂલાત) ₹૫.૨૫ લાખ કરોડ રહી છે, જે ગયા વર્ષે ₹૫.૧૫ લાખ કરોડ હતી.
· મે મહિનાનો ચમકારો: માત્ર મે મહિનાની વાત કરીએ તો, સરકારે ₹૨ લાખ કરોડનું મોટું રાજકોષીય સરપ્લસ (બચત) નોંધાવ્યું છે, જે ગયા વર્ષના મે મહિનાના ₹૧.૭૩ લાખ કરોડના સરપ્લસ કરતાં ઘણું વધારે છે.
· બિન-કર આવકમાં ઉછાળો: મે મહિના દરમિયાન ટેક્સ સિવાયની અન્ય સોર્સમાંથી થતી આવક (બિન-કર આવક) વધીને ₹૩.૨૭ લાખ કરોડ થઈ ગઈ છે, જે ગયા વર્ષે ₹૨.૯૦ લાખ કરોડ હતી.
જીડીપી (GDP) ગ્રોથને મળશે મોટો બૂસ્ટર ડોઝ
રેટિંગ એજન્સી ICRA ના મુખ્ય અર્થશાસ્ત્રી અદિતિ નાયરના જણાવ્યા અનુસાર, એપ્રિલ-મે દરમિયાન કેન્દ્રની રાજકોષીય ખાધ ચાલુ વર્ષના બજેટ અંદાજના ૯.૬ ટકા સુધી પહોંચી ગઈ છે. જોકે, શરૂઆતના મહિનાઓમાં મૂડી ખર્ચમાં થયેલો ૧૩.૪ ટકાનો વધારો ચાલુ ક્વાર્ટરમાં દેશના જીડીપી (GDP) ગ્રોથ રેટને મજબૂત ટેકો આપશે.
આગળ જતાં, પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલો તણાવ ઓછો થતાં વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલ અને ઉર્જાના ભાવોમાં જે તીવ્ર ઘટાડો થયો છે, તેનાથી ભારત સરકારની નાણાકીય સ્થિતિ આગામી સમયમાં વધુ મજબૂત બનશે તેવી આશા છે. પરિણામે, નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ ના અંત સુધીમાં ભારત સરકાર પોતાના બજેટ લક્ષ્યાંક (GDP ના ૪.૩ ટકા ખાધ) ની ખૂબ જ નજીક સફળતાપૂર્વક પહોંચી જશે.
(8:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
