News of Monday, 6th July 2026
'મારું પેટ પોતાને જ ખાઈ રહ્યું છે': પ્રખ્યાત એન્ટી-એજિંગ ઇન્ફ્લુઅન્સર બ્રાયન જોહ્ન્સનને થયો ગંભીર ઓટોઇમ્યુન રોગ, X પર કર્યો ચોંકાવનારો ખુલાસો
અમરત્વની શોધમાં નીકળેલા અમેરિકન અબજોપતિ 'ઓટોઇમ્યુન ગેસ્ટ્રાઇટિસ'ના શિકાર બન્યા: વિશ્વની ૨ થી ૫% વસ્તીને અસર કરતી આ બીમારીના લક્ષણો, જોખમો અને સારવાર પર એક નજર

લોસ એન્જલસ : પોતાની જૈવિક ઉંમર (Biological Age) ઘટાડવા અને મૃત્યુ પર વિજય મેળવવા માટે દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચનારા અમેરિકાના પ્રખ્યાત ટેક ઉદ્યોગસાહસિક અને એન્ટી-એજિંગ ઇન્ફ્લુઅન્સર બ્રાયન જોહ્ન્સને તાજેતરમાં જ પોતાની તબિયતને લઈને એક અત્યંત ચોંકાવનારો ખુલાસો કર્યો છે. બ્રાયન જોહ્ન્સને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર એક લાંબી અને વિગતવાર પોસ્ટ શેર કરીને જણાવ્યું છે કે તેઓ 'ઓટોઇમ્યુન ગેસ્ટ્રાઇટિસ' (Autoimmune Gastritis - AIG) નામની ગંભીર ક્રોનિક બીમારીથી પીડાઈ રહ્યા છે, જે તેમના પેટના આંતરિક અસ્તરને ભારે નુકસાન પહોંચાડી રહી છે.
બ્રાયને પોતાની પોસ્ટમાં અત્યંત ગંભીર શબ્દોનો ઉપયોગ કરતા લખ્યું છે કે, "મને એક ઓટોઇમ્યુન રોગ થયો છે. મારું પેટ પોતાને જ ખાઈ રહ્યું છે." તેમણે વધુમાં ઉમેર્યું કે, "મૃત્યુ પર વિજય મેળવવો એ માનવતાની સૌથી મોટી સિદ્ધિ હશે. આ બીમારી ઘણીવાર છુપાયેલી રહે છે અને વિશ્વની અંદાજે ૨ થી ૫ ટકા વસ્તીને અસર કરે છે. હું આનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરીશ અને મારી આ સફરની દરેક વિગત તમારી સાથે શેર કરીશ." બ્રાયનના જણાવ્યા અનુસાર, શરૂઆતની સામાન્ય મેડિકલ તપાસમાં આ રોગ પકડાતો ન હતો, પરંતુ ખાસ બ્લડ ટેસ્ટ અને પેટની બાયોપ્સી (Biopsy) કર્યા બાદ આ આઘાતજનક નિદાન સામે આવ્યું છે.
શું છે આ ઓટોઇમ્યુન ગેસ્ટ્રાઇટિસ (AIG)?
યુએસ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડાયાબિટીસ એન્ડ ડાયજેસ્ટિવ એન્ડ કિડની ડિસીઝ (NIDDK) ના અહેવાલ મુજબ, ઓટોઇમ્યુન ગેસ્ટ્રાઇટિસ એક એવી ક્રોનિક સ્થિતિ છે જેમાં મનુષ્યની રોગપ્રતિકારક શક્તિ (Immune System) ભ્રમિત થઈને બહારના વાયરસ કે બેક્ટેરિયાને બદલે પોતાના જ પેટના અસ્તરમાં આવેલા તંદુરસ્ત કોષો પર હુમલો કરવા લાગે છે.
આ રોગ ધીમે ધીમે પેટમાં એસિડ ઉત્પન્ન કરનારા પેરિએટલ કોષો (Parietal Cells) ને નષ્ટ કરી નાખે છે, જે પાચનક્રિયા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. લાંબા સમયે પેટમાં એસિડનું પ્રમાણ ઘટવાના કારણે શરીર ખોરાકમાંથી આયર્ન (લોહતત્વ) અને વિટામિન B12 નું શોષણ કરી શકતું નથી, જેનાથી શરીરમાં પોષક તત્વોની ભારે ઉણપ સર્જાય છે.
લક્ષણો, અસરો અને કેન્સરનું મોટું જોખમ
તબીબી સંસ્થાઓના મતે, શરૂઆતના તબક્કામાં આ બીમારીના કોઈ દેખીતા લક્ષણો સામે આવતા નથી. પરંતુ જેમ જેમ રોગ વધે છે, તેમ તેમ દર્દીઓમાં નીચે મુજબના લક્ષણો દેખાઈ શકે છે:
· સતત થાક લાગવો, નબળાઈ અને ચક્કર આવવા.
· માથાનો દુખાવો, ત્વચા નિસ્તેજ (પીળી) થઈ જવી.
· હાથ અને પગમાં વારંવાર ખાલી ચડવી અથવા ઝણઝણાટી થવી.
· શરીરનું સંતુલન બગડવું, મૂંઝવણ થવી અથવા એકાગ્રતામાં મુશ્કેલી પડવી.
· ઉબકા, ઉલટી થવી, ભૂખ ન લાગવી અને અચાનક વજન ઘટી જવું.
કેન્સરનું જોખમ: યુએસ નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ (NCI) ના તબીબોએ ચેતવણી આપી છે કે જો ઓટોઇમ્યુન ગેસ્ટ્રાઇટિસની સમયસર યોગ્ય સારવાર ન કરવામાં આવે, તો તે લાંબા ગાળે ગેસ્ટ્રિક (પેટના) કેન્સરના જોખમને અનેક ગણું વધારી દે છે. આથી આવા દર્દીઓ પર સતત તબીબી દેખરેખ રાખવી અનિવાર્ય બને છે.
શું આ બીમારી સંપૂર્ણ મટાડી શકાય છે?
તબીબી વિજ્ઞાન અનુસાર, ઓટોઇમ્યુન ગેસ્ટ્રાઇટિસનો કોઈ કાયમી ઈલાજ (Cure) નથી. તેની સારવાર મુખ્યત્વે આ રોગને કારણે શરીરમાં ઊભી થતી સ્વાસ્થ્ય સમસ્યાઓ અને પોષણની ખામીઓને મેનેજ કરવા પર કેન્દ્રિત હોય છે. દર્દીની સ્થિતિ ગંભીર ન થાય તે માટે તેને આજીવન વિટામિન B12, આયર્ન અને ફોલિક એસિડના સપ્લિમેન્ટ્સ અથવા ઈન્જેક્શન આપવામાં આવે છે.
કોણ છે બ્રાયન જોહ્ન્સન?
૪૮ વર્ષીય બ્રાયન જોહ્ન્સન અમેરિકાના એક જાણીતા ટેકનોલોજી ઉદ્યોગસાહસિક અને રોકાણકાર છે. તેમણે ઓનલાઈન પેમેન્ટ પ્લેટફોર્મ 'બ્રેઈનટ્રી' (Braintree) ની સ્થાપના કરી હતી, જેને ૨૮૧૩ માં પેપાલે (PayPal) ૮૦૦ મિલિયન ડોલર (આશરે રૂ. ૭,૬૩૩ કરોડ) માં ખરીદી લીધી હતી. હાલમાં તેઓ તેમના વિવાદાસ્પદ અને અત્યંત ચર્ચિત હેલ્થ પ્રોગ્રામ "પરેાજેક્ટ બ્લુપ્રિન્ટ" (Project Blueprint) માટે વિશ્વભરમાં જાણીતા છે. આ પ્રોગ્રામ અંતર્ગત તેઓ કડક ડાયેટ, ખાસ કસરતો, તબીબી પરીક્ષણો અને મોનિટરિંગ દ્વારા પોતાની જૈવિક ઉંમર ઘટાડીને ફરીથી ૧૮ વર્ષના યુવાન બનવાનો દાવો કરી રહ્યા છે. પરંતુ, હવે આ નવા રોગના નિદાને તેમની દીર્ધાયુષ્યની સફર સામે એક નવો પડકાર ઉભો કર્યો છે.
(8:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
