<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

દિલ્હી લાલ કિલ્લા કાર બ્લાસ્ટ કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)નો મોટો સપાટો: વધુ ૩ આતંકીઓ વિરુદ્ધ કોર્ટમાં પુરવણી ચાર્જશીટ દાખલ, દેશને હચમચાવવાના ષડયંત્રમાં સામેલ તમામ આરોપીઓના રોલનો પર્દાફાશ

​રાજધાનીને લોહીલુહાણ કરનાર ભયાનક બોમ્બ ધડાકાના આતંકી નેટવર્કની તપાસમાં ચોંકાવનારા ખુલાસા, મુખ્ય સૂત્રધાર ડો. ઉમર ઉન નબી સહિત અત્યાર સુધીમાં કુલ ૧૩ ગંભીર ગુનાહિત શખ્સો વિરુદ્ધ કાનૂની સિંકજો કસાયો, ફરીદાબાદમાં આતંકી ટ્રેનિંગ લેવાના ષડયંત્રનો પણ પર્દાફાશ

​નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં આવેલા ઐતિહાસિક લાલ કિલ્લા વિસ્તાર નજીક થયેલા ભયાનક કાર બોમ્બ બ્લાસ્ટ મામલે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા દેશવિરોધી તત્વો વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. આ ચકચારી કેસની ચાલી રહેલી તપાસના ભાગરૂપે કેન્દ્રીય એજન્સી દ્વારા કોર્ટમાં વધુ ૩ આતંકવાદીઓ વિરુદ્ધ પૂરક આરોપનામું (ચાર્જશીટ) દાખલ કરવામાં આવ્યું છે. આ નવી ચાર્જશીટમાં એજન્સીએ દેશને હચમચાવી મુકનાર આ ભયાનક કાવતરામાં સામેલ તમામ ત્રણેય નવા આરોપીઓની સક્રિય ભૂમિકા અને દેશવિરોધી મનસૂબાઓનો સંપૂર્ણ પર્દાફાશ કર્યો છે. આ નવી કાનૂની કાર્યવાહી સાથે જ લાલ કિલ્લા બોમ્બ ધડાકાના આ કેસમાં કાનૂની સકંજામાં આવેલા કુલ આરોપીઓની સંખ્યા હવે ૧૩ પર પહોંચી ગઈ છે, જેમાં મુખ્ય સૂત્રધાર ડો. ઉમર ઉન નબી (જેનું મૃત્યુ નીપજ્યું છે) નો પણ સમાવેશ થાય છે.

​તપાસ એજન્સીના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, આ કેસમાં પકડાયેલા આતંકીઓ ખતરનાક સંગઠનો સાથે સીધા જોડાયેલા હતા અને દેશમાં અરાજકતા ફેલાવવાનું મોટું ષડયંત્ર રચી રહ્યા હતા. રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા અદાલત સમક્ષ રજૂ કરવામાં આવેલા દસ્તાવેજોમાં એવો પણ સનસનીખેજ ખુલાસો થયો છે કે, આ કેસમાં નામજોગ કરાયેલા આતંકીઓ પૈકીનો એક આતંકવાદી હરિયાણાના ફરીદાબાદ ખાતે વિશેષ આતંકી ટ્રેનિંગ મેળવવા માટે પણ આવ્યો હતો. તપાસ દરમિયાન એજન્સીને આ આતંકી મોડ્યુલના તાર જમ્મુ-કાશ્મીરથી લઈને દિલ્હી-NCR સુધી ફેલાયેલા હોવાના મજબૂત પુરાવા સાંપડ્યા છે.

​અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૦ નવેમ્બર ૨૦૨૫ના રોજ લાલ કિલ્લા વિસ્તાર નજીક સાંજના સમયે એક અત્યંત શક્તિશાળી કાર બોમ્બ બ્લાસ્ટ થયો હતો, જેણે સમગ્ર દિલ્હી અને દેશને હચમચાવી મુક્યો હતો. આ ભીષણ ધડાકામાં ૧૧ માસૂમ નાગરિકોના કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટનાની ગંભીરતાને જોતાં કેસની તપાસ દિલ્હી પોલીસ પાસેથી લઈને તુરંત જ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને સોંપવામાં આવી હતી.

​એજન્સીએ આ અગાઉ કોર્ટમાં આશરે ૭,૫૦૦ પાનાની અત્યંત વિસ્તૃત અને મુખ્ય ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં આતંકી સંગઠન 'અલ-કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ' (AQIS) અને 'અંસાર ગઝવત-ઉલ-હિંદ' (AGuH) સાથે જોડાયેલા ૧૦ રીઢા આંતકવાદીઓને આરોપી બનાવવામાં આવ્યા હતા. આ પકડાયેલા શરૂઆતના આતંકીઓમાંથી ૫ આરોપીઓ વ્યવસાયે તબીબ (ડોક્ટર) હોવાનું સામે આવતાં તબીબી આલમ સહિત સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી હતી. આ હિંસક ધડાકામાં અત્યંત ખતરનાક વિસ્ફોટક પદાર્થ 'ટ્રાયએસીટોન ટ્રાયપેરોક્સાઇડ' (TATP) નો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેને આતંકીઓએ કેમિકલ એકત્રિત કરીને જાતે જ લેબમાં તૈયાર કર્યો હોવાનું બહાર આવ્યું હતું.

​ચાર્જશીટમાં કરાયેલા અન્ય ડિજિટલ ખુલાસા મુજબ, આતંકી નેટવર્ક દ્વારા ભારતમાં પ્રતિબંધિત સામગ્રી તૈયાર કરવા અને ડ્રોન તેમજ રોકેટ આધારિત આઈઈડી (IED) હુમલા કરવા માટે અત્યાધુનિક ડિજિટલ પ્લેટફોર્મ, યુટ્યુબ તેમજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ ચેટજીપીટી (ChatGPT) નો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. દેશભરમાં સુરક્ષા પ્રતિષ્ઠાનો અને સંવેદનશીલ સ્થળોને નિશાન બનાવી લોહીની હોળી ખેલવાના આ ભયાનક આતંકી મનસૂબા પર રાષ્ટ્રીય તપાસ એજન્સીએ વધુ ૩ આતંકીઓ સામે કાનૂની સકંજો કસીને પાણી ફેરવી દીધું છે અને આ આખા નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે આગળની તપાસ વધુ વેગવાન બનાવી છે.

(5:49 PM IST)