<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th August 2026

મોજતબા ખામેનીનો ગલ્ફ દેશોને સળગતો આદેશ: 'યુએસ-ઈઝરાયલ સામે એક થાઓ : સાચા દુશ્મનને ઓળખો'

છ મહિના પૂરા થવા પર શિયા મુસ્લિમો દ્વારા પયગંબર મુહમ્મદની જન્મજયંતિ નિમિત્તે બહાર પાડવામાં આવેલા આકરા લેખિત સંદેશમાં મુસ્લિમ દેશો વચ્ચે આંતરિક મતભેદો દૂર કરી એકતા સાધવા અપીલ કરાઈ

તેહરાન:  મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભયાનક યુદ્ધના છ મહિના પૂર્ણ થવાના અવસરે ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનીએ ગલ્ફ તથા પશ્ચિમ એશિયાના તમામ મુસ્લિમ દેશોને સંબોધીને એક અત્યંત કડક અને મહત્વપૂર્ણ લેખિત સંદેશ જારી કર્યો છે. પયગંબર મુહમ્મદની જન્મજયંતિ નિમિત્તે ઈસ્લામિક યુનિટી વીક દરમિયાન જારી કરાયેલા આ સંદેશમાં ખામેનીએ ગલ્ફ શાસકોને તેમના 'સાચા દુશ્મન' એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈઝરાયલની વ્યૂહરચના સમજીને તેમની સામે એક થઈને મજબૂતીથી લડવા હાકલ કરી છે. તેમણે ઉમેર્યું હતું કે જાણી જોઈને કે અજાણતાં મુસ્લિમોમાં વિભાજન કે સંઘર્ષ ઉભો કરતી કોઈપણ વ્યક્તિ માત્ર ઈસ્લામના દુશ્મનોના સ્વાર્થ અને હેતુઓને પૂર્ણ કરી રહી છે.

નોંધનીય છે કે ફેબ્રુઆરીના અંતમાં યુએસ-ઈઝરાયલના મિસાઈલ હુમલામાં પિતા અલી ખામેનીના અવસાન બાદ મોજતબા ખામેનીએ ઈરાનની કમાન સંભાળી હતી. જોકે, સત્તા પર આવ્યા પછી તેઓ સુરક્ષા કારણોસર એક પણ વાર સાર્વજનિક રૂપે સામે આવ્યા નથી કે તેમનો કોઈ વિડીયો કે ઓડિયો સામે આવ્યો નથી. આ યુદ્ધ દરમિયાન ઈરાને સાઉદી અરેબિયા, યુએઈ, જોર્ડન, કુવૈત, કતાર અને બહેરીનમાં સ્થિત અમેરિકી સૈન્ય મથકોને પણ નિશાન બનાવ્યા હતા, જેના કારણે ગલ્ફ રાષ્ટ્રો સાથે ઈરાનના રાજદ્વારી સંબંધો તણાવપૂર્ણ બન્યા છે. તેવામાં તેમણે ગલ્ફ દેશોને સીધો પ્રશ્ન કર્યો હતો કે જો તેઓ ઈસ્લામના ઝંડા હેઠળ એક હોત તો કોઈ તેમની સંપત્તિઓ પર ખરાબ નજર નાખવાની હિંમત ન કરી શક્યું હોત.

સુપ્રીમ લીડરે માત્ર બહારના દેશો જ નહીં, પરંતુ ઈરાનની જનતા અને સ્થાનિક અધિકારીઓને પણ પોતાના તમામ આંતરિક અને રાજકીય મતભેદો ભૂલીને દેશની સામાજિક એકતા જાળવી રાખવા વિનંતી કરી છે. તેમણે શુક્રવારે આપેલા પોતાના નિવેદનને દોહરાવતા સ્પષ્ટપણે જાહેર કર્યું હતું કે રાષ્ટ્રીય અને સામાજિક એકતાને નુકસાન પહોંચાડે તેવા કોઈપણ કૃત્ય પર ઈરાનમાં સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ સાથે જ તેમણે ઈરાની અર્થતંત્રને મજબૂત કરવા માટે ડોલર પરની નિર્ભરતા ઘટાડવા અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા પર પણ ભાર મૂક્યો હતો.

(7:28 PM IST)