<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

૭૦ની ઉંમરે પ્રેમ અને પછી હત્‍યા ! ચોંકાવનારો બનાવ

૭૦ વર્ષના અંબાદાસ ખાંડેકરને મંગલ હોનમાન નામના વૃદ્ધા સાથે પ્રેમ સંબંધ હતોઃ એક દિવસ બંને વચ્‍ચે મોટો ઝઘડો થયો અને વાત હત્‍યા સુધી પહોંચી ગઈ : પ્રેમિકાએ ૭૦ વર્ષના પ્રેમની કરી હત્‍યાઃ ખેતરમાં સળગાવ્‍યું શબ

સોલાપુર તા.૨૨: મહારાષ્ટ્રના પંઢરપુર તાલુકામાં પ્રેમ સંબંધ બાદ હત્‍યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્‍યો છે. આખા પંથકમાં આ બનાવની ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. ખરેખર, ૭૦ વર્ષના અંબાદાસ ખાંડેકરને મંગલ હોનમાન નામના વૃદ્ધા સાથે પ્રેમ સંબંધ હતો. એક દિવસ બંને વચ્‍ચે મોટો ઝઘડો થયો અને વાત હત્‍યા સુધી પહોંચી ગઈ. વૃદ્ધાએ આવેશમાં આવીને ૭૦ વર્ષના અંબાદાસની હત્‍યા કરી નાખી અને પછી મૃતદેહને સળગાવીને પુરવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો. સૌથી વિચિત્ર વાત તો એ છે કે આ મૃતક કોણ છે તેની ખબર આશરે દોઢ મહિના પછી DNA રિપોર્ટ કરાવ્‍યા પછી પડી. જોકે, રિપોર્ટ આવ્‍યા બાદ પોલીસે પણ ઝડપથી કાર્યવાહી કરી અને આરોપીને ગણતરીની કલાકમાં જ ઝડપી પાડ્‍યા.

સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરીએ તો ૭૦ વર્ષના અંબાદાસ ખાંડકરને મંગળ હોનમાન નામના વૃદ્ધા સાથે છેલ્‍લા કેટલાક સમયથી પ્રેમસંબંધ હતો. ગત ૨૭ જુલાઈના રોજ બંને વચ્‍ચે કોઈ વાતને લઈને માથાકૂટ થઈ હતી. આ દરમિયાન વાત એટલી વધી ગઈ કે વૃદ્ધાએ અંબાદાસની ખેતરમાં હત્‍યા કરી નાખી. એટલું જ નહીં પોલીસ પકડી ન શકે, એટલા માટે મૃતદેહને પણ સળગાવી નાખ્‍યો. ત્‍યારબાદ ઘટના સ્‍થળેથી ફરાર થઈ ગયા.

૨ ઓગસ્‍ટના રોજ પંઢરપુર તાલુકાના એક ખેતરમાં અડધો સળગેલી હાલતમાં એક અજાણ્‍યા વ્‍યક્‍તિનો મૃતદેહ મળી આવ્‍યો હતો. મૃતદેહ ખરાબ રીતે બળી ગયો હોવાથી તેની ઓળખ કરવી પોલીસ માટે મુશ્‍કેલ બની હતી. શરૂઆતમાં મૃતક કોણ છે તે અંગે કોઈ ચોક્કસ માહિતી મળી રહી નહોતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન અંબાદાસ ખાંડેકર ગુમ હોવાની માહિતી પોલીસના ધ્‍યાનમાં આવી હતી. જેથી પોલીસે અંબાદાસની બે પુત્રીઓના ઝફખ્‍ સેમ્‍પલ લીધા અને તેને મૃતદેહના નમૂના સાથે મેચ કરવા માટે મોકલ્‍યા હતા.

ઘટનાના લગભગ દોઢ મહિના બાદ DNA ટેસ્‍ટનો રિપોર્ટ પોલીસને મળ્‍યો હતો. રિપોર્ટમાં ખેતરમાંથી મળેલો અડધો સળગેલો મૃતદેહ અંબાદાસ ખાંડેકરનો જ હોવાનું સાબિત થયું. આ રીતે મૃતદેહની ઓળખ તો થઈ, પરંતુ હવે પોલીસ સામે હત્‍યા કોણે કરી અને શા માટે કરી તેનો ભેદ ઉકેલવાનો પડકાર હતો. મૃતકની ઓળખ થયા બાદ પંઢરપુર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ટેકનિકલ એનાલિસિસ અને મળેલી ગુપ્ત માહિતીના આધારે પોલીસ મંગલ હોનમાને સુધી પહોંચી હતી.

પોલીસે મંગલને તાબામાં લઈને પૂછપરછ કરી. પોલીસના જણાવ્‍યા પ્રમાણે પૂછપરછમાં તેમણે અંબાદાસની હત્‍યા કરી હોવાની કબૂલાત કરી છે. પ્રેમસંબંધને લઈને થયેલા ઝઘડા બાદ આ ઘટના બની હોવાનું તપાસમાં આવ્‍યું છે. ૭૦ વર્ષની ઉંમરે પ્રેમસંબંધ, ઝઘડો અને પછી હત્‍યાના આ બનાવની પંઢરપુર તાલુકામાં હજુ પણ વાતો ચાલી રહી છે. પોલીસે આ મામલે વધુ તપાસ ચાલુ રાખી છે.

(10:05 AM IST)