News of Saturday, 12th September 2026
મુંબઈ એરપોર્ટ પર સુરતના વૃદ્ધ વેપારી સાથે ૬૨.૨૮ કરોડની ઠગાઈ: મદદ કરવાનો ડોળ કરી ૧.૯૫ કરોડનું સોનું અને ૩૩ લાખથી વધુના દિરહામ ભરેલી બેગ લઈ ઠગ ફરાર
દુબઈથી લાવેલા ૧.૫ કિલો સોના પર કસ્ટમ્સ ડ્યુટી ભરે તે પહેલાં જ ગઠિયો નજર ચૂકવીને ચાલ્યો ગયો: સહાર પોલીસે બે શખસો સામે ગુનો નોંધી હાથ ધરી તપાસ

મુંબઈ : મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરતના એક ૬૭ વર્ષીય કાપડના વેપારી સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દુબઈથી સોનું લઈને મુંબઈ પહોંચેલા વેપારીને કસ્ટમ્સ ડિક્લેરેશનની પ્રક્રિયામાં મદદ કરવાનું નાટક કરી અજાણ્યો શખસ રૂ. ૧.૯૫ કરોડનું સોનું અને ૧.૨૮ લાખ યુએઈ દિરહામ (અંદાજે રૂ. ૩૩.૩૫ લાખ) ભરેલી બેગ લઈને રફુચક્કર થઈ ગયો હતો.
મળતી વિગતો અનુસાર, સુરતના વૃદ્ધ વેપારીનો ગાર્મેન્ટ્સનો ધંધો બંધ થઈ ગયો હોવાથી તેઓ નવું સાહસ શરૂ કરવા માગતા હતા. આ દરમિયાન દુબઈમાં તેમની મુલાકાત કેરળના મોહમ્મદ આસિફ નામના વ્યક્તિ સાથે થઈ હતી. આસિફે તેમને યુએઈમાંથી કાયદેસર રીતે સોનું ખરીદીને ભારતમાં વેચવાનો વેપાર કરવાની સલાહ આપી હતી. આથી વેપારીએ ક્રેડિટ પર ૧.૯૫ કરોડ રૂપિયાની કિંમતની ૧.૫ કિલો સોનાની બે લગડીઓ ખરીદી હતી. તેઓ કસ્ટમ્સ ડ્યુટી ચૂકવવા માટે ૩૩.૩૫ લાખ રૂપિયા મૂલ્યના દિરહામ પણ સાથે લાવ્યા હતા.
વેપારી જ્યારે અમિરાતની ફ્લાઈટ દ્વારા મુંબઈ એરપોર્ટ પહોંચ્યા ત્યારે તેમને નિયાસ મોહમ્મદ કટુમડાથિલ નામના શખસે મળીને પોતાની ઓળખ મોહમ્મદ આસિફના મિત્ર તરીકે આપી હતી. ઈમિગ્રેશનની કામગીરી પતી ગયા બાદ વેપારી કસ્ટમ્સ ડ્યુટી ભરવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે નિયાસે મદદ કરવાનો ડોળ કરીને સોનું અને રોકડ ભરેલી કાળી બેગ પોતાના હાથમાં લઈ લીધી હતી.
ત્યારબાદ નિયાસ વેપારીની નજર ચૂકવીને ઝડપથી ડોમેસ્ટિક ડિપાર્ચર ગેટ તરફ નીકળી ગયો હતો અને ત્યાંથી બેંગલુરુની ફ્લાઈટ પકડીને ભાગી છૂટ્યો હતો. વેપારીએ એરપોર્ટ પર તેની શોધખોળ કરી હતી પરંતુ કોઈ પત્તો મળ્યો નહોતો. આખરે ભોગ બનનાર વેપારીએ મુંબઈના સહાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નિયાસ મોહમ્મદ અને કેરળના મોહમ્મદ હરીશ વિરુદ્ધ છેતરપિંડી અને કાવતરું રચવા અંગેનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
(7:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
