તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 21st November 2026
મોનોપોલી કોઈને પણ નોકરી આપતી નથી, ઉલટાની મોંઘવારી વધારેઃ રાહુલ
ઉદ્યોગપતિઓની ભૂખનો કટાક્ષ પીએમની પોતાની કબૂલાતઃ કોંગ્રેસ :ઘૂંટણીયે પડી જનારા વડાપ્રધાન ક્યારેય ટ્રમ્પ, જાનિપિગ, પુતિન સાથે એક ટેબલ પર ના બેસી શકેઃ કોંગ્રેસ નેતાનો આક્ષેપ

શિકાગો/ નવી દિલ્હી,તા.૨૧: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિક્કીના શતાબ્દી કાર્યક્રમમાં મોટા ઉદ્યોગપતિઓની આકરી ઝાટકણી કાઢી હતી. આ મુદ્દે હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર જ નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, ઉદ્યોગપતિઓ પરના આરોપ યોગ્ય નથી, પરંતુ આ સરકારની કબૂલાત છે. દેશના મોટો સંશાધનો કેટલાક પસંદગીના ઉદ્યોગપતિઓને સોંપવામાં આવી રહ્યા છે, તેનાથી નાના વેપારીઓ માટે સ્પર્ધા કરવી મુશ્કેલ થઈ ગયું છે. રાહુલે આક્ષેપ કર્યો કે, મોનોપોલી ક્યારેય નોકરીઓ આપતી નથી. ઉલટાનું મોંઘવારી વધારે છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસે છે ત્યારે ફિક્કીના શતાબ્દી કાર્યક્રમમાં પીએમ મોદીએ કોર્પોરેટ ટેક્સમાં રાહત મળવાછતાં દેશમાં નોકરીઓનું સર્જન નહીં કરવા, સ્વદેશી કાર્યક્રમને નહીં અપનાવવા તેમજ કૃષિ ક્ષેત્રમાં રોકાણ નહીં કરવા બદેલ ઉદ્યોગપતિઓની ઝાટકણી કાઢી હતી. આ મુદ્દે રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પોસ્ટ કરી લખ્યું, સરકાર પોતે કબૂલે છે કે ટેક્સમાં રાહતનો ફાયદો કર્મચારીઓ સુધી પહોંચ્યો નથી તો જવાબદારી કોની?
તેમણે ઉમેર્યું કે, એરપોર્ટ, બંદરો, ખાણ, જંગલ, વીજળી, કોલસો અને રસ્તા જેવા સંશાધનો કેટલાક પસંદગીના ઉદ્યોગપતિઓના હાથમાં જઈ રહ્યા છે. તેમણે સવાલ કર્યો કે, આ કંપનીઓએ દેશમાં કેટલા લોકોને રોજગાર આપ્યો? આ સિવાય તેમણે નાના વેપારીઓ અને એમએસએમઈ ઉદ્યોગોની મુશ્કેલી મુદ્દો પણ ઉઠાવ્યો.
રાહુલે સોશિયલ મીડિયા પર લખ્યું, મોટી કંપનીઓ સાથે સ્પર્ધા કરનારી અન્ય કંપનીઓ માટે પણ કારોબારની તકો ઘટાડી દેવાઈ. મોનોપોલી નોકરી નથી આપતી, મોંઘવારી વધારે છે અને સ્પર્ધા ખતમ કરે છે. બજારમાં કેટલીક કંપનીઓનું પ્રભુત્વ વધે તો અન્ય કંપનીઓ માટે ટકવું મુશ્કેલ થઈ જાય છે. તેની અસર રોજગાર અને સામાન્ય લોકો પર પણ પડે છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ ચીનના શેનઝેનમાં ટ્રમ્પ, જિનપિગ અને પુતિનની પહેલી ત્રિપક્ષીય બેઠક મુદ્દે પણ વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. શેનઝેનની ત્રિપક્ષીય બેઠકનો ફોટો પોસ્ટ કરતા રાહુલે લખ્યું હતું કે, ઘૂંટણીયે પડી જનારા વડાપ્રધાન ક્યારેય આ ટેબલ પર આ નેતાઓ સાથે બેસી શકે નહીં. દેશમાં કોંગ્રેસ સત્તા પર હોત તો ભારતના વડાપ્રધાન ડોનાલ્ડ ટ્રમ્પ, શી જિનપિગ અને વ્લાદિમિર પુતિન સાથે ટેબલ પર બેઠા હોત.
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
