<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

મુંબઈ-ગોવા હાઈવે પ્રોજેક્ટ બન્યો 'ધોળો હાથી': ૧૭ વર્ષના વિલંબ અને ₹૧૧,૫૭૭ કરોડનો ધુમાડો કરવા છતાં કામ અધૂરું!

માહિતી અધિકાર (RTI) માં મોટો વિસ્ફોટ: પ્રોજેક્ટનો મૂળ ખર્ચ રૂ. ૫,૫૦૦ કરોડ વધીને સીધો રૂ. ૧૬,૯૦૯ કરોડ પર પહોંચ્યો, કોંકણવાસીઓમાં વ્યાપક રોષ

મુંબઈ : મુંબઈને ગોવા સાથે જોડતા અતિ મહત્વકાંક્ષી નેશનલ હાઈવે-૬૬ (NH-66) ના પહોળા કરવાના કામમાં થયેલા અસહ્ય વિલંબ અને નાણાકીય ગેરરીતિઓ અંગે માહિતી અધિકાર (RTI) હેઠળ ચોંકાવનારો ખુલાસો થયો છે. છેલ્લા ૧૭ વર્ષથી ચાલી રહેલા આ પ્રોજેક્ટ પાછળ અત્યાર સુધીમાં રૂ. ૧૧,૫૭૭ કરોડ જેટલી માતબર રકમ ખર્ચાઈ ચૂકી હોવા છતાં, રસ્તાનું કામ હજુ પણ લટકેલું છે. મહારાષ્ટ્રમાં ૩૫૫ કિલોમીટર લાંબા આ હાઈવેના ૧૦ પેકેજ માટે શરૂઆતમાં રૂ. ૧૧,૪૦૯.૧૪ કરોડનું બજેટ મંજૂર કરાયું હતું, જે વધીને હવે રૂ. ૧૬,૯૦૯.૨૨ કરોડ થઈ ગયું છે. એટલે કે માત્ર વિલંબના કારણે ટેક્સપેયર્સના રૂ. ૫,૫૦૦ કરોડથી વધુનો આર્થિક બોજ વધ્યો છે.

 

સામાજિક કાર્યકર જિતેન્દ્ર ઘાડગે દ્વારા દાખલ કરાયેલી RTI ના જવાબમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે આપેલા આંકડા મુજબ, ચિપલૂણ-રત્નાગીરી વિભાગમાં આવતા પરશુરામ ઘાટ-અરવલ્લી પેકેજનો ખર્ચ મૂળ રૂ. ૯૮૩ કરોડથી વધીને સીધો રૂ. ૨,૨૨૬ કરોડ થઈ ગયો છે, જે ૧૨૬ ટકાનો મસમોટો ઉછાળો દર્શાવે છે. પનવેલ-ઈંદાપુર વિભાગ NHAI પાસે અને બાકીનો ભાગ રાજ્યના PWD વિભાગ પાસે હોવાથી બે સરકારી એજન્સીઓ વચ્ચેની ખેંચતાણ અને જવાબદારીના અભાવનો ભોગ લાખો વાહનચાલકો બની રહ્યા છે.

 

ગણેશોત્સવમાં મુસાફરો માટે યાતના સમાન મુસાફરી

 

આ હાઈવે મુંબઈમાં વસતા લાખો કોંકણવાસીઓ માટે ખાસ કરીને ગણેશોત્સવ દરમિયાન અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સામાન્ય રીતે જે સફર ૭ કલાકમાં પૂરી થવી જોઈએ, તેમાં અધૂરા પુલો, સાંકડા ડાયવર્ઝન અને સિંગલ લેન રોડના કારણે ૧૨ કલાકથી વધુ સમય લાગી રહ્યો છે. ૭૦૧ કિલોમીટર લાંબો 'સમૃદ્ધિ મહામાર્ગ' આશરે ૭ વર્ષમાં બનીને તૈયાર થઈ ગયો, જ્યારે પહેલેથી અસ્તિત્વમાં રહેલા મુંબઈ-ગોવા રસ્તાને પહોળો કરવાનો પ્રોજેક્ટ ૧૭ વર્ષે પણ અધૂરો રહેતાં પ્રશાસનની કાર્યક્ષમતા સામે ગંભીર પ્રશ્નાર્થો ઊભા થયા છે.

(9:06 PM IST)