<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th October 2026

નવરાત્રિમાં વૈષ્ણોદેવીનાં દર્શને ૩.૮૧ લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઊમટ્યા: વાર્ષિક યાત્રાનો એક કરોડનો આંકડો પાર કરવા વર્ષના છેલ્લા ત્રણ મહિનામાં ૨૬.૬૨ લાખ યાત્રાળુઓ જરૂરી

જમ્મુ, તા. ૨૦ ઓક્ટોબરઃ શારદીય નવરાત્રિ દરમિયાન માતા વૈષ્ણોદેવીના દરબારમાં શ્રદ્ધાળુઓનો ભારે ધસારો રહ્યો હતો. ૧૧થી ૧૯ ઓક્ટોબર સુધીમાં ૩.૮૧ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યાં હતાં. યાત્રાળુઓની સારી આવકથી કટડાના હોટેલ, વેપાર અને પ્રવાસન વ્યવસાયને પણ વેગ મળ્યો છે.

શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડના જણાવ્યા મુજબ, નવરાત્રિના પ્રથમ આઠ દિવસમાં જ લગભગ ૩.૬૨ લાખ શ્રદ્ધાળુઓ નોંધાયા હતા. આ વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં કુલ ૭૩.૩૮ લાખ શ્રદ્ધાળુઓ માતાના દરબારમાં પહોંચ્યા છે. વાર્ષિક યાત્રા એક કરોડ સુધી પહોંચાડવા ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન વધુ ૨૬.૬૨ લાખ શ્રદ્ધાળુઓની જરૂર રહેશે.

જોકે, વર્ષ ૨૦૧૨નો ઐતિહાસિક વિક્રમ તોડવો વધુ પડકારજનક છે. તે વર્ષે ૧,૦૪,૯૫,૨૬૯ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યાં હતાં. આ આંકડો વટાવવા વર્ષના છેલ્લા ત્રણ મહિનામાં આશરે ૩૧.૫૭ લાખથી વધુ યાત્રાળુઓ આવવા જરૂરી છે. નવરાત્રિની ઉત્સાહજનક આવક છતાં નવો વિક્રમ સર્જાશે કે નહીં, તે વર્ષના અંતિમ મહિનાઓની યાત્રા પર નિર્ભર રહેશે. (સુરેશ એસ. ડુગ્ગર)

(5:49 PM IST)