News of Sunday, 5th July 2026
નરેન્દ્રભાઇએ સાણંદ મુલાકાતનો વીડિયો કર્યો પોસ્ટ, સેમિકન્ડક્ટર ફેસિલિટીમાં મહિલા કર્મચારીઓની ભાગીદારીની મુકત કંઠે કરી પ્રશંસા
સેમિકન્ડક્ટર ફેસિલિટીનું ઉદ્ઘાટન કરીને યુવા કર્મચારીઓ સાથે સંવાદ કર્યો હતોઃ

અમદાવાદઃ ભારતના ઔદ્યોગિક હબ ગણાતા સાણંદ ખાતે સેમિકન્ડક્ટર ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એ સાણંદ ખાતે CG Semi OSAT સેમિકન્ડક્ટર ફેસિલિટી નું ભવ્ય ઉદ્ઘાટન કર્યું હતું. આ ઐતિહાસિક મુલાકાત અને પ્લાન્ટની અંદરના અદભુત દ્રશ્યોને સાંકળતો એક ખાસ વીડિયો વડાપ્રધાને સોશિયલ મીડિયા (Social Media) પર પોસ્ટ કર્યો છે. આ પ્રોજેક્ટ ભારતના ટેક્નોલોજી ક્ષેત્રને એક નવી દિશા આપનારો અને વૈશ્વિક સ્તરે દેશનું કદ વધારનારો સાબિત થશે.
ઉદ્ઘાટન સમારોહ દરમિયાન વડાપ્રધાન મોદીએ પ્લાન્ટમાં કાર્યરત યુવા કર્મચારીઓ સાથે સીધો અને હૃદયસ્પર્શી સંવાદ કર્યો હતો. પીએમ મોદીએ ખાસ નોંધ્યું હતું કે, આ ફેસિલિટીમાં દેશના દૂરદૂરના વિસ્તારોમાંથી આવેલા ટ્રાઈબલ યુવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા છે. આ આદિવાસી અને ગ્રામીણ યુવાનોએ અત્યાધુનિક પ્રશિક્ષણ મેળવીને સેમિકન્ડક્ટર જેવા જટિલ અને ઉચ્ચ તકનીકી ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે, જે દેશના સમાન વિકાસનું ઉત્તમ ઉદાહરણ છે.
આ મુલાકાત દરમિયાન વડાપ્રધાને પ્લાન્ટમાં કામ કરતી મહિલા કર્મચારીઓ ની નોંધપાત્ર ભાગીદારીને મુક્તકંઠે વધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભારતીય નારી શક્તિ અને યુવા શક્તિના અદભુત સમન્વયે ભારતની તકનીકી ક્ષમતા માં અભૂતપૂર્વ વધારો કર્યો છે. સાણંદનો આ પ્લાન્ટ વડાપ્રધાનના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા 'મેક ઈન ઈન્ડિયા' (Make in India) અભિયાનને સુપરફાસ્ટ વેગ આપી રહ્યો છે, જેનાથી ભવિષ્યમાં ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે ભારતની આયાત પરની નિર્ભરતા ઘટશે.
પોતાની પોસ્ટમાં વડાપ્રધાને ગર્વપૂર્વક જણાવ્યું કે, ભારતના સેમિકન્ડક્ટર સફર (Semiconductor Journey) માં આ એક અત્યંત મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી પગલું નોંધાયું છે. દેશના તેજસ્વી યુવાનોની અથાક મહેનત અને સમર્પણના કારણે જ આજે ભારત ટેક્નોલોજીના ગ્લોબલ મેપ પર મજબૂત રીતે ઉભરી રહ્યું છે. વડાપ્રધાન મોદીએ ભારતને ડિજિટલ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે સુપરપાવર બનાવવા માટે અગ્રેસર રહેલી આ નવી પેઢીની યુવા શક્તિ પર સત્તાવાર રીતે ભારે ગર્વ વ્યક્ત કર્યો હતો.
(2:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
