News of Tuesday, 30th June 2026
પાકિસ્તાનમાં ફિલ્મી સ્ટાઈલથી જેલબ્રેક: પોલીસની આંખોમાં લાલ મરચાની પૂરી ફેંકીને વાનમાંથી ૧૪ રીઢા કેદીઓ ફરાર; ચાર ઝડપાયા, ૧૦ ની શોધમાં હાઈ-એલર્ટ
રાવલપિંડી કોર્ટમાંથી અદિયાલા જેલ જતી વખતે કેદીઓએ રચ્યું લોહીલુહાણ કાવતરું; વાનની અંદર પહેલા હંગામો કર્યો અને જેવો દરવાજો ખુલ્યો કે મચાવી દીધો આતંક

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાંથી બોલિવૂડની એક્શન ફિલ્મની સ્ક્રિપ્ટ જેવી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાવલપિંડીની કુખ્યાત ‘અદિયાલા જેલ’ તરફ જઈ રહેલી એક જેલ વાનમાંથી સુરક્ષા કર્મચારીઓની આંખોમાં લાલ મરચાનો પાવડર ફેંકીને ઓછામાં ઓછા ૧૪ કેદીઓ એકસાથે ફરાર થઈ ગયા છે. આ હિંસક અને નાટકીય ઘટના બાદ સમગ્ર પંજાબ અને ઇસ્લામાબાદ પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ છે. પોલીસે તાબડતોબ કાર્યવાહી કરીને ભાગી ગયેલા ચાર કેદીઓને ફરીથી ઝડપી લીધા છે, જ્યારે બાકીના ૧૦ ખતરનાક ભાગેડુઓને પકડવા માટે સમગ્ર વિસ્તારને સીલ કરીને મોટું સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
કોર્ટમાંથી પાછા ફરતી વખતે રચાયું ષડયંત્ર
સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ હાઈ-પ્રોફાઈલ જેલબ્રેકની ઘટના સોમવારે સાંજે બની હતી. રાવલપિંડી નજીક આવેલી કહુટા તહસીલ કોર્ટમાં સુનાવણી પૂરી થયા બાદ કુલ ૩૬ કેદીઓને અત્યંત કડક સુરક્ષા વચ્ચે જેલ વાનમાં પાછા અદિયાલા જેલ લઈ જવામાં આવી રહ્યા હતા. પરંતુ કેદીઓ જેલમાંથી છૂટવા માટે પહેલેથી જ મોટું કાવતરું ઘડીને આવ્યા હતા.
મરચાના પાવડરથી હુમલો અને અંધાધૂંધી
જેલ વાન જ્યારે ઇસ્લામાબાદના સિહાલા પોલીસ સ્ટેશનની હદમાં આવતા ચકિયાન વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે કેદીઓના ડબ્બાની અંદરથી અચાનક જોરજોરથી બૂમો પાડવાનો અને અંદરોઅંદર લડવાનો ભયાનક અવાજ આવ્યો. એસ્કોર્ટ ટીમનું નેતૃત્વ કરી રહેલા સબ-ઇન્સ્પેક્ટર ઇમ્તિયાઝે મામલો થાળે પાડવા અને તપાસ કરવા જેવો જ વાનનો પાછળનો દરવાજો ખોલ્યો, કે અંદર ઓથ ભીડીને બેઠેલા કેદીઓએ પોલીસ કર્મચારીઓની આંખોમાં લાલ મરચાનો પાવડર ફેંકી દીધો.
૧૦ કેદીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર
અચાનક થયેલા આ તીખા હુમલાને કારણે પોલીસ જવાનો કંઈ સમજે એ પહેલાં જ કેદીઓએ વાનમાંથી બહાર કૂદકો મારી દીધો અને અલગ-અલગ દિશામાં ભાગવા લાગ્યા. ફરાર થઈ રહેલા ગુનેગારોમાંથી પોલીસે હિંમત બતાવીને ૪ કેદીઓને ઘટનાસ્થળની આસપાસથી જ દબોચી લીધા હતા, પરંતુ બાકીના ૧૦ કેદીઓ અંધારાનો લાભ લઈને ભાગવામાં સફળ રહ્યા હતા. હાલમાં સમગ્ર પંજાબ પ્રાંતમાં નાકાબંધી કરી દેવામાં આવી છે અને નાસતા ફરતા ગુનેગારોને શોધવા માટે પોલીસની સ્પેશિયલ ટીમો દરોડા પાડી રહી છે.
(7:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
