<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

નાગોયા એશિયન ગેમ્સ ૨૦૨૬ માં મીડિયા માટે અનોખો ડ્રેસ કોડ: શૂટિંગ રેન્જમાં બ્લુ જીન્સ પર પ્રતિબંધ, કેમેરામેન અને ફોટોગ્રાફર્સ માટે આકરા નિયમો જાહેર!

જાપાનમાં યોજાયેલી ૨૦મી એશિયન ગેમ્સમાં શિસ્ત અને પ્રોફેશનલિઝમના નામે વિવાદ: ટી-શર્ટ, સૅન્ડલ અને ફાટેલા કપડાં પહેરવા પર મનાઈ, વિવાદ વચ્ચે સ્મૃતિ મંધાનાની ગોલ્ડન ટૂર વાયરલ

નાગોયા : જાપાનના આઈચી-નાગોયા ખાતે આયોજિત ૨૦મી એશિયન ગેમ્સમાંથી એક રસપ્રદ અને અનોખો કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય રીતે ખેલાડીઓ માટે નિયમોની કડક અમલવારી થતી હોય છે, પરંતુ આ વખતે આયોજકો દ્વારા મીડિયાકર્મીઓ, ખાસ કરીને કેમેરામેન અને ફોટોગ્રાફર્સ માટે એક ખાસ 'ડ્રેસ કોડ' જાહેર કરવામાં આવ્યો છે. શૂટિંગ રેન્જ કવર કરવા પહોંચેલા એક વિડીયો જર્નાલિસ્ટને બ્લુ જીન્સ પહેરીને આવવા બદલ અટકાવવામાં આવ્યો હતો અને તેને તરત જ કપડાં બદલીને બ્લેક જીન્સ પહેરીને આવવા સૂચના આપવામાં આવી હતી. આ ઘટના બાદ મીડિયા ગેલરીમાં આશ્ચર્ય સાથે વિવાદ સર્જાયો હતો.

 

આયોજકોએ આ નિયમ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, "બ્લુ જીન્સ પરનો આ પ્રતિબંધ પ્રિન્ટ કે ડિજિટલ રિપોર્ટર્સ માટે નથી, પરંતુ માત્ર ફોટોગ્રાફર્સ અને ટીવી કેમેરામેન માટે છે. કેમેરામેન સતત જનતા અને કેમેરાની નજરમાં રહેતા હોવાથી તેમણે પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ જાળવવું જરૂરી છે." ડ્રેસ કોડ મુજબ મીડિયાકર્મીઓ માટે આર્મી પ્રિન્ટ વાળા કપડાં, ટૂંકા શોર્ટ્સ, સ્લીવલેસ શર્ટ, ટેન્ક ટોપ, ફાટેલા કે કટ-ઓફ ટ્રાઉઝર, જિમ કે રનિંગ વેર, તેમજ સેન્ડલ અને ફ્લિપ-ફ્લોપ (ચપ્પલ) પહેરવા પર સંપૂર્ણ મનાઈ ફરમાવવામાં આવી છે. બ્લેક જીન્સને વધુ ફોર્મલ ગણીને તેની મંજૂરી આપવામાં આવી છે.

 

બીજી તરફ, ભારત માટે એશિયન ગેમ્સ ૨૦૨૬ માં પ્રથમ ગોલ્ડ મેડલ જીતનારી મહિલા ટી-૨૦ ક્રિકેટ ટીમની વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાનાની જાપાન પ્રવાસની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. મેચ પૂરી થયા બાદ સ્મૃતિએ તેના મિત્રો સાથે જાપાનના પ્રખ્યાત પર્યટન સ્થળોની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત, આ ગેમ્સ દરમિયાન સોમવારે 'ડૂવાન' વાવાઝોડાને કારણે ઘોડેસવારીની સ્પર્ધા મોકૂફ રાખવી પડી હતી, જ્યારે થાઇલેન્ડની એક મહિલા બેડમિન્ટન ખેલાડી ડોપ ટેસ્ટમાં નિષ્ફળ જતાં સસ્પેન્ડ થનારી પ્રથમ એથ્લેટ બની છે.

 

(8:44 PM IST)