News of Tuesday, 8th September 2026
વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમમાં યુવાઓમાં છવાયો ‘નમો’ ઉત્સાહ : સ્પોર્ટ્સ ઇવેન્ટ જેવી ઊર્જાસભર રજૂઆત સાથે કાર્યક્રમ બન્યો યાદગાર : જુઓ વિડિયો
મંડપની વચ્ચે બનાવેલા વિશેષ રેમ્પ પર ચાલીને વડાપ્રધાને યુવાનોનું અભિવાદન ઝીલ્યું : રમૂજી શૈલીમાં ‘મિમ કલ્ચર’ નો ઉપયોગ કરી ટેક્નોલોજી અને ડિજિટલ માધ્યમોથી જીવંત સંવાદ સાધ્યો

વડોદરા: સંસ્કારી નગરી વડોદરા ખાતે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો પ્રભાવશાળી ‘ઓરા’ સમગ્ર સ્થળ પર છવાયેલો રહ્યો હતો. પરંપરાગત સભાઓની સરખામણીએ યુવા વર્ગ સાથે સીધો અને જીવંત સંવાદ સ્થાપિત થાય તેવા આયોજન વચ્ચે વડાપ્રધાને મંડપની વચ્ચે તૈયાર કરવામાં આવેલા વિશેષ રેમ્પ પરથી ચાલીને યુવાનો વચ્ચે પહોંચી તેમની સાથે આત્મીયતા વ્યક્ત કરી હતી. વડાપ્રધાનના રેમ્પ પર આગમન સમયે યંગ્ઝ દ્વારા હર્ષનાદ અને ઉલ્લાસભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને પણ આ લાગણી અને ઊર્જાનો સહજતાથી સ્વીકાર કર્યો હતો. ટ્રેન્ડિંગ સોંગ્ઝ અને ટ્યુન સાથે તેમના આગમનને વધાવવામાં આવતાં વાતાવરણ અત્યંત જીવંત બની ગયું હતું.
યંગ જનરેશન સાથેના સંવાદ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજના યુવાનોમાં લોકપ્રિય બનેલી ‘મિમ કલ્ચર’ ની ભાષાશૈલીનો સચોટ ઉપયોગ કર્યો હતો. તેમણે ગંભીર અને મહત્વપૂર્ણ મુદ્દાઓને સરળ, રમૂજી તથા યુવાનોને સ્પર્શે તેવી વાતો દ્વારા રજૂ કરીને ઉપસ્થિતોને હસાવ્યા હતા અને પોતાની વાત પણ પહોંચાડી હતી. કાર્યક્રમ દરમિયાન કેટલાક યુવાનોએ પોતાની કલા પ્રદર્શિત કરતાં વડાપ્રધાને ચાલુ ભાષણ દરમિયાન જ તે કૃતિઓનો સ્વીકાર કરી પોતાની પાસે મંગાવી લીધી હતી.
આ સમગ્ર કાર્યક્રમની પ્રસ્તુતિમાં પણ અનોખી નવીનતા જોવા મળી હતી. સમગ્ર સભાનું પ્રસારણ કોઈ સ્પોર્ટ્સ ઇવેન્ટનું જીવંત પ્રસારણ થઈ રહ્યું હોય તેવી ઊર્જાસભર શૈલીમાં કરાયું હતું. મંચ પરની પ્રવૃત્તિઓ સાથે વિશાળ સ્ક્રીન પર યુવાનોની પ્રતિક્રિયાઓ અને લાગણીઓને વિશેષ સ્થાન આપવામાં આવ્યું હતું. અનેક યુવાનો ચારથી પાંચ મોબાઇલ ફોન એકસાથે જોડીને વડાપ્રધાન પ્રત્યેના પોતાના વિચારો અને લાગણીઓ દર્શાવતા જોવા મળ્યા હતા. ટેક્નોલોજી અને યુવા અભિવ્યક્તિના આ સમન્વયે કાર્યક્રમને ડિજિટલ યુગની નવીન જીવંત સંવાદશૈલી સાથે જોડ્યો હતો.
આ કાર્યક્રમ માત્ર સંબોધન પૂરતો સીમિત ન રહેતાં યુવાનોની સક્રિય ભાગીદારીનો ઉત્સવ બની રહ્યો હતો. એક તરફ વડાપ્રધાનનું પ્રેરણાદાયી સંબોધન હતું, તો બીજી તરફ યુવાનોની ભાષા, ડિજિટલ કન્ટેન્ટ અને જીવંત રજૂઆત દ્વારા કાર્યક્રમને નવી પેઢી માટે ખાસ યાદગાર બનાવવામાં આવ્યો હતો.
(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
