<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

આગામી 2 થી 3 દિવસમાં ચોમાસું આગળ વધશે : કેરળ અને તામિલનાડુમાં ભારે વરસાદની ચેતવણી

આગામી 3 થી 4 દિવસ સુધી મધ્ય ભારત અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં હીટવેવ (લૂ)થી લઈને સિવિયર હીટવેવ (અતિ ભારે લૂ)ની સ્થિતિ યથાવત રહેવાની સંભાવના

નવી દિલ્હી :સમગ્ર દેશમાં કાળઝાળ ગરમી અને અસહ્ય લૂના કારણે હાહાકાર મચેલો છે, ત્યારે બીજી તરફ હવામાન પ્રેમીઓ માટે રાહતના મોટા સમાચાર આવ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આગામી 2 થી 3 દિવસમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ એકદમ સાનુકૂળ બની રહી છે. જોકે, ત્યાં સુધી મધ્ય અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં સિવિયર હીટવેવનો પ્રકોપ યથાવત રહેશે.

IMD દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર વિગતો અનુસાર, આગામી 3 થી 4 દિવસ સુધી મધ્ય ભારત અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં હીટવેવ (લૂ)થી લઈને સિવિયર હીટવેવ (અતિ ભારે લૂ)ની સ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે. આ ઉપરાંત પૂર્વ અને દક્ષિણ દ્વીપકલ્પ ભારતના વિસ્તારોમાં પણ આગામી 2 થી 3 દિવસ સુધી સખત ગરમીથી કોઈ મોટી રાહત મળવાના સંકેત નથી.

એક તરફ જ્યારે અડધો દેશ ગરમીમાં શેકાઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે પૂર્વોત્તર ભારત અને તેની આસપાસના પૂર્વ ભારતના વિસ્તારોમાં આગામી 2 થી 3 દિવસ દરમિયાન છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. કેરળ અને તમિલનાડુમાં પણ 26 મે બાદ ભારે વરસાદ ખાબકવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ ઉપરાંત બિહારમાં છૂટાછવાયા સ્થળોએ કરા પડવાની પણ શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું દેશ તરફ આગળ વધવા માટે સ્થિતિ એકદમ સાનુકૂળ બની રહી છે. આગામી 2 થી 3 દિવસમાં ચોમાસું દક્ષિણ-પશ્ચિમ અને દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર, માલદીવ્સ, કોમોરિન વિસ્તાર અને બંગાળની ખાડીના વધુ ભાગોમાં આગળ વધે તેવી પ્રબળ સંભાવના છે, જે ટૂંક સમયમાં જ ગરમીથી કાયમી રાહત અપાવશે.

હવામાન વિભાગના બુલેટિન અનુસાર, 26 મે 2026ના રોજ બહાર પાડવામાં આવેલા અહેવાલમાં સામાન્ય નાગરિકો માટે એક રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. આગામી 29 મે 2026થી મહત્તમ તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થવાની શરૂઆત થશે, જેના કારણે મધ્ય ભારત, ઉત્તર-પશ્ચિમ ભારત અને પૂર્વ ભારતના મોટાભાગના વિસ્તારોમાં હીટવેવના પ્રકોપમાંથી નોંધપાત્ર મુક્તિ મળી શકે છે. જોકે, ત્યાં સુધી લોકોને બપોરના સમયે સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

દેશના અનેક રાજ્યોમાં ગરમીએ માઝા મૂકી છે ત્યારે પ્રશાસન દ્વારા રેડ અને ઓરેન્જ એલર્ટના આધારે જરૂરી પગલાં લેવાની સૂચના અપાઈ છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, પૂર્વ મધ્ય પ્રદેશ અને વિદર્ભના વિસ્તારોમાં અતિ ગંભીર હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. ખાસ કરીને શહેરી વિસ્તારો અને નાજુક સ્વાસ્થ્ય ધરાવતા લોકો માટે આગામી થોડા દિવસો ખૂબ જ પડકારજનક સાબિત થશે.

(7:47 PM IST)