News of Monday, 7th September 2026
નાસાનું નવું સ્પેસ ટેલિસ્કોપ રચશે ઈતિહાસ: એક જ તસવીર જોવા માટે જોઈશે ૫ લાખ 4K ટીવી! જાણો શા માટે ખાસ છે આ મિશન
રોમન સ્પેસ ટેલિસ્કોપ બ્રહ્માંડના ઊંડા રહસ્યો પરથી ઉંચકશે પડદો; હબલ ટેલિસ્કોપ કરતાં ૧૦૦ ગણા મોટા વિસ્તારની હાઈ-રિઝોલ્યુશન ઈમેજ લેવાની ધરાવે છે અદ્ભુત ક્ષમતા

વોશિંગ્ટન : અંતરિક્ષ વિજ્ઞાનના ક્ષેત્રમાં અમેરિકી સ્પેસ એજન્સી 'નાસા' (NASA) એક નવો ઈતિહાસ રચવા જઈ રહી છે. નાસાનું આગામી સ્પેસ ટેલિસ્કોપ 'નેન્સી ગ્રેસ રોમન સ્પેસ ટેલિસ્કોપ' (Nancy Grace Roman Space Telescope) બ્રહ્માંડના એવા અદ્ભુત અને વિશાળ ચિત્રો લેશે જેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. આ ટેલિસ્કોપ દ્વારા લેવામાં આવેલી એક જ તસવીરને તેના સંપૂર્ણ રિઝોલ્યુશન અને વિગતવાર જોવા માટે અંદાજે ૫ લાખ 4K અલ્ટ્રા-એચડી ટીવી સ્ક્રીનની જરૂર પડશે!
નાસાના આ મહત્વાકાંક્ષી મિશનનો મુખ્ય હેતુ બ્રહ્માંડના સૌથી મોટા રહસ્યો જેવા કે ડાર્ક એનર્જી, ડાર્ક મેટર અને સૌરમંડળ બહાર આવેલા ગ્રહો (Exoplanets) ની શોધ કરવાનો છે. જોકે આ ટેલિસ્કોપની પ્રાઈમરી મિરર સાઈઝ પ્રખ્યાત હબલ સ્પેસ ટેલિસ્કોપ જેટલી જ છે, પરંતુ તેનો કેમેરા અને ઓપ્ટિકલ સિસ્ટમ એટલી આધુનિક છે કે તે હબલની સરખામણીમાં ૧૦૦ ગણા મોટા આકાશના વિસ્તારને એક જ ફ્રેમમાં કેપ્ચર કરી શકશે.
આ ટેલિસ્કોપમાં ૨૮૮ મેગાપિક્સલનો વિશાળ કેમેરા સ્થાપિત કરવામાં આવશે, જે બ્રહ્માંડના અબજો તારા અને આકાશગંગાઓ (Galaxies) ના અત્યંત સ્પષ્ટ ફોટોગ્રાફ્સ લેશે. વૈજ્ઞાનિકોના મતે, આ મિશનથી અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રમાં એક નવો યુગ શરૂ થશે અને બ્રહ્માંડની ઉત્પત્તિ તથા તેના વિસ્તરણ અંગેના ઘણા અણઉકેલાયેલા પ્રશ્નોના જવાબો મળી શકશે.
(8:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
