News of Wednesday, 22nd July 2026
લોકસભામાં મહિલા સાંસદ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી બદલ સાંસદ કલ્યાણ બેનર્જી ચોમાસુ સત્ર માટે સસ્પેન્ડ
લોકસભામાં ફરિયાદ નોંધાતા કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે તેમને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો જેને ગૃહે મંજૂરી આપી

લોકસભામાં મહિલા સાંસદ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ TMC સાંસદ કલ્યાણ બેનર્જીને સમગ્ર ચોમાસુ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા. જાણો સમગ્ર ઘટનાક્રમ…
લોકસભાના ચોમાસુ સત્ર દરમિયાન રાજકીય તણાવ વચ્ચે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ કલ્યાણ બેનર્જી સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. મહિલા સાંસદ વિરુદ્ધ અપમાનજનક અને બિનસંસદીય ભાષાનો ઉપયોગ કરવાના આરોપોને પગલે લોકસભાએ તેમને બાકીના સમગ્ર ચોમાસુ સત્ર માટે સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ મંજૂર કર્યો. આ નિર્ણય બાદ સંસદમાં રાજકીય માહોલ વધુ ગરમાયો છે.
સંસદીય કાર્યવાહી દરમિયાન કલ્યાણ બેનર્જીએ એક બળવાખોર મહિલા સાંસદ અંગે વાંધાજનક શબ્દો વાપર્યા હોવાનો આરોપ છે. આ મુદ્દે લોકસભામાં ફરિયાદ નોંધાતા કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે તેમને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને ગૃહે મંજૂરી આપી હતી.
લોકસભાના અધ્યક્ષપદ સંભાળી રહેલા કૃષ્ણ પ્રસાદ ટેનેટીએ જણાવ્યું કે મહિલા સભ્ય વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણી ગૃહની ગરિમા અને સંસદીય પરંપરાઓને ઠેસ પહોંચાડે છે. તેથી શિસ્ત જળવાઈ રહે તે માટે સસ્પેન્શન જરૂરી બન્યું.
બુધવારે વિપક્ષના હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી અનેક વખત ખોરવાઈ હતી અને અંતે ગૃહને ગુરુવાર સુધી સ્થગિત કરાયું હતું. બીજી તરફ રાજ્યસભાની કાર્યવાહી યથાવત ચાલુ રહી હતી.
(8:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
