<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th November 2026

મુંબઈથી નવી મુંબઈ એરપોર્ટ પર ફ્લાઈટ્સ શિફ્ટ નહીં થાય: મુખ્યમંત્રી ફડણવીસે કેન્દ્ર સરકારને લખ્યો પત્ર

ટર્મિનલ ૧ ના તબક્કાવાર પુનઃવિકાસ માટે વૈકલ્પિક પ્રસ્તાવ રજૂ, બંને એરપોર્ટ પોતપોતાની ક્ષમતા પર કામ કરવા મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય

મુંબઈ : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કેન્દ્ર સરકારને એક મહત્વપૂર્ણ પત્ર લખીને સ્પષ્ટતા કરી છે કે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કોઈ પણ ફ્લાઇટ્સ ખસેડવામાં આવશે નહીં. મુખ્યમંત્રી કાર્યાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રીએ પોતે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પત્ર લખીને આ રજૂઆત કરી છે. મુંબઈ અને નવી મુંબઈ બંને એરપોર્ટ પોતપોતાની ક્ષમતા અનુસાર કાર્યરત રહેશે અને ઉડ્ડયન ક્ષેત્રની વધતી જતી જરૂરિયાતોને પૂરી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

અગાઉ મુંબઈ એરપોર્ટ ઓપરેટરે આગામી ઉનાળાની સીઝનથી બહેરીન, દોહા, જેદ્દાહ, કાઠમંડુ, કુવૈત, મસ્કત અને રિયાધ સહિત ૧૪ આંતરરાષ્ટ્રીય શહેરોની ફ્લાઇટ્સ નવી મુંબઈ એરપોર્ટ પર ખસેડવાની યોજના બનાવી હતી, જેની સામે એરલાઇન્સે પણ વાંધો ઉઠાવ્યો હતો. મુખ્યમંત્રી ફડણવીસે કેન્દ્રીય મંત્રીને લખેલા પત્રમાં ટર્મિનલ ૧ ના તબક્કાવાર પુનર્વિકાસ માટે વૈકલ્પિક મોડેલ રજૂ કર્યું છે. આ પ્રસ્તાવ મુજબ પહેલાં ટર્મિનલ ૧B નું બાંધકામ પૂર્ણ કરવામાં આવશે, ત્યારબાદ ટર્મિનલ ૧A ની ફ્લાઇટ્સ અને કામગીરી ૧B માં સ્થાનાંતરિત કરી જૂના ૧A ને તોડી પાડવામાં આવશે, જેથી નિર્માણ કાર્ય દરમિયાન પણ વિમાન સેવા અવિરત ચાલુ રહી શકે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષના જુલાઈ મહિનામાં મુંબઈ એરપોર્ટ પર એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસના વિમાનો રનવે પર સામસામે આવી જતાં એક મોટો અકસ્માત ટળ્યો હતો, જેના કારણે એરપોર્ટની ક્ષમતા અને સુરક્ષા વ્યવસ્થા પર સતત ચર્ચાઓ ચાલી રહી હતી. મુખ્યમંત્રીના નવા વૈકલ્પિક પ્રસ્તાવનો મુખ્ય હેતુ પુનર્વિકાસ કામગીરી વખતે પણ મુંબઈ એરપોર્ટ પરથી તમામ ફ્લાઇટ ઓપરેશન ચાલુ રાખવાનો છે અને બાંધકામના નામે ફ્લાઇટોને અન્ય જગ્યાએ વાળવાની જરૂરિયાતને દૂર કરવાનો છે.

મુખ્યમંત્રી ફડણવીસ દ્વારા રજૂ કરવામાં આવેલી આ માંગણી અને તબક્કાવાર યોજના અંગે હવે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયના અંતિમ નિર્ણયની રાહ જોવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર તરફથી હજુ સુધી આ દરખાસ્ત પર કોઈ ઔપચારિક મંજૂરી કે આખરી જાહેરાત કરવામાં આવી નથી. આગામી દિવસોમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા લેવાનારા નિર્ણય બાદ મુંબઈ અને નવી મુંબઈ એરપોર્ટના ઓપરેશનલ શેડ્યૂલની સત્તાવાર રેખા સ્પષ્ટ થશે.

(11:10 AM IST)