<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

ચકચારી 'બ્લુ ડ્રમ હત્યા કેસ'માં મૃત્યુદંડની સજા પામેલી મુસ્કાનની માસૂમ પુત્રીની કસ્ટડી મેળવવા માટે મુંબઈના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ફૈઝાન અંસારી પહોંચ્યા મેરઠ કોર્ટ: બાળકીના ઉછેર અને ભવિષ્યની તમામ જવાબદારી લેવાની કરી તૈયારી

ફૈઝાને જિલ્લા ન્યાયાધીશ સમક્ષ દાખલ કરી અરજી; શિક્ષણ, તબીબી સારવાર અને લગ્ન સુધીનો ખર્ચ ઉઠાવવાની તૈયારી દર્શાવતા કાનૂની અને પ્રશાસકીય પ્રક્રિયાઓ પર શરૂ થઈ ચર્ચાઓ.

મેરઠ : દેશભરમાં ચકચાર મચાવનાર અને 'બ્લુ ડ્રમ કેસ' તરીકે કુખ્યાત બનેલા સૌરભ હત્યાકાંડમાં મૃત્યુદંડની સજા પામેલી મુસ્કાનની ૧૦ મહિનાની માસૂમ પુત્રી મન્નત ઉર્ફે રાધાના ભવિષ્યને લઈને એક મહત્વપૂર્ણ અને મોટા સમાચાર સામે આવ્યા છે. મુંબઈના પ્રભાવશાળી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ફૈઝાન અંસારી આ માસૂમ બાળકીને દત્તક લેવા અને તેનો ઉછેર કરવાની ઈચ્છા લઈને સીધા મુંબઈથી મેરઠ પહોંચ્યા છે. ફૈઝાને મેરઠ જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં સત્તાવાર અરજી દાખલ કરીને બાળકીની સંપૂર્ણ જવાબદારી પોતાના હસ્તક લેવાની દરખાસ્ત મૂકી છે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, ગત વર્ષે માર્ચ મહિનામાં સૌરભ રાજપૂતની હત્યા તેના જ પત્ની મુસ્કાન દ્વારા તેના પ્રેમી સાહિલ સાથે મળીને અત્યંત ક્રૂરતાપૂર્વક કરવામાં આવી હતી. મૃતદેહના ટુકડા કરીને તેને બ્લુ ડ્રમમાં પૂરીને સિમેન્ટ રેડી દેવાના આ જઘન્ય અપરાધ બાદ પકડાયેલી મુસ્કાને જેલમાં જ આ પુત્રીને જન્મ આપ્યો હતો. પિતાની હત્યા અને માતાને ફાંસીની સજાના આ માહોલમાં આ માસૂમ બાળકીના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિહ્ન સર્જાયું છે, કારણ કે બંને પક્ષના પરિવારોએ પણ બાળકીથી અંતર જાળવી લીધું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફૈઝાન અંસારીએ બાળકીના ઉછેર, ઉત્તમ શિક્ષણ, તબીબી સારવાર અને ભવિષ્યમાં તેના લગ્ન સુધીનો તમામ આર્થિક ખર્ચ ઉઠાવવાની તૈયારી દર્શાવી છે.

 

કોર્ટમાં અરજી રજૂ કર્યા બાદ ફૈઝાને પોતાની નાણાકીય સદ્ધરતા સાબિત કરવા માટે ઓડિટ કરાવવાની પણ તૈયારી દર્શાવી છે. જો કે, આ મામલે કાનૂની નિષ્ણાતો અને પ્રશાસનનું કહેવું છે કે પ્રવર્તમાન નિયમો મુજબ માતાની સંમતિ વગર આ પ્રક્રિયા સરળ નથી, અને બાળક ચોક્કસ ઉંમર સુધી માતા સાથે રહેવાની કાનૂની જોગવાઈઓને આધીન જ નિર્ણય લેવામાં આવી શકે છે. ચકચારી બનેલા આ મામલામાં હવે કોર્ટ આગામી સમયમાં શું નવો આદેશ આપે છે અને માસૂમ રાધાના ભવિષ્ય અંગે શું નિર્ણય લેવાય છે તેના પર સૌની નજર ટકેલી છે.

(6:53 PM IST)