તા. ૨ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૪ શુક્રવાર
News of Thursday, 26th November 2026
26/11ના આતંકી હુમલાની 18મી વરસીએ મુંબઈમાં ખળભળાટ: મેયર રીતુ તાવડે અને BMC કમિશનર અશ્વિની ભિડેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ
ધમકીભર્યા ઈમેલમાં મેયરની ઓફિસ, મેટ્રો સ્ટેશનો પર IED વિસ્ફોટ અને આગામી 30 દિવસમાં ગ્રેનેડ હુમલાની ચેતવણી; ખાલિસ્તાન-સમર્થક સંગઠનોના ઉલ્લેખ બાદ પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સઘન તપાસ શરૂ

મુંબઈ, તા. ૨૬: 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાની 18મી વરસીના દિવસે જ દેશની આર્થિક રાજધાની મુંબઈને ફરી એકવાર હચમચાવી નાખવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓમાં ભારે દોડધામ મચી ગઈ છે. ગુરુવારે મુંબઈના મેયર રીતુ તાવડે અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના કમિશનર અશ્વિની ભિડેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો એક અત્યંત ગંભીર ઈમેલ મળ્યો છે.
પ્રાથમિક માહિતી મુજબ, આ ધમકીભર્યા ઈમેલમાં શ્રેણીબદ્ધ હુમલાઓની ચેતવણી આપવામાં આવી છે. ઈમેલમાં દાવો કરાયો છે કે 26 નવેમ્બરે બપોરે 1:11 વાગ્યે મેયરની ઓફિસમાં બોમ્બ વિસ્ફોટ કરવામાં આવશે. આ ઉપરાંત, આગામી 30 દિવસોમાં સમગ્ર મુંબઈમાં ગ્રેનેડ હુમલા કરવાની અને 27 નવેમ્બરથી 31 ડિસેમ્બરની વચ્ચે શહેરના વિવિધ મેટ્રો સ્ટેશનો પર IED (ઈમ્પ્રુવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ) વિસ્ફોટ કરવાની ખુલ્લી ધમકી આપવામાં આવી છે.
આ ઈમેલની વિગતોએ સુરક્ષા એજન્સીઓની ચિંતામાં વધુ વધારો કર્યો છે, કારણ કે તેમાં મેટ્રો સ્ટેશનો સહિત અનેક જાહેર સ્થળોએ IED ગોઠવવામાં આવ્યા હોવાનો દાવો કરાયો છે. એટલું જ નહીં, ઈમેલમાં ખાલિસ્તાન-સમર્થક સૂત્રો અને 1984ના શીખ વિરોધી રમખાણોનો ઉલ્લેખ કરવાની સાથે ‘ખાલિસ્તાન નેશનલ આર્મી’ અને ‘બબ્બર ખાલસા’ જેવા પ્રતિબંધિત સંગઠનોના નામ પણ લખવામાં આવ્યા છે.
26/11ની વરસી જેવા સંવેદનશીલ દિવસે આ પ્રકારની ધમકી મળતા મુંબઈ પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તાત્કાલિક હરકતમાં આવી ગયા છે. હાલમાં આ ઈમેલ કોણે અને ક્યાંથી મોકલ્યો છે તે શોધવા માટે સાયબર સેલની મદદથી તપાસ તેજ કરવામાં આવી છે, તેમજ મેયરની ઓફિસ અને મેટ્રો સ્ટેશનો સહિતના મહત્વના સ્થળોએ સુરક્ષા બંદોબસ્ત વધુ કડક બનાવી દેવામાં આવ્યો છે.
(5:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
