<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

નેધરલેન્ડ્સમાં મેડિકલ ઇતિહાસની સૌથી સંવેદનશીલ ઘટના: ૧ થી ૧૨ વર્ષના ગંભીર બીમાર બાળકને કાયદાકીય રીતે અપાઈ 'ઇચ્છામૃત્યુ'; દેશમાં પ્રથમ કેસ નોંધાતા ચર્ચા જાગી

ડચ સ્વાસ્થ્ય મંત્રી સોફી હર્મન્સે સંસદમાં પત્ર લખીને કરી સત્તાવાર પુષ્ટિ: ૨૦૨૪માં કાયદો બદલાયા બાદ આ વયજૂથમાં ડૉક્ટરની સહાયથી જીવનનો અંત આણવાનો આ દેશનો પહેલો કિસ્સો

એમસ્ટરડેમ : યુરોપિયન દેશ નેધરલેન્ડ્સમાંથી તબીબી જગત અને માનવ અધિકારો સાથે જોડાયેલા એક અત્યંત આઘાતજનક અને ઐતિહાસિક સમાચાર સામે આવ્યા છે. નેધરલેન્ડ્સમાં ઇતિહાસમાં પહેલીવાર ૧ થી ૧૨ વર્ષની વય વચ્ચેના એક અસાધ્ય અને જીવલેણ બીમારીથી પીડાતા બાળકને ડૉક્ટરોની સહાયથી સત્તાવાર રીતે 'ઇચ્છામૃત્યુ' (Physician-Assisted Death) આપવામાં આવી છે. ડચ સરકારના સ્વાસ્થ્ય, કલ્યાણ અને રમતગમત મંત્રી સોફી હર્મન્સે સંસદના નીચલા ગૃહ (હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ) ને લખેલા પત્રમાં આ સંવેદનશીલ ઘટનાનો ખુલાસો કર્યો છે.

આ કેસ સામે આવ્યા બાદ સમગ્ર યુરોપ અને વિશ્વભરમાં મેડિકલ એથિક્સ (તબીબી નૈતિકતા) ને લઈને ફરી એકવાર નવી ચર્ચા ફાટી નીકળી છે. નેધરલેન્ડ્સમાં ૨૦૨૪થી જ જીવલેણ બીમારીઓથી પીડાતા ૧ થી ૧૨ વર્ષના બાળકો માટે ચોક્કસ અને અત્યંત કડક નિયમો હેઠળ ઇચ્છામૃત્યુને કાયદેસરની મંજૂરી આપવામાં આવી હતી, જેનો અમલ આ પ્રથમ કેસ સાથે સપાટી પર આવ્યો છે.

બાળકની ઓળખ અને બીમારી ગુપ્ત રખાઈ

સ્વાસ્થ્ય મંત્રી સોફી હર્મન્સે સંસદને મોકલેલા પત્રમાં જણાવ્યું હતું કે, ગયા વર્ષના અંતમાં આ કેસની સમીક્ષા કરતી સરકારી નિષ્ણાત સમિતિ સમક્ષ આ બાબત લાવવામાં આવી હતી. કાયદો બન્યા બાદ ૧ થી ૧૨ વર્ષના બાળક માટેની આ પ્રથમ સત્તાવાર નોટિસ હતી. જોકે, ગોપનીયતા અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને સરકારે આ માસૂમ બાળકની ઓળખ, લિંગ કે તેની બીમારી વિશે કોઈ પણ વિગતો જાહેર કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. પત્રમાં માત્ર કાયદાકીય પ્રક્રિયા હેઠળ "જીવનનો અંત" આણવાનો ઉલ્લેખ કરાયો છે.

હાઈ-લેવલ કમિટી અને સરકારી વકીલો કરશે સમીક્ષા

કાયદાકીય પાલનની આકરી તપાસ

પ્રાપ્ત વિગતો અનુસાર, દર બે મહિને મળતી તબીબી નિષ્ણાતોની વિશેષ સમિતિએ આ કેસ પર વિસ્તૃત ચર્ચા કરી છે અને ૨૦૨૬ની શરૂઆતની બેઠકો દરમિયાન સંબંધિત ચિકિત્સક (ડૉક્ટર) ની જુબાની પણ સાંભળી છે. કાયદાની જોગવાઈ મુજબ, આ સમિતિ એ બાબતની ઝીણવટભર્યા તપાસ કરી રહી છે કે ડૉક્ટરે પ્રક્રિયા દરમિયાન તમામ નિર્ધારિત મેડિકલ ગાઈડલાઈન્સ અને પ્રોટોકોલનું પાલન કર્યું હતું કે નહીં. આ ઉપરાંત, સરકારી વકીલો પણ આ મામલાની સ્વતંત્ર સમીક્ષા કરીને પોતાનો આખરી ચુકાદો આપશે, જેના તારણો ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે.

નેધરલેન્ડ્સ અગાઉથી જ ઇચ્છામૃત્યુના કાયદાઓ માટે વિશ્વભરમાં ઉદાર માનવામાં આવે છે, પરંતુ માસૂમ બાળકોને આ કાયદા હેઠળ આવરી લેવાના નિર્ણય પર હંમેશાં નૈતિક અને ધાર્મિક સંગઠનો દ્વારા સવાલો ઉઠાવવામાં આવતા રહ્યા છે. આ પ્રથમ કેસના અમલીકરણ બાદ હવે વૈશ્વિક સ્તરે આ કાયદાની અસરો પર તીવ્ર નજર રાખવામાં આવી રહી છે.

(8:57 PM IST)