<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

મુંબઈના ગણેશભક્તોની અનોખી પર્યાવરણ ભક્તિ: ૯૭ ટકાથી વધુ મૂર્તિઓનું કૃત્રિમ તળાવોમાં વિસર્જન; દરિયાકિનારે ભીડ ઘટી!

બીએમસીના ૩૮૩ કૃત્રિમ તળાવોની પહેલ રંગ લાવી; ૧.૯૨ લાખથી વધુ ગણેશ પ્રતિમાઓનું પર્યાવરણ-સાનુકૂળ વિસર્જન કરી મુંબઈગરાઓએ રચ્યો ઈતિહાસ

મુંબઈ : કુદરતી જળાશયો અને સમુદ્રને પ્રદૂષણથી બચાવવા માટે મુંબઈના ગણેશભક્તોએ આ વર્ષે પર્યાવરણ પ્રત્યે જાગરૂકતા દાખવીને એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે. બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) દ્વારા કરવામાં આવેલી અપીલ અને સુવિધાઓને કારણે મુંબઈગરાઓ મોટા પાયે પર્યાવરણ-મિત્ર બન્યા છે. ચાલુ વર્ષે વિસર્જિત થયેલી કુલ ગણેશમૂર્તિઓમાંથી ૯૭ ટકાથી વધુ નાના કદની પ્રતિમાઓનું વિસર્જન મહાપાલિકા દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવોમાં કરવામાં આવ્યું છે.

 

કૃત્રિમ તળાવોમાં ૧.૯૨ લાખથી વધુ મૂર્તિઓનું વિસર્જન

 

બીએમસીના આંકડા અનુસાર, આ વર્ષે બૃહન્મુંબઈ વિસ્તારમાં કુલ ૧,૯૭,૩૮૨ ગણેશમૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આમાંથી ૬ ફૂટ સુધીની ઊંચાઈ ધરાવતી ૧,૯૨,૨૩૭ પ્રતિમાઓનું વિસર્જન મુંબઈના વિવિધ વિસ્તારોમાં ઊભા કરાયેલા ૩૮૩ કૃત્રિમ તળાવોમાં થયું હતું. કૃત્રિમ તળાવોમાં પધરાવવામાં આવેલી મૂર્તિઓમાં ૧,૨૨,૩૯૧ પીઓપી (PoP) ની અને ૬૯,૮૪૬ શાડૂ માટીની મૂર્તિઓનો સમાવેશ થાય છે.

 

મૂર્તિકારોને વિનામૂલ્યે શાડૂ માટી અને કુદરતી રંગોનું વિતરણ

 

ઈકો-ફ્રેન્ડલી ગણેશોત્સવને પ્રોત્સાહન આપવા માટે પાલિકા પ્રશાસને ઉત્સવ પહેલા જ મોટા પાયે આયોજન કર્યું હતું. બીએમસી દ્વારા મૂર્તિકારોને વિનામૂલ્યે ૯૪૦ મેટ્રિક ટનથી વધુ શાડૂ માટી અને ૨૫,૪૦૦ લિટર કુદરતી (નૈસર્ગિક) રંગો પૂરા પાડવામાં આવ્યા હતા. આ સિવાય સોસાયટીઓ નજીકના ખાલી પ્લોટ્સ, ગાર્ડન અને મેદાનોમાં કૃત્રિમ તળાવોની વ્યવસ્થા ઊભી કરાઈ હતી.

 

ચૌપાટીઓ પર ભીડ ઘટી, કુદરતી જળાશયો સચવાયા

 

પાલિકાના જણાવ્યા અનુસાર, ૬ ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતી મોટી ૫,૩૮૨ ગણેશ પ્રતિમાઓનું જ મુંબઈના ૬૭ નૈસર્ગિક જળાશયો અને દરિયાકિનારે વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણેશભક્તોએ ઘર નજીકના કૃત્રિમ તળાવોનો ઉપયોગ કરવાનું પસંદ કરતા ગિરગામ, દાદર અને જુહૂ જેવી મુખ્ય ચૌપાટીઓ પર દર વર્ષે જોવા મળતી ભારે ભીડમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો.

 

(6:48 PM IST)