News of Monday, 13th July 2026
મધ્યપૂર્વમાં વધુ એક યુદ્ધનો ભડકો: સાઉદી અરેબિયાના ફાઇટર જેટ્સે યમનના સના એરપોર્ટ પર ઝીંક્યા બોમ્બ: હુથી બળવાખોરોની ભયંકર બદલો લેવાની ધમકી
ઈરાની વિમાનને ઉતરતું રોકવા રનવે પર કરાયેલા ભીષણ હવાઈ હુમલાથી ખાડી દેશોમાં સનસનાટી : વર્ષોની શાંતિ બાદ ફરી સળગ્યું યમન અને એરપોર્ટ સંપૂર્ણપણે ઠપ્પ થતાં લાખો લોકો પર ભૂખમરાનું સંકટ

સના: વિશ્વ હજી રશિયા-યુક્રેન અને અમેરિકા-ઈરાન વચ્ચેના સૈન્ય સંઘર્ષની ચિંતામાંથી બહાર આવ્યું નથી, ત્યાં જ મધ્યપૂર્વ ના વધુ એક સંવેદનશીલ વિસ્તાર યમનમાં યુદ્ધની ભયાનક ચિનગારી ભડકી ઉઠી છે. યમનના શક્તિશાળી અને ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ દાવો કર્યો છે કે સાઉદી અરેબિયાની વાયુસેનાએ રાજધાની સનાના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તીવ્ર હવાઈ હુમલા કરીને આખા વિસ્તારને ધણધણાવી મૂક્યો છે. હુથી સૈન્યના પ્રવક્તા યાહ્યા સરીએ એક સત્તાવાર નિવેદન જારી કરીને ગર્જના કરી છે કે સાઉદી સરકારે આ હુમલો કરીને શાંતિના તમામ પ્રયાસો પર પાણી ફેરવી દીધું છે અને આના ભયંકર પરિણામો ભોગવવા માટે રિયાધ (સાઉદી અરેબિયા) સંપૂર્ણપણે તૈયાર રહે, આ કાયરતાપૂર્ણ હુમલાનો એવો સણસણતો બદલો લેવાશે કે સાઉદી તેને ક્યારેય ભૂલી નહીં શકે.
બીજી તરફ, સાઉદી અરેબિયા અને ખાડી દેશોના પીઠબળથી એડન (દક્ષિણ કિનારા) પરથી શાસન ચલાવતી યમનની સત્તાવાર સરકારે આ હુમલાની પુષ્ટિ કરતા એક અલગ જ વળાંક આપ્યો છે. સરકારનો દાવો છે કે ઈરાનનું એક વિમાન યમનની હવાઈ સરહદનું ઉલ્લંઘન કરીને સના એરપોર્ટ પર ગેરકાયદેસર રીતે ઉતરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. હુથી આતંકવાદીઓએ યમનના પોતાના રાષ્ટ્રીય વિમાનને ઉતરતા રોકીને આ ઈરાની પ્લેન માટે રસ્તો કર્યો હતો, જેના જવાબમાં આ ઈરાની વિમાનનું લેન્ડિંગ રોકવા માટે જ એરપોર્ટના મુખ્ય રનવેને ફાઈટર જેટ્સ દ્વારા નિશાન બનાવવામાં આવ્યો હતો. જો કે, હુથી પ્રવક્તાએ આ દાવાને નકારી કાઢતા કહ્યું કે તે વિમાનમાં ૨૦૦ થી વધુ બીમાર, ઘાયલ અને વિદેશમાં ફસાયેલા સામાન્ય યમની નાગરિકો સવાર હતા અને સાઉદીએ તેમને જાણીજોઈને મોત સમાન સંકટમાં ધકેલ્યા છે.
આ ભયાનક બોમ્બમારો ખાડી દેશોમાં એક નવું અને મોટું મહાયુદ્ધ શરૂ કરાવી શકે છે, કારણ કે છેલ્લા કેટલાક વર્ષોથી સાઉદી અરેબિયા અને હુથીઓ વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ માંડ-માંડ શાંત પડ્યો હતો. આ હુમલા બાદ સના આંતરરાષ્ટ્રીય એરપોર્ટને તમામ પ્રકારની ફ્લાઇટ્સ માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે યુદ્ધગ્રસ્ત યમનમાં દવા, અનાજ અને અન્ય જરૂરી માનવતાવાદી સહાય પહોંચાડવાના તમામ રસ્તા બ્લોક થઈ ગયા છે. સંરક્ષણ મંત્રાલયે પહેલેથી જ તમામ સ્થાનિક નાગરિકો, કર્મચારીઓ અને વિદેશી રાજદ્વારી મિશનોને એરપોર્ટની આસપાસનો વિસ્તાર તાત્કાલિક ખાલી કરી દેવા હાઈ એલર્ટ જાહેર કર્યું છે, જેના કારણે સમગ્ર દેશમાં અત્યારે ભારે દહેશત અને ભયનો માહોલ ફેલાયો છે.
(7:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
