<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th May 2026

મોડેલ ત્વિષા શર્માના મોતનો રહસ્યસ્ફોટ: ૧૨ દિવસ પછી અંતિમ સંસ્કાર : દિલ્હી AIIMS ની ટીમે કર્યું બીજું પોસ્ટમોર્ટમ : સુપ્રીમ કોર્ટે લીધી સુઓમોટો નોંધ

લગ્નના ગણતરીના મહિનાઓમાં જ સાસરિયામાં શંકાસ્પદ હાલતમાં લાશ મળતાં હાઇકોર્ટના આદેશથી ફરીથી કરાયું પીએમ : પતિની ધરપકડ બાદ હવે ૨૫ મેના રોજ દેશની સર્વોચ્ચ અદાલત ખાસ બેન્ચ રચીને કરશે સુનાવણી

ભોપાલ:  ગ્લેમર જગતની જાણીતી મોડેલ અને અભિનેત્રી ત્વિષા શર્માના શંકાસ્પદ મોતના હાઈ-પ્રોફાઈલ કેસે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. ગત ૧૨ મેના રોજ ભોપાલના કટારા હિલ્સ સ્થિત સાસરિયાના ઘરે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવેલી ૩૧ વર્ષીય ત્વિષાના મૃત્યુના બરાબર ૧૨ દિવસ બાદ આખરે રવિવારે સાંજે કડક સુરક્ષા વચ્ચે ભડભડા વિશ્રામ ઘાટ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ કેસમાં પોલીસ અને વહીવટી તંત્રની પ્રારંભિક તપાસ પર ગંભીર સવાલો ઉભા થતાં, હાઇકોર્ટના કડક નિર્દેશ બાદ ભોપાલ એઇમ્સ (AIIMS) ખાતે દિલ્હીથી આવેલી ખાસ નિષ્ણાતોની ટીમ દ્વારા સતત ત્રણ કલાક સુધી ત્વિષાના મૃતદેહનું બીજું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ લાલ સાડીમાં સજ્જ બહેનની ચિતાને તેના સગા ભાઈએ આંસુઓ સાથે મુખાગ્નિ આપ્યો ત્યારે વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું.

બીજી તરફ આ ચકચારી મામલાની ગંભીરતાને જોતાં દેશની સર્વોચ્ચ અદાલતે (સુપ્રીમ કોર્ટ) આ ઘટનાની સુઓમોટો (જાતે) નોંધ લઈને ન્યાયિક વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બનેલી સુપ્રીમ કોર્ટની વિશેષ બેન્ચ સોમવાર, ૨૫ મેના રોજ આ કેસની ખાસ સુનાવણી હાથ ધરશે. સર્વોચ્ચ અદાલતે આ કેસને "સાસરિયાના ઘરે યુવતીના અકુદરતી મૃત્યુ સાથે સંબંધિત કથિત સંસ્થાકીય પૂર્વગ્રહ અને પ્રક્રિયાગત અનિયમિતતા" તરીકે ગણાવ્યો છે, જે સ્થાનિક પોલીસની કાર્યપ્રણાલી સામે સીધી આંગળી ચીંધે છે. ત્વિષાના પરિવારે આક્ષેપ કર્યો છે કે ડિસેમ્બરમાં લગ્ન થયા બાદથી જ તેને દહેજ માટે પ્રતાડિત કરવામાં આવી રહી હતી.

આ કેસના મુખ્ય આરોપી અને ત્વિષાના પતિ સમર્થ સિંહે ૧૦ દિવસ સુધી ફરાર રહ્યા બાદ આખરે શુક્રવારે જબલપુર કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું, જ્યાંથી પોલીસે તેને સાત દિવસના રિમાન્ડ પર મેળવી પૂછપરછ શરૂ કરી છે. જોકે, તેની સાસુ ગિરિબાલા સિંહ વારંવાર સમન્સ પાઠવવા છતાં હજુ સુધી પોલીસ સમક્ષ હાજર થયા નથી. આ દરમિયાન ત્વિષાના ભાઈ અને ભારતીય સેનાના ઓફિસર મેજર હર્ષિત શર્માએ સ્થાનિક પ્રશાસન પર અવિશ્વાસ જતાવતા આ સમગ્ર મામલાની સીબીઆઈ તપાસ કરવાની માંગણીનો પુનરોચ્ચાર કર્યો છે, જેના માટે રાજ્ય સરકારે અગાઉથી જ કેન્દ્રને ભલામણ મોકલી દીધી છે. હવે આ કેસનું ભવિષ્ય બીજા પીએમ રિપોર્ટ અને સુપ્રીમ કોર્ટની સુનાવણી પર ટકેલું છે.

(6:56 PM IST)