News of Saturday, 4th July 2026
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા નરેન્દ્રભાઈને ઓનલાઇન ધમકીથી ખળભળાટ
મેલબર્નના પ્રવાસી ભારતીય કાર્યક્રમને લઇ સુરક્ષા એજન્સીઓ એલર્ટ

નવી દિલ્હી/મેલબર્ન: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મેલબર્ન પ્રવાસ પહેલા ઓનલાઇન ધમકીભર્યા સંદેશે ઓસ્ટ્રેલિયામાં સુરક્ષા તંત્રને સતર્ક કરી દીધું છે. ‘મેલબર્ન મીટ્સ મોદી’ સમુદાય કાર્યક્રમ અંગેની ફેસબુક પોસ્ટ નીચે ધમકીભરી ટિપ્પણી મુકાયા બાદ મામલો ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસ સુધી પહોંચ્યો હોવાના અહેવાલો અંગ્રેજી મીડિયામાં પ્રસિદ્ધ થયા છે.
તપાસકર્તાઓએ સંબંધિત ઇન્ટરનેટ એડ્રેસ શોધી કાઢ્યાનો દાવો કર્યો છે, પરંતુ ધરપકડ જાહેર નથી. શ્રી નરેન્દ્રભાઈ મોદી ૮થી ૧૦ જુલાઈ દરમિયાન મેલબર્નમાં રહેશે.
પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદી આવતા અઠવાડિયે ઈન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના પ્રવાસે જવાના છે. સત્તાવાર કાર્યક્રમ મુજબ તેઓ ૮થી ૧૦ જુલાઈ દરમિયાન મેલબર્નમાં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બાનીઝ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે, ગવર્નર જનરલને મળશે અને ભારતીય મૂળના લોકોની વિશાળ સભાને સંબોધશે.
આ વચ્ચે મેલબર્નના માર્વેલ સ્ટેડિયમ ખાતે ૯ જુલાઈના ‘મેલબર્ન મીટ્સ મોદી’ કાર્યક્રમ અંગેની ફેસબુક પોસ્ટ નીચે એક વ્યક્તિએ ધમકીભરી ટિપ્પણી કરી હોવાના અહેવાલો સામે આવ્યા છે.
ઓસ્ટ્રેલિયન મીડિયા મુજબ મામલો ૩ જુલાઈએ ફેડરલ પોલીસ સુધી પહોંચ્યો હતો અને તપાસકર્તાઓએ સંબંધિત ઇન્ટરનેટ સરનામું ઓળખ્યું છે. પોલીસ તરફથી ધરપકડ કે આરોપ અંગે કોઈ સત્તાવાર જાહેરાત નથી. તપાસ ચાલુ છે.
(8:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
