<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

મુંબઈ લોકલ ટ્રેનોના ધાંધિયાથી પ્રવાસીઓ ત્રાહિમામ: અચાનક અને પૂર્વસૂચના વગરના મેગાબ્લોકથી રોષે ભરાયેલા મુસાફરોએ સ્ટેશન પર કર્યો હોબાળો, ઉગ્ર 'રેલ રોકો' આંદોલનની ચીમકી

પશ્ચિમ અને મધ્ય રેલવેમાં છેલ્લા કેટલાક દિવસોથી ટ્રેનોનું શેડ્યૂલ સંપૂર્ણપણે ખોરવાતા નોકરિયાતો અને વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ ચરમસીમાએ; સ્ટેશન માસ્ટરનો ઘેરાવ કરી રોષ ઠાલવ્યો.

મુંબઈ : દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈની લાઈફલાઈન સમાન મુંબઈ સબર્બન રેલવે સેવાઓ છેલ્લા કેટલાક દિવસોથી ખોરવાઈ જતાં લાખો પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પશ્ચિમ રેલવે પર બોરીવલીથી ચર્ચગેટ અને મધ્ય રેલવે પર કલ્યાણ-સીએસએમટી તથા કસારા માર્ગ પર લોકલ ટ્રેનો અડધાથી પોણો કલાક મોડી દોડી રહી છે, જેના કારણે રોજિંદા નોકરિયાતો અને વિદ્યાર્થીઓને પોતાની ઓફિસ તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં સમયસર પહોંચવું મુશ્કેલ બન્યું છે અને રોજ 'લેટમાર્ક' નો સામનો કરવો પડી રહ્યો છે.

 

મધ્ય રેલવેના ઉમ્બરમાલી અને કસારા વિભાગ વચ્ચે વહેલી સવારે સવારે ૪ થી ૬ વાગ્યા દરમિયાન ડાઉન લાઇન પર કોઈ પણ પ્રકારની પૂર્વ સૂચના કે જાહેરખબર વગર અચાનક વિશેષ મેગાબ્લોક લેવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ મુસાફરો દ્વારા કરવામાં આવ્યો છે. આ બ્લોક પૂરો થયા બાદ સિગ્નલ સિસ્ટમમાં ગંભીર ખામી સર્જાતા ટ્રેન વ્યવહાર વધુ પ્રભાવિત થયો હતો. કસારાથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) તરફ જતી મહત્વપૂર્ણ લોકલ ટ્રેનો એકથી બે કલાક મોડી દોડતા મુસાફરો રઝળી પડ્યા હતા. સામાન્ય રીતે સવારે કસારાથી ચાર લોકલ દોડતી હોય છે, પરંતુ ગુરુવારે માત્ર બે જ લોકલ ઉપલબ્ધ થતા સ્ટેશનો પર ભારે ભીડ જામી હતી.

 

ટ્રેનોના અનિયમિત સમયપત્રક અને અચાનક બ્લોકથી કંટાળીને વાશિંદ અને કસારા રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં રોષે ભરાયેલા પ્રવાસીઓ એકત્ર થઈ ગયા હતા અને સ્ટેશન માસ્ટરનો ઘેરાવ કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. પ્રવાસીઓએ આક્રોશ વ્યક્ત કરતા ચેતવણી આપી હતી કે જો રેલવે પ્રશાસન દ્વારા ટ્રેન વ્યવહાર વહેલી તકે નિયમિત કરવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર 'રેલ રોકો' આંદોલન કરવા મજબૂર બનશે. કલ્યાણ-કસારા-કર્જત રેલવે પ્રવાસી સંગઠનના પ્રમુખ રાજેશ ઘનઘાવે જણાવ્યું હતું કે આસનગાંવથી કસારા વચ્ચે છેલ્લા ૨૫ દિવસથી ચાલી રહેલા વિશેષ બ્લોકને કારણે પ્રવાસીઓ પહેલેથી જ ત્રસ્ત છે, તેમાં અચાનક લેવાતા બ્લોક મુશ્કેલીમાં વધુ વધારો કરી રહ્યા છે.

 

બીજી તરફ, ખરડી અને કસારા વચ્ચે નવી ત્રીજી રેલવે લાઇન પર મુસાફર ટ્રેનો દોડાવવા માટે રેલવે સેફ્ટી કમિશનર (સીઆરએસ) ની મંજૂરી મળી ગઈ હોવાના અહેવાલો છે, જેનાથી ભવિષ્યમાં લોકલ અને મેલ-એક્સપ્રેસના સંચાલનમાં સુગમતા આવશે તેવી આશા છે. જો કે, જ્યાં સુધી આ નવી લાઇન પર પ્રવાસી સેવાઓ શરૂ ન થાય અને હાલના વિક્ષેપો દૂર ન થાય ત્યાં સુધી મુંબઈના લાખો દૈનિક પ્રવાસીઓએ અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે. રેલવે સંગઠનો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં પ્રશાસન દ્વારા યોગ્ય પગલાં ન લેવાતા પ્રવાસીઓમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.

(5:56 PM IST)