<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

કાશી વિશ્વનાથના દરબારમાં નરેન્દ્રભાઈ મોદીની વિશેષ પૂજા-અર્ચના : હાથમાં ત્રિશૂળ-ડમરુ અને ભાલ પર ચંદનનો લેપ લગાવી બાબાના શરણે

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના માહોલ વચ્ચે વડાપ્રધાને ગર્ભગૃહમાં ૩૦ મિનિટ સુધી શાસ્ત્રોક્ત વિધિ કરી : વિક્રમાદિત્ય વૈદિક ઘડિયાળની કાર્યપ્રણાલી વિશે પણ માહિતી મેળવી

 વારાણસી: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉત્તર પ્રદેશના બે દિવસીય પ્રવાસના બીજા દિવસે વારાણસીમાં બાબા વિશ્વનાથના દરબારમાં હાજરી આપી હતી. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના ધમધમાટ વચ્ચે વડાપ્રધાને કાશી વિશ્વનાથ મંદિરમાં આશરે ૩૦ મિનિટ સુધી ગર્ભગૃહમાં રહીને વિધિ-વિધાન સાથે પૂજા-અર્ચના કરી હતી. તેમણે બાબા વિશ્વનાથના શિવલિંગ પર જલાભિષેક કર્યો હતો અને ફૂલહાર અર્પણ કરી આસ્થામાં લીન જોવા મળ્યા હતા.

 

મંદિરના પાંચ પુરોહિતો દ્વારા વડાપ્રધાનને વિશેષ પૂજા કરાવવામાં આવી હતી. પુરોહિતોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે પહેલા મંદિર પરિસરમાં અને ત્યારબાદ ગર્ભગૃહમાં વડાપ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન એક વિશેષ દ્રશ્ય જોવા મળ્યું હતું, જેમાં વડાપ્રધાનના ભાલ પર ચંદન અને તિલક લગાવેલું હતું અને તેઓ પૂર્ણપણે શિવ ભક્તિમાં તરબોળ દેખાતા હતા. દર્શન-પૂજન બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મંદિર પરિસરમાં સ્થાપિત 'વિક્રમાદિત્ય વૈદિક ઘડિયાળ'નું પણ અવલોકન કર્યું હતું અને તેની કાર્યપ્રણાલી વિશે જીણવટભરી વિગતો જાણી હતી.

 

પૂજા પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર કેટલીક તસવીરો શેર કરી હતી. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, "હર હર મહાદેવ! કાશીમાં બાબા વિશ્વનાથ મંદિરમાં દર્શન અને પૂજનનું સૌભાગ્ય મળ્યું. અહીં ભગવાન ભોલેનાથ પાસે સમસ્ત દેશવાસીઓ માટે સુખ-સમૃદ્ધિ અને આરોગ્યપૂર્ણ જીવનની કામના કરી છે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે મા અન્નપૂર્ણા અને મા ગંગાના દર્શનથી અસીમ શાંતિ મળી છે અને તેમની કૃપાથી દરેક વ્યક્તિમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય તેવી અભ્યર્થના સાથે કાશીની જનતાને ફરી એકવાર નમન કર્યા હતા. વડાપ્રધાનની આ મુલાકાતને લઈને કાશીવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

(1:33 PM IST)