News of Thursday, 10th September 2026
મુંબઈ બ્લાસ્ટ કેસઃ ગેંગસ્ટર અબુ સલેમની વહેલી મુક્તિની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
૨૫ વર્ષની સજા ૨૦૩૦માં જ પૂર્ણ થશેઃ બોમ્બે હાઈકોર્ટનો આદેશ યથાવત

મુંબઈ, તા.૧૦: ૧૯૯૩ના કુખ્યાત મુંબઈ શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કેસના દોષિત અને ગેંગસ્ટર અબુ સલેમને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે આજીવન કેદની સજા ભોગવી રહેલા અબુ સલેમની વહેલા મુક્તિની અરજી ફગાવી દીધી છે. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે બોમ્બે હાઈકોર્ટના ચુકાદામાં કોઈ પણ પ્રકારની ખામી હોવાનું નકારી કાઢીને તેને યથાવત રાખ્યું છે.
અબુ સલેમ વતી સુપ્રીમ કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે પોર્ટુગલ સાથેના પ્રત્યાર્પણ કરાર અંતર્ગત નિર્ધારિત ૨૫ વર્ષની મુદત તે પૂર્ણ કરી ચૂકયો છે અને જેલવાસ દરમિયાન સારા વર્તનને કારણે મળેલી માફી તથા અંડરટ્રાયલ તરીકે વિતાવેલો સમયગાળો પણ સજામાં ગણવો જોઈએ. જોકે, કોર્ટે આ દલીલો ફગાવતાં સ્પષ્ટ કર્યું હતું કે પ્રત્યાર્પણની શરતો હેઠળ નક્કી કરાયેલી ૨૫ વર્ષની મર્યાદા કોઈ નિશ્ચિત સમયગાળાની સાદી સજા નથી, જેથી તેને સામાન્ય જેલ માફી દ્વારા ઘટાડી શકાતી નથી.
કોર્ટે અગાઉ ૨૭ જુલાઈએ આ મામલે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. ન્યાયાલયના સ્પષ્ટ આદેશ મુજબ અબુ સલેમની ૨૫ વર્ષની સજા નવેમ્બર ૨૦૩૦માં જ પૂર્ણ થશે, અને હાલ તેની મુક્તિ માટેની અરજી સમયપૂર્વકની તેમજ ગેરવ્યાજબી છે.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
