News of Saturday, 28th November 2026
નરેન્દ્રભાઈ ક્યાંય જવાના નથી, હવે કોંગ્રેસે પોતાનાં બિસ્તરાં પોટલાં બાંધવાનો સમય આવી ગયો છે : રાજનાથસિંહનો આકરો પ્રહાર: મતચોરીનો એક નક્કર પુરાવો રજૂ કરવા રાહુલ ગાંધીને પડકાર

જમ્મુ, તા. ૨૮ : સંરક્ષણમંત્રી રાજનાથસિંહે કોંગ્રેસના મતચોરીના આક્ષેપો સામે આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ક્યાંય જવાના નથી, પરંતુ હવે કોંગ્રેસે પોતાનાં બિસ્તરાં પોટલાં બાંધવાનો સમય આવી ગયો છે.
પરેડ ગ્રાઉન્ડ ખાતે ભાજપની ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ રેલીને સંબોધતાં તેમણે રાહુલ ગાંધી અને કોંગ્રેસને મતચોરીનો એક નક્કર પુરાવો રજૂ કરવા પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યું કે મોદીને દેશની જનતાએ વડાપ્રધાન બનાવ્યા છે અને તેમને પદ પરથી હટાવવાનો અધિકાર પણ જનતાને જ છે.
જમ્મુ-કાશ્મીરને ભારતનું મુગટમણિ ગણાવતાં તેમણે ઓગસ્ટ ૨૦૧૯માં કલમ ૩૭૦ નાબૂદ કરવાના નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો હતો. તેમના મતે આ નિર્ણયથી વિકાસને વેગ મળ્યો છે અને આતંકવાદ તથા અલગતાવાદ નબળા પડ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૭થી ૨૦૨૦ દરમિયાન ૪.૭૬ કરોડ પ્રવાસીઓ આવ્યા હતા, જ્યારે ૨૦૨૩થી ૨૦૨૫ દરમિયાન આ સંખ્યા વધીને ૭.૮૫ કરોડ થઈ હતી. કટોકટી અને શાહબાનો કેસનો ઉલ્લેખ કરતાં તેમણે કોંગ્રેસ પર લોકશાહી મૂલ્યોની અવગણનાનો આરોપ મૂક્યો હતો.
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
