<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

મોસ્ટ વોન્ટેડ આતંકી તારિક ખાનની પુત્રી ATSની રડારમાં: મુંબ્રાની ૧૯ વર્ષીય યુવતીએ જૂનો પાસપોર્ટ અને નામ છુપાવી મેળવ્યો નવો પાસપોર્ટ!

ઈન્ડિયન મુજાહિદ્દીન (IM) અને SIMIના ફરાર આતંકી પિતા સાથેના સબંઘો તથા વિદેશ પ્રવાસ અંગે તપાસ તેજ; ATSની પ્રાથમિક તપાસ બાદ મુંબ્રા પોલીસે નોંધી FIR

મુંબઈ : મહારાષ્ટ્ર એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) દ્વારા મુંબ્રામાં રહેતી ૧૯ વર્ષીય નમીરાહ તારિક ખાન નામની યુવતીના પાસપોર્ટ અને વિદેશ પ્રવાસના ઈતિહાસની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના લખનૌથી અગાઉ જારી કરાયેલા પાસપોર્ટની વિગતો અને ઓળખ છુપાવીને મુંબ્રાના સરનામે નવો પાસપોર્ટ મેળવવાનો પર્દાફાશ થતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. યુવતીએ પોતાના નામમાં ફેરફાર કરવાની સાથે માતાનું નામ પણ બદલી નાખ્યું હોવાનું સામે આવ્યું છે, જેના પગલે મુંબ્રા પોલીસે તેની સામે પાસપોર્ટ એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર (FIR) નોંધી છે.

 

તપાસ એજન્સીઓને આશંકા છે કે નમીરાહના આઈડી દસ્તાવેજોમાં કરવામાં આવેલા ફેરફારો તેના ફરાર પિતા તારિક ખાન સાથે જોડાયેલા હોઈ શકે છે. તારિક ખાન પ્રતિબંધિત સંગઠન 'સિમી' (SIMI) અને 'ઈન્ડિયન મુજાહિદ્દીન' (IM) નો સક્રિય સભ્ય રહી ચૂક્યો છે, જે ૨૦૧૧થી દેશ છોડીને ગલ્ફ દેશોમાંથી પોતાની પ્રવૃત્તિઓ ચલાવી રહ્યો હોવાની શંકા છે. રિયાઝ ભટકલ અને યાસિન ભટકલ જેવા આતંકીઓનો નજીકનો સાથી તારિક ખાન યુવાનોને ભટકાવવા, લશ્કર-એ-તૈયબાની તાલીમ શિબિરોમાં મોકલવા અને બનાવટી ચલણના કેસોમાં વોન્ટેડ છે.

 

ATSની પૂછપરછ દરમિયાન નમીરાહે દાવો કર્યો હતો કે તે તેના પિતા કે પરિવારના સંપર્કમાં નથી અને બાળપણમાં પાસપોર્ટ કયા દસ્તાવેજોથી બન્યો હતો તેની તેને જાણ નહોતી. જોકે, તપાસકર્તાઓને જાણવા મળ્યું છે કે તેણે ૨૦૧૪ અને ૨૦૧૬માં ગલ્ફ દેશોની મુસાફરી કરી હતી. હાલમાં એટીએસ એ દિશામાં તપાસ કરી રહી છે કે શું આ પ્રવાસ દરમિયાન તે પોતાના ફરાર આતંકી પિતાને મળી હતી કે નહીં. આંતરરાષ્ટ્રીય જોડાણો અને સુરક્ષા સંબંધિત ગંભીર બાબત હોવાથી એજન્સીઓ આ કેસમાં તમામ પાસાઓ ચકાસી રહી છે.

 

(8:53 PM IST)