News of Monday, 28th September 2026
વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય માટે દેશવ્યાપી મહા-અભિયાન: CISCE બોર્ડ ૧૬ લાખ વિદ્યાર્થીઓ અને ૩૨,૦૦૦ શિક્ષકોને જોડશે, ૧૦ ઓક્ટોબરથી થશે વિધિવત પ્રારંભ
શાળાના વર્ગખંડોથી લઈને રાષ્ટ્રીય મંચ સુધી ગૂંજશે વિદ્યાર્થીઓનો અવાજ: સ્ટ્રેસ, પદાર્થનો દુરુપયોગ અને ડિજિટલ લાઈફ જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર થશે ખુલ્લી ચર્ચા.

નવી દિલ્હી, તા.૨૮: આજના સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓ પર વધતા જતાં માનસિક તણાવ, અભ્યાસના દબાણ અને ભાવનાત્મક સમસ્યાઓને ડામવા માટે દેશના અગ્રણી શિક્ષણ બોર્ડ CISCE (કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન્સ) એ એક ઐતિહાસિક અને વિરાટ પહેલની જાહેરાત કરી છે. બોર્ડ દ્વારા "વિદ્યાર્થી માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી પહેલ" શરૂ કરવામાં આવી રહી છે, જે અંતર્ગત દેશભરની સંલગ્ન શાળાઓના અંદાજે ૧૬ લાખ વિદ્યાર્થીઓ અને ૩૨,૦૦૦ શિક્ષકોને એક જ મંચ પર લાવીને માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે.
આગામી ૧૦ ઓક્ટોબરના રોજ 'વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ'ના ખાસ પ્રસંગે આ અભિયાનનો વિધિવત પ્રારંભ થશે. આ માત્ર એક સામાન્ય જાગૃતિ કાર્યક્રમ સુધી સીમિત નહીં રહે, પરંતુ વિદ્યાર્થીઓના અનુભવો, ચિંતાઓ અને સમસ્યાઓને સીધા વર્ગખંડમાંથી ઉઠાવીને પ્રાદેશિક અને અંતે રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડવાનું એક મજબૂત માળખું પૂરું પાડશે. આ મહા-અભિયાનની આખરી પૂર્ણાહુતિ ૨૦ થી ૨૨ નવેમ્બર દરમિયાન હૈદરાબાદ સ્થિત CISCE સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે યોજાનાર 'રાષ્ટ્રીય કોન્ક્લેવ'માં થશે.
અભિયાનના પ્રથમ તબક્કામાં ૪ થી ૩૧ ઓક્ટોબર દરમિયાન તમામ શાળાઓમાં ધોરણ ૬ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે ચાર મુખ્ય વિષયો પર સાપ્તાહિક સંવાદ યોજાશે. જેમાં શૈક્ષણિક તણાવ, ડિજિટલ લાઈફ અને સકારાત્મક સંબંધો, ડ્રગ્સ તથા પદાર્થનો દુરુપયોગ અને માનસિક દ્રઢતા (Resilience) કેળવવી જેવા મહત્વના મુદ્દા આવરી લેવાશે. ત્યારબાદ ૪ થી ૧૪ નવેમ્બર દરમિયાન ૧૮ પ્રદેશોમાં વર્ચ્યુઅલ રીતે પ્રાદેશિક સંમેલનો યોજાશે, જેમાંથી પસંદગી પામેલા વિદ્યાર્થીઓ હૈદરાબાદ ખાતે યોજાનાર રાષ્ટ્રીય પરિષદમાં પ્રતિનિધિત્વ કરશે.
CISCE ના ચીફ એક્ઝિક્યુટિવ અને સેક્રેટરી જોસેફ ઈમેન્યુઅલે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, "વિદ્યાર્થીઓની સુખાકારીનો મુદ્દો છૂટાછવાયા પ્રયાસોથી ઉકેલી શકાય તેમ નથી. અમારો હેતુ એવી સંસ્કૃતિનું નિર્માણ કરવાનો છે જ્યાં વિદ્યાર્થીઓના અવાજને સાંભળવામાં આવે અને તેમના જીવનના વાસ્તવિક અનુભવોના આધારે શાળાઓ પોતાના નિયમો અને વાતાવરણમાં હકારાત્મક બદલાવ લાવે." આ પહેલ ભારતીય શિક્ષણ જગતમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને સુધારવા માટેનો એક ગેમ-ચેન્જર નિર્ણય સાબિત થશે.
(5:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
