News of Wednesday, 17th June 2026
કોઈપણ એપ ડાઉનલોડ કર્યા વગર જ મોબાઇલ સ્ક્રીન શેર થઈ ગઈ અને ૪ મિનિટમાં ૧૦ લાખ રૂપિયા ઊપડી ગયા
ગુજરાતી CAને વિડિયો-કોલ કરીને ગઠિયો છેતરી ગયો

મુંબઇ તા.૧૭: ઘાટકોપર-ઈસ્ટના પંતનગર વિસ્તારમાં જાણીતી સોસાયટીમાં રહેતા ૩૮ વર્ષના ગુજરાતી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ (CA)ના મોબાઇલની સ્ક્રીન શેર કરાવી સાઇબર ગઠિયાઓએ તેમનાં બેન્ક-ખાતાંમાંથી બે ટ્રાન્ઝેક્શનમાં ૧૦ લાખ રૂપિયા ઉપાડી લીધા હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે પંતનગર પોલીસે ગઈ કાલે ઘટનાની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સાઇબર ગઠિયાએ ફરિયાદીને વોટ્સએપ વિડિયો કોલ કરીને ટેક્રિકલ પ્રક્રિયા સમજાવવાના બહાને મોબાઇલની સ્ક્રીન શેર કરાવી લીધી હતી. ફરિયાદી યુવાનના મોબાઇલની સ્ક્રીન કઈ રીતે શેર કરી લીધી એ વિશે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, કારણ કે ફરિયાદીએ પોતાના મોબાઇલમાં અન્ય કોઈ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોવાથી સામાન્ય રીતે મોબાઇલની સ્ક્રીન શેર થવી ખૂબ જ મુશ્કેલ છે.
ઘાટકોપર-ઈસ્ટના પંતનગરની એક જાણીતી સોસાયટીમાં રહેતા ગુજરાતી CAની પત્નીને ૧૩ જૂનની બપોરે વોટ્સએપ પર એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો. એમાં ધમકી આપવામાં આવી હતી કે જો મહાનગર ગેસ લિમિટેડ (MGL)નું મીટર-રીડિગ તાત્કાલિક અપલોડ નહીં કરવામાં આવે તો એ જ રાતે ૧૦.૨૫ વાગ્યે ગેસ-કનેક્શન કાપી નાખવામાં આવશે.
ગેસ-કનેક્શન કપાઈ જવાની બીકે ગુજરાતી CAએ મેસેજમાં આપેલા નંબર પર વિક્રમ ઓબેરોયનો સંપર્ક કર્યો અને તેમના કહેવા મુજબ ગેસ-મીટરના રીડિગનો ફોટો વોટ્સએપ પર મોકલી આપ્યો હતો.
ત્યાર બાદ સાઇબર ગઠિયાએ અન્ય એક વોટ્સએપ નંબર પરથી વિડિયો-કોલ કર્યો અને ગેસ-કંપનીની વેબસાઇટ પર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા સમજાવવાના બહાને ફરિયાદી પાસે તેમના જ ફોનની સ્ક્રીન શેર કરાવી લીધી હતી. આ ટેક્રિકથી ગઠિયાને તેમના ફોનનો સંપૂર્ણ ઍક્સેસ મળી ગયો હતો.
ફરિયાદી જ્યારે ગૂગલ પર પ્રોસેસ કરી રહ્યા હતા ત્યારે સ્ક્રીન-શેરિગ ચાલુ હોવાથી તેમના ફોન પર આવેલા પાંચ-પાંચ લાખનાં બે ટ્રાન્ઝેક્શનના બ્વ્ભ્ સાઇબર ગઠિયાઓ જોઈ ગયા હતા જેની મદદથી ફરિયાદીના ખાતામાંથી માત્ર ૪ મિનિટમાં ૧૦ લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. બેન્કમાંથી પૈસા કપાયાનો મેસેજ આવતાં જ ફરિયાદીએ તરત બેન્કના કસ્ટમર કેરનો સંપર્ક કરી ખાતાં બ્લોક કરાવ્યાં હતાં અને ત્યાર બાદ તેમણે સાઇબર હેલ્પલાઇન ૧૯૩૦ પર ઑનલાઇન ફરિયાદ નોંધાવી હતી અને ત્યાર બાદ પંતનગર પોલીસ-સ્ટેશને રૂબરૂ જઈ ફરિયાદ નોંધાવી છે. પોલીસ હાલમાં વોટ્સએપ-ધારકો અને બેન્ક-ખાતાની તપાસ ચલાવી રહી છે.
(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
