તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Friday, 20th November 2026
મ્યાનમારઃ સૈન્ય અભિયાનમાં આશરે ૧૦,૦૦૦ રોહિગ્યાની હત્યા
સુરક્ષા દળોએ વ્યાપક જાતીય હિંસાઃ બાળકો સામે અત્યંત ક્રૂર અત્યાચાર

નેધરલેન્ડ,તા.૨૦: સંયુક્ત રાષ્ટ્રની સર્વોચ્ચ ન્યાયિક સંસ્થા ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ) એ ગુરુવારે જણાવ્યું હતું કે પુરાવા દર્શાવે છે કે વર્ષ ૨૦૧૭માં સૈન્ય કાર્યવાહી દરમિયાન મ્યાનમારના સુરક્ષા દળોએ આશરે ૧૦,૦૦૦ રોહિગ્યા નાગરિકોની હત્યા કરી હતી. કોર્ટે એ પણ નોંધ્યું કે સુરક્ષા દળોએ વ્યાપક જાતીય હિંસા આચરી હતી, બાળકો સામે અત્યંત ક્રૂર હિસા કરી હતી અને મોટી સંખ્યામાં બાંગ્લાદેશ તરફ ભાગતા રોહિગ્યા નાગરિકો પર હુમલા કર્યા હતા.
નેધરલેન્ડના ધ હેગ સ્થિત કોર્ટના ગ્રેટ હોલ ઓફ જાસ્ટિસમાં ૧૫ ન્યાયાધીશની બેન્ચ દ્વારા ત્રણ કલાકના સત્રમાં આ નિર્ણય વાંચવાની શરૂઆત કરવામાં આવી હતી, જેની આગેવાની વર્લ્ડ કોર્ટના પ્રમુખ યુજી ઇવાસાવા કરી રહ્યા હતા. લગભગ એક દાયકા પહેલા રોહિગ્યા સમુદાય સામે થયેલા સૈન્ય અભિયાનમાં મ્યાનમારે નરસંહાર (Genocide) કર્યો હતો કે કેમ તે અંગે કોર્ટ પોતાનો નિર્ણય આપી રહી છે.
આ મામલો ઓગસ્ટ ૨૦૧૭માં ઉત્તરીય રખાઈન રાજ્યમાં મ્યાનમાર સેના દ્વારા શરૂ કરાયેલા સૈન્ય અભિયાન સાથે જોડાયેલો છે. મ્યાનમાર સેનાએ આ કાર્યવાહીને રોહિગ્યા વિદ્રોહી જૂથના હુમલાના જવાબમાં ‘ક્લિયરન્સ ઓપરેશન' ગણાવી હતી, પરંતુ તેના કારણે સામૂહિક હત્યાઓ, બળાત્કાર અને હજારો ઘરો સળગાવવાના આરોપો લાગ્યા હતા તથા લાખો રોહિગ્યાઓએ પડોશી દેશ બાંગ્લાદેશ તરફ હિજરત કરવી પડી હતી.
વર્ષ ૨૦૧૯માં આફ્રિકન દેશ ગામ્બિયાએ ICJમાં કેસ દાખલ કરીને માંગ કરી હતી કે મ્યાનમારે ૧૯૪૮ના ‘જેનોસાઈડ કન્વેન્શન' (નરસંહાર સંધિ)નો ભંગ કર્યો છે તેવું જાહેર કરવામાં આવે, ગેરકાયદેસર કાર્યવાહી અટકાવવામાં આવે, જવાબદારોને સજા થાય અને રોહિગ્યાઓને સંપૂર્ણ નાગરિકતા તેમજ સ્વદેશ પરત ફરવાનો અધિકાર મળે. બીજી તરફ, મ્યાનમારે આ આરોપોને નકારી કાઢતા સૈન્ય કાર્યવાહીને આતંકવાદ વિરોધી અભિયાન ગણાવ્યું હતું.
હાલમાં બાંગ્લાદેશના કોક્સ બજાર વિસ્તારના ભીડભાડવાળા કેમ્પમાં આશરે ૧૨ લાખ (૧.૨ મિલિયન) રોહિગ્યા શરણાર્થીઓ રહે છે, જ્યાં તેઓ આગના જોખમ, ચેપી રોગો, ભૂસ્ખલન, નબળી સ્વચ્છતા અને રોજગાર પરના પ્રતિબંધો જેવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
ICJના ચુકાદા અંતિમ અને કાયદેસર રીતે બંધનકર્તા હોય છે, જોકે તેના અમલ માટે કોર્ટ પાસે સીધી વ્યવસ્થા નથી અને પાલન ન થાય તો તે શ્ફ સુરક્ષા પરિષદને જાણ કરી શકે છે. આ ચુકાદાની અસર ICJ સમક્ષ ચાલી રહેલા અન્ય નરસંહાર સંબંધિત કેસો (જેમ કે ગાઝા મામલે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ઇઝરાયલ અને યુક્રેન વિરુદ્ધ રશિયાના કેસ) પર પણ પડી શકે છે, કારણ કે આંતરરાષ્ટ્રીય કાયદાના નિષ્ણાતો માને છે કે આવી ઘટનાઓની પદ્ધતિઓમાં સમાનતા જોવા મળે છે. રોહિગ્યા સમુદાય અને માનવાધિકાર કાર્યકરો માટે આ કાર્યવાહી વર્ષોની અનિヘતિતા બાદ ઓળખ, ન્યાય અને ગરિમાની માંગ સમાન છે.
(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
